કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા અદાણી પોર્ટે આજે વધુ એક વિક્રમ હાંસલ કર્યો છે. અદાણી પોર્ટ કન્ટેઈનર જહાજ MSC AMBRA પર ૨૧ હજાર ૮૫ TEUsનું એટલે કે કન્ટેઈનર હેન્ડલિંગ કરીને નવું સિમાચિહ્ન સ્થાપ્યું છે. ભારતના કોઈપણ પોર્ટ પર એક જ જહાજમાં હેન્ડલ કરવામાં આવેલું આ અત્યારસુધીનું સૌથી વધુ કન્ટેઈનર વૉલ્યુમ છે. આ સિદ્ધિએ નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપિત કરવાની સાથે ભારતના અગ્રણી વ્યાપારી પોર્ટ તરીકે મુંદરા પોર્ટનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.
દેશના સતત વિકસી રહેલા કન્ટેઈનરાઇઝ્ડ કાર્ગો વેપાર માટેના વ્યૂહાત્મક ગેટ વે તરીકે પણ મુંદરા પોર્ટની ભૂમિકા વધુ સુદ્રઢ થઈ છે.
ફૂટબૉલના ૪ મેદાન જેટલું વિશાળ છે જહાજ
MSC AMBRA વિશ્વમાં કાર્યરત સૌથી વિશાળ કન્ટેઈનર જહાજોમાંનું એક છે. ચાર ફૂટબોલ મેદાન જેટલા કદ આકારના આ વિશાળ જહાજની લંબાઈ ૪૦૦ મીટર અને પહોળાઈ ૬૧.૫૪ મીટર છે. તેનું ૨૫૬.૨૨૮ મેટ્રિક ટનનું ડિસ્પ્લેસમેન્ટ અંદાજે ૪૨ હજાર ૭૦૦ હાથીઓના સંયુક્ત વજન જેટલું છે. આગમન સમયે જહાજનો ફોરવર્ડ ડ્રાફ્ટ ૧૫.૧૦ મીટર અને આફ્ટ ડ્રાફ્ટ ૧૫,૧૫ મીટર હતો. આટલા વિશાળ જહાજને સુરક્ષિત રીતે હેન્ડલ કરવા માટે જરૂરી અદ્યતન મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડીપ-ડ્રાફ્ટ ક્ષમતાને આ ઓપરેશન પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે અદાણી પોર્ટ્સ મુંદરાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે “MSC AMBRA પર ૨૧ હજાર ૮૫ TEUsનું હેન્ડલિંગ મુંદરા પોર્ટ અને ભારતના મેરીટાઇમ સેક્ટર માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ છે. અગાઉના રાષ્ટ્રીય વિક્રમ કરતાં ૪૫૧૬ TEUs વધુ હેન્ડલ કરવાથી અમારી વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અદ્યતન ટેક્નોલોજી અને ઓપરેશનલ ક્ષમતાઓની મજબૂતાઈ સાબિત થાય છે”
શાહે ઉમેર્યું કે આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ ટીમ મુંદરા પોર્ટ અને તમામ સહયોગી ટીમોના સુવ્યવસ્થિત આયોજન, સુમેળભર્યા સંકલન તેમજ સલામતી અને શ્રેષ્ઠ સેવા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. વૈશ્વિક શિપિંગ ઉદ્યોગ વધુ વિશાળ જહાજો અને મોટા પાયે કાર્ગો એકત્રીકરણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે મુંદરા પોર્ટ ભવિષ્યલક્ષી ક્ષમતાઓ વિકસાવવા અને ભારતને વૈશ્વિક વેપાર તથા લોજિસ્ટિક્સ ક્ષેત્રે વધુ સ્પર્ધાત્મક બનાવવામાં પોતાનું યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.
૨૦૨૪ના રેકોર્ડ કરતાં ૨૬.૯ ટકા વધુ હેન્ડલિંગ કર્યું
આ નવી સિદ્ધિએ જાન્યુઆરી ૨૦૨૪માં MSC LIVORNO દ્વારા સ્થાપિત અગાઉના વિક્રમને પાછળ છોડ્યો છે. તે સમયે એક જ જહાજ પર ૧૬,૫૬૯ TEUsનું હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું. અદાણી પોર્ટની ટીમે અગાઉના વિક્રમ કરતાં ૪૫૧૬ TEUs વધુ હેન્ડલ કર્યા છે, જે ૨૬.૯ ટકાનો વધારો દર્શાવે છે.
Share it on
|