કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ અઢી દાયકા અગાઉ મુંદરાથી જ્વલંત વિકાસની સફરનો પ્રારંભ કરનાર અદાણી પોર્ટના ચેરમેન ગૌતમ અદાણી છેલ્લાં બે દિવસથી મુંદરાની મુલાકાતે આવ્યાં છે. વિશ્વભરમાં અનેક પ્રકારના ઉદ્યોગો શરૂ કરનાર ગૌતમભાઈનું નામ દેશ વિદેશમાં ગૂંજે છે પણ ગૌતમભાઈએ પોતાના વાણી વ્યવહાર અને સંબંધોમાં એ જ સાહજિક્તા, સરળતા અને આત્મિયતા જાળવી રાખી છે તેનો કર્મચારીઓ અને પરિચિતોને વધુ એકવાર પરિચય થયો.
મુંદરાના ભાવિ વિકાસ અંગે આગેવાનો સાથે બેઠક યોજી
શનિવારે અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે મુંદરા આવેલા ગૌતમભાઈ ઝરપરા ગામે સામાજિક અગ્રણીના અવસાન નિમિત્તે પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે મુંદરાના સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક યોજીને ચર્ચા કરી હતી. મુંદરાના આગેવાનોએ શાલ, પાઘ અને શ્રીફળ આપીને તેમનું હરખભેર સન્માન કર્યું હતું. બેઠકમાં મુંદરાના ભવિષ્યના વિકાસ, આગામી યોજનાઓ સાથે સ્થાનિક અને સામાજિક ઉત્થાન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે અદાણી ગૃપ વિકાસના કાર્યોને ઝડપથી આગળ વધારશે પરંતુ આ સુવિધાઓની યોગ્ય જાળવણી અને સંભાળ રાખવાની સમાન જવાબદારી સ્થાનિક લોકોની પણ છે. લોકોની સહભાગીદારીથી જ વિકાસના ફળ લાંબા સમય સુધી લોકોને મળતાં રહેશે.
ગૌતમભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે આગામી સમયમાં કંપની શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ અને સામાજિક ઉત્થાનને લગતાં વિવિધ પ્રોજેક્ટ લાવવાની છે. આજે રવિવારે મહાશિવરાત્રિના પર્વે ગૌતમભાઈએ તાજેતરમાં જ્યાં ભાગવત કથા યોજાઈ હતી તે દાનેશ્વર મહાદેવ મંદિરે જઈ, ભગવાન શિવની પૂજા-અર્ચના કરીને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ગૃપના વિવિધ પ્રોજેક્ટ્સ પ્લાન્ટ્સની મુલાકાત લીધી
શિવ દર્શન બાદ તેમણે અદાણી ગૃપના વિવિધ મુખ્ય એકમોની વિગતવાર મુલાકાત લઈને ટેકનોલોજી તથા ભવિષ્યની યોજનાઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. ગૌતમભાઈએ અદાણી પેટ્રોકેમ પ્લાન્ટ, બિલ્ડકાસ્ટ ફેક્ટરી, અદાણી સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને વોટર ડીસેલિનેશન પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
કામદારો સાથે સામાન્ય કપમાં ચાની ચુસ્કી મારી
લેબર કેન્ટિનની મુલાકાત લઈને સામાન્ય કપમાં જ ગરમાગરમ ચાની ચુસ્કીઓ લીધી હતી. હળવા હાસ્ય સાથે ગૌતમભાઈએ ‘અમારા ગૃપના સૌથી મહત્વના સાથીઓ’ તરીકે સંબોધીને કેન્ટિનમાં હાજર કામદારોને ‘કેમ છો? કામમાં કંઈ તકલીફ તો નથી ને?’ તેવી પૃચ્છા કરીને પોતાનો સ્નેહ અને કાળજી દાખવ્યાં હતા. તેમની આ લાગણી અને સહજતા સૌ કામદારોને સ્પર્શી ગઈ હતી. સફળતાના શિખરે પહોંચેલા ગૌતમભાઈનું દિલ આજે પણ એટલું જ સરળ, નરમ અને નિખાલસ છે તે વાત સૌએ વગર કહ્યે અનુભવી હતી.
Share it on
|