કચ્છખબરડૉટકોમ, ભુજઃ રવિવારથી મુંદરા તાલુકાના શિરાચા ગામે આવેલા પ્રાચીન અને પવિત્ર દાનેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં અદાણી પોર્ટ્સ એન્ડ એસઇઝેડ લિમિટેડ દ્વારા આયોજિત સાત દિવસીય શ્રીમદ્ ભાગવત મહા સપ્તાહનો શુભારંભ થયો છે. સપ્તાહનો પ્રારંભ ભક્તિમય પોથીયાત્રાથી થયો હતો. મુખ્ય માર્ગથી મંદિર સુધીની પોથી યાત્રામાં આસપાસના ગામોની નાની બાળાઓએ શણગારેલાં ગાડા સાથે ભાગ લીધો હતો. આ પોથી યાત્રાનો લાભ શ્રીમતી અમીબેન રક્ષિતભાઈ શાહે લીધો હતો.
ભવ્ય પોથીયાત્રા સાથે સપ્તાહનો શુભારંભ
યાત્રામાં ગ્રામવાસીઓ સાથે મુંદરા તાલુકાના આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકો જોડાયાં હતા. પવિત્ર ભાગવત પોથીને વિધિવત્ રીતે કથા મંડપમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી દેવેન્દ્રગિરિજી મહારાજ (શ્રી દાનેશ્વર જાગીર), શ્રી મનોહરગિરિજી મહારાજ, શ્રી વિશ્વંભરગિરિજી મહારાજ (કાંડગરા) તથા ૫૦થી વધુ સાધુ-મહાત્મા ઉપસ્થિત રહ્યા હતા. કથાવક્તા પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશી મહારાજ (મોટા ભાડિયા વાળા)એ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દીપ પ્રાગટ્ય કરીને શ્રીમદ્ ભાગવત સપ્તાહનો શુભારંભ કરાવ્યો હતો.
સર્વજન હિતાય સર્વજન સુખાયનો ભાવ
કથાના પ્રથમ દિવસે શ્રોતાઓને આધ્યાત્મિક મહિમા સમજાવવામાં આવ્યો હતો, કથાશ્રવણના ફાયદાઓ પર ભાર મૂકતાં “સર્વજનહિતાય સર્વજનસુખાય” નો ભાવાર્થ રજૂ કર્યો હતો. વક્તા કશ્યપ જોશીએ શ્રીકૃષ્ણ સ્વરૂપ અને શિવ તેમજ ભાગવતના મહિમા વર્ણવતા જણાવ્યું હતું કે ભાગ્યમાં હોય તો જ આ પવિત્ર કથાનું શ્રવણ થઈ શકે છે. આ ક્ષણે સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં તરબોળ થઈ ગયું હતું. પ્રથમ દિવસે છ હજારથી વધુ લોકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો.
સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવો જોડાયાં
ભાગવત કથામાં વિનોદભાઇ ચાવડા (સાંસદશ્રી, કચ્છ – મોરબી)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને શુભકામનાઓ આપી હતી. ચાવડાએ શ્રીમદ ભાગવત કથા સપ્તાહમાં વધુમાં વધુ લોકોને સહભાગી થવા અને અને આરોગ્ય સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ચાવડા ઉપરાંત બાબુભાઇ શાહ (પૂર્વ નાણાંમંત્રી), જાગૃતિબેન શાહ (પૂર્વ પ્રમુખ-કચ્છ જિલ્લા પંચાયત), રમેશભાઈ મહેશ્વરી (માજી ધારાસભ્ય, મુંદરા), સોમાભાઇ રબારી (ઉપપ્રમુખ, મુંદરા તાલુકા પંચાયત), શક્તિસિંહ જાડેજા (પ્રમુખ, મુંદરા તાલુકા ભાજપ અને સરપંચ, વિરાણીયા), ભજનાનંદી પાલુભાઈ ગઢવી અને મુંદરા તાલુકાના વિવિધ ગામના સરપંચો, સામાજિક આગેવાનો જોડાયાં હતા.
યજમાન રક્ષિત શાહે સૌને પ્રતિકૃતિ અર્પણ કરી
કથા યજમાન રક્ષિતભાઈ શાહે ઉપસ્થિત મહાનુભાવોને ખેસ અને કથાની પ્રતિકૃતિ આપી સન્માનિત કર્યા હતા. કથામાં અદાણી પોર્ટના સી.ઇ.ઓ સુજલભાઈ શાહ, અદાણી ગૃપના વિવિધ વિભાગના વડાઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોકડાયરામાં કીર્તિદાન, દેવરાજ ગઢવી કરશે જમાવટ
સપ્તાહનાં પ્રથમ દિવસે અઢીસોથી વધુ ગામ લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. ઉપરાંત ગૌસેવા, મહાપ્રસાદ તથા સંપૂર્ણ પ્લાસ્ટિક-મુક્ત વ્યવસ્થા સાથે ભક્તોને અદભૂત અનુભૂતિ થઈ હતી. સપ્તાહ દરમિયાન.૧૭ ડિસેમ્બરની સાંજે લોકગાયક કિર્તીદાનભાઈ ગઢવી, ભજનીક દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો) અને હાસ્ય કલાકાર પીયૂષભાઈ મારાજના સાન્નિધ્યમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે.
Share it on
|