કચ્છખબરડૉટકોમ, ભુજઃ ત્રણ દિવસ અગાઉ નખત્રાણાના નાગલપર ફાટક પાસે આયોજીત ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજના સમૂહલગ્નમાં પંચ દશનામ અખાડાના સંત અને સમાજના મહંત પર થયેલા હિંસક હુમલાના ઘેરાં પ્રત્યાઘાત પડ્યાં છે. હુમલો કરનારાં લોકો પર કડક કાર્યવાહી કરવાની રજૂઆત સાથે આજે ભુજમાં સમસ્ત સનાતન હિંદુ સમાજે વિશાળ રેલી યોજી કચ્છ કલેક્ટર અને પશ્ચિમ કચ્છ એસપીને આવેદન પત્ર આપ્યું છે. કુકમાના આશ્રમ ખાતે રહેતા ગરવા સમાજના મહંત રામગિરિ બાપુ પર હજારો લોકોની હાજરીમાં સ્ટેજ પર તેમનું સન્માન થતી વેળાએ માંડવીના શેરડી ગામના વકીલ રમણિક ગરવા, વિશાલ પંડ્યા અને અન્ય પાંચ સાગરીતોએ હિંસક હુમલો કર્યો હતો. જે અંગે નખત્રાણા પોલીસે સાતે શખ્સ સામે હત્યાના પ્રયાસની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો.
બાપુ સહિત ત્રણ સામે વળતી ફરિયાદ નોંધાવાયેલી
સામા પક્ષે, રમણિક ગરવાએ રામગિરિ બાપુએ અગાઉ સમાજનું અપમાન કરેલું હોઈ તેમને સમાજના કોઈપણ કાર્યક્રમોમાં નહીં બોલાવવા થયેલા ઠરાવનું ઉલ્લંઘન કરીને રમેશ લધારામ ગરવા અને નરસિંહ બાબુલાલ ગરવાએ સમૂહલગ્નમાં બોલાવતાં પોતે સ્ટેજ પર ખુલાસો માગવા ગયેલાં ત્યારે બાપુ સહિત ત્રણે જણે હુમલો કરી માર માર્યો હોવાની વળતી ફરિયાદ નોંધાવી હતી.
પાસામાં ફીટ કરવા કે જિલ્લા હદપાર કરવા માગ
રમણિક ગરવા અને વિશાલ પંડ્યા પર અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક કેસ નોંધાયેલા હોવાનું જણાવી આ બાબતને ધ્યાને રાખી તેમની સામે પાસા તળે અથવા જિલ્લામાંથી હદપાર કરવાની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. આરોપીઓ પૈકી વિશાલ પંડ્યા અને દિલીપ ગરોડા ઊર્ફે દીપક નામના બે જણાં હજુ નાસતાં ફરે છે અને તેઓ બાપુ પર ફરી હુમલો કરી શકે છે તેવી દહેશત પણ વ્યક્ત કરાઈ છે.
પોલીસ અને કાવતરામાં સામેલ લોકોની ભૂમિકા તપાસો
સમૂહ લગ્નમાં રમણિક ગરવા સહિતના આરોપીઓ વિઘ્ન સર્જવાનો પ્રયાસ કરશે તેવી દહેશત સાથે સમાજે સમૂહ લગ્નના ચાર દિવસ પૂર્વે એસપી, ડીવાયએસપી અને પીઆઈને લેખીત રજૂઆત કરેલી. પોલીસે સમૂહ લગ્નમાં અનિચ્છનીય બનાવ ટાળવા ૧૭ જેટલાં સ્ટાફની જવાબદારી નક્કી કરેલી છતાં બનાવના દિવસે ફક્ત પાંચથી સાત પોલીસ કર્મચારીઓ સ્થળ પર હાજર હતાં.
પોલીસ કર્મચારીઓની હાજરીમાં થયેલા હુમલા સંદર્ભે જવાબદાર પોલીસ કર્મીઓની બેદરકારી નક્કી કરી યોગ્ય પગલાં લેવા રજૂઆત કરાઈ છે.
પોલીસે રમણિક ગરવાના રીમાન્ડની માગ નથી કરી કે ઘટનાસ્થળે બનાવનું રી-કન્સ્ટ્રક્શન પણ નથી કર્યું તે બાબતને ગંભીર ગણાવાઈ છે. પોલીસ સ્ટેશનમાં રમણિક ગરવાની અટક વખતે તેની તરફેણમાં પોલીસને ભલામણ કરવા પીઆઈની ચેમ્બર સુધી દોડી ગયેલાં અને વકીલની વ્યવસ્થા કરનારાં લોકોની કૉલ ડિટેઈલ અને લોકેશન ટ્રેસ કરીને બાપુ પર થયેલા હુમલાના કાવતરામાં તેમની ભૂમિકાની પણ ગહન તપાસ કરાય તેવી રામગિરિ બાપુ વતી રજૂઆત કરાઈ હોવાનું ગરવા સમાજના મંત્રી ધીરજ ગરવાએ જણાવ્યું છે.
Share it on
|