|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરામાં નિવૃત્ત અંધ શિક્ષકના બંધ ઘરના તાળાં તોડીને થયેલી અઢી લાખ રૂપિયાની ચોરીના કિસ્સામાં કોઈએ કલ્પના ના કરી હોય તેવો વળાંક આવ્યો છે. હકીકતે શિક્ષકની પત્ની અને પુત્રએ જ ચોરીનું નાટક કર્યું હતું. ઘરમાં કોઈ ચોર પ્રવેશ્યા નહોતા પરંતુ મા-દીકરાએ ચોરીનું તરકટ રચેલું. હકીકતમાં અઢી લાખ રૂપિયા નહીં પરંતુ ૨૩ લાખ રોકડાં અને ૨૯.૪૦ લાખના સોના ચાંદીના ઘરેણાં મળી ૫૨.૯૦ લાખની માલમતાની કહેવાતી ચોરી થઈ હતી. મુંદરાની હસનપીર બજાર નજીક કેરાઈ ફળિયામાં ૭૦ વર્ષિય નિવૃત્ત સંગીત શિક્ષક શૌકતઅલી ખોજા તેમના ૫૮ વર્ષિય પત્ની યાસ્મિન અને ૩૦ વર્ષિય પુત્ર સમીર સાથે રહે છે. શૌકતઅલી બંને આંખે અંધ છે. સમાજના ધર્મગુરુ આગાખાનનો ગાંધીનગરમાં કાર્યક્રમ હોઈ તેમાં ભાગ લેવા ૧૦મી સપ્ટેમ્બરે ખોજા પરિવાર સમાજના અન્ય લોકો સાથે મુંદરાથી નીકળ્યો હતો. ૧૨મીની મધરાતે અઢી વાગ્યે સૌ પરત ફર્યાં હતા. ઘરે પરત ફર્યાં ત્યારે ચોરી થઈ હોવાનું ધ્યાને આવેલું.
શૌકતઅલીના પુત્ર સમીરે ૧૫ સપ્ટેમ્બરે મુંદરા પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ઘરના તાળાં તોડી કબાટમાં રાખેલાં અઢી લાખ રોકડાં રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવેલી.
મુંદરાના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર. શકોરીયાએ કહ્યું કે વિધિવત્ ફરિયાદ દાખલ કરી તે અગાઉ અમે ઘરે રૂબરૂ જઈને તપાસ કરેલી. પરંતુ ખરેખર ચોરી થઈ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકતું નહોતું. ખોજા પરિવારે ચોરી અંગે વિધિવત્ ફરિયાદ નોંધવા ખૂબ દબાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધેલી.
જે ચંપલ ચોરનું હોવાનું દાવો હતો તે ફરિયાદીનું નીકળ્યું
પીઆઈ શકોરીયાએ જણાવ્યું કે ઘર પાસે રેઢું પડેલું એક ચંપલ ચોરનું જ હોવાનો ફરિયાદી સમીરે દાવો કર્યો હતો. પોલીસે મુંદરામાં ફૂટવેરની દુકાનો પર તપાસ કરતાં તે ચંપલ સમીરનું જ હોવાનું અને થોડાંક સમય અગાઉ મા-દીકરાએ એક દુકાનેથી તે ચંપલ ખરીદયું હોવાનું સ્પષ્ટ થયેલું.
ભરુચ એસઓજીમાં લાંબો સમય પીઆઈ તરીકે ફરજ બજાવનાર શકોરીયાની ચકોર નજર પામી ગયેલી કે હકીકતમાં ઘરમાં ચોરી થઈ નથી પરંતુ ચોરી થયાનો દેખાવ ઊભો કરાયો છે.
ફરિયાદના બીજા દિવસે મા-પુત્રએ પોલીસ સમક્ષ એવી જાહેરાત કરેલી કે ઘરમાંથી અઢી લાખ નહીં પણ ૧૮.૫૦ લાખ રૂપિયાની ચોરી થઈ છે. આ બાબતની પણ પીઆઈ શકોરીયાએ ખાસ નોંધ લીધી હતી.
સમીરના મિત્ર સુધી રેલો ગયો ને ભાંડો ફૂટ્યો
ગહન તપાસનો રેલો સમીરના જ એક મિત્ર સુધી પહોંચ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં જ તેણે ભાંડો ફોડ્યો કે સાહેબ, ઘરના કિંમતી દર-દાગીના અને રૂપિયા રાખ્યાં હોવાનું કહીને સમીર મને એક તાળું મારેલી બેગ આપી ગયો હતો. પોલીસે ચેક કરતાં બેગમાંથી ૨૩ લાખ રોકડાં રૂપિયા અને ૨૯.૪૦ લાખના સોના ચાંદીના ઘરેણાં મળી કુલ ૫૨.૯૦ લાખનો દલ્લો મળી આવ્યો હતો.
રંગેચંગે સગાઈ શાદી કરવા નાટક રચ્યું
વાસ્તવમાં મા-દીકરાએ પોતાના જ ઘરમાં ચોરી કરવાનું તરકટ રચ્યું હતું. મહિને ૪૪ હજારનું પેન્શન મેળવતા શૌકતઅલી નાણાંનો ખર્ચ કરવામાં ખૂબ કરકસર કરે છે અને પાઈ પાઈનો હિસાબ રાખે છે. સમીરના સગપણની વાતો ચાલતી હતી. મા-દીકરાનો મનસુબો રંગેચંગે સગપણ અને શાદી કરવાનો હતો. જેથી તેમણે ચોરીનું તરકટ રચ્યું હતું. પોલીસે ચોરીના આરોપસર મા-દીકરાની ધરપકડ કરી લીધી છે.
Share it on
|