હવે સલમાન 'ખાન' ફિલ્મ કરશે -અગાઉ શાહરુખે માય નેમ ઇઝ ખાન કરેલી -સલમાનના બનેવી અતુલ અગ્નિહોત્રી પ્લાન કરે છે
સુપર સ્ટાર સલમાન ખાન નજીકના ભવિષ્યમાં ખાન નામની ફિલ્મ કરશે એવી માહિતી મળી હતી. અગાઉ ૨૦૧૦માં શાહરુખ ખાને માય નેમ ઇઝ ખાન ફિલ્મ કરેલી. હાલ સલમાન પોતાની ટાઇગર જિંદા હૈના પોસ્ટ પ્રોડક્શન્સના કામમાં બીઝી છે. આ ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર જેમણે અગાઉ યશ રાજની સુલ્તાન ફિલ્મમાં સલમાનના ડાયરેક્ટરની જવાબદારી અદા કરી હતી, એમણે ખાન ફિલ્મ લખી છે.
સલમાનના બનેવી અતુલ અગ્નિહોત્રી આ ફિલ્મના નિર્માતા છે અને અલી અબ્બાસ ઝફર પોતે એનું ડાયરેક્શન સંભાળવાના છે. આ રીતે હવે અલી અબ્બાસ ઝફર અને સલમાન ખાનની પણ સાથે કામ કરવાની હેટ્રીક થશે.
સુલતાન, ટાઇગર જિંદા હૈ અને ખાન, આમ ત્રણ ફિલ્મો સાથે થશે. અગાઉ સલમાને કબીર ખાન સાથે ત્રણ ફિલ્મો કરી હતી એક થા ટાઇગર, બજરંગી ભાઇજાન અને ટયુબલાઇટ. એ ત્રણેમાં પહેલી બે સુપરહિટ નીવડી હતી. અલી અબ્બાસ ઝફરે પોતાની ડાયરેક્ટર તરીકેની કારકિર્દીનો આરંભ મેરે બ્રધર કી દૂલ્હન ફિલ્મથી કર્યો હતો.
સલમાનની નિકટનાં સૂત્રોએ આપેલી માહિતી મુજબ અતુલ સલમાન સાથે ફિલ્મ કરવા ઉત્સુક હતો. એણે કેટલીક સ્ક્રીપ્ટ સલમાનને દેખાડી હતી પરંતુ સલમાનને સંતોષ નહોતો થયો એટલે સલમાને અલી અબ્બાસ ઝફરને કહ્યું હતું કે અતુલ મને લઇને ફિલ્મ બનાવી શકે એવી કોઇ સ્ક્રીપ્ટ હોય તો આપો. ઝફરે પોતે લખેલી સ્ક્રીપ્ટ સલમાનને દેખાડી હતી. સલમાનને એ સ્ક્રીપ્ટ પસંદ પડી હતી.
Share it on
|