કચ્છખબરડૉટકોમ, ભુજઃ માર્કેટ રેટ કરતાં સસ્તાં સોનું આપવાના બહાને કર્ણાટકના યુવક જોડે ૨૮.૭૫ લાખ રૂપિયાની ઠગાઈ કરનારા ભુજના રીઢા ચીટર નવાબ હયાત કકલે ચાર્જશીટ બાદ કરેલી નિયમિત જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. કર્ણાટકમાં વજનકાંટા રીપેરીંગનું કામ કરતા ૩૬ વર્ષિય નિઝામુદ્દીન સાબે ફ્રોડ અંગે નવાબ હયાત કકલ અને ઈકબાલ મામદ ચૌહાણ નામની ઠગબેલડી સામે ૧૮ માર્ચે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
નવાબે કૃણાલ જોશી નામ ધારણ કરી ફેસબૂક એકાઉન્ટ બનાવીને નિઝામુદ્દીનનો સંપર્ક કરીને માર્કેટ રેટ કરતાં પંદર ટકા ઓછાં ભાવે સોનુ ખરીદી તેનો બિઝનેસ કરવા ઑફર કરેલી.
ફરિયાદી પહેલીવાર ભુજ આવ્યો ત્યારે તેની પાસેથી રૂપિયા લઈને અસલી ગોલ્ડનું ૧૦૦ ગ્રામનું બિસ્કીટ આપીને વિશ્વાસ કેળવેલો. બાદમાં બેઉ જણે પોત પ્રકાશીને જુદાં જુદાં બહાને કુલ ૫૩.૫૫ લાખ રૂપિયા મેળવી લઈને સોનુ નહોતું આપ્યું.
ફરિયાદીની વારંવાર માંગણીને કારણે ડિસેમ્બરમાં ઈકબાલ ચૌહાણ અને ફેબ્રુઆરીમાં નવાબે કેટલાંક રૂપિયા પરત આપીને બાકીના ૨૮.૭૫ લાખની ‘ટોપી’ પહેરાવેલી. એટલું જ નહીં ફરિયાદીએ પોલીસ ફરિયાદની ચીમકી આપતાં બેઉ જણે તેને મારીને ક્યાંય ફેંકી દેવાની અને કોઈને ખબર પણ નહીં તેવી ધમકી આપેલી. ઈકબાલે કસ્ટમ ઑફિસરનો સ્વાંગ રચીને ગુનો આચર્યો હતો. નિઝામુદ્દીને પત્નીના દાગીના વેચી, મકાનના પ્લોટ વેચીને, મિત્રો પાસેથી ઉછીના અને વ્યાજે નાણાં લઈ બેઉ ઠગને આપ્યા હતાં.
આ ગુનામાં ચાર્જશીટ બાદ કૉર્ટે ઈકબાલને જામીન પર છોડતાં ‘સમાનતાના સિધ્ધાંત’ના ગ્રાઉન્ડ પર નવાબે પણ જામીન અરજી દાખલ કરી હતી.
જો કે, ગુનામાં નવાબની મુખ્ય ભૂમિકા હોવાનું અને આર્થિક ગુનો હોવાનું જણાવી છઠ્ઠા અધિક સેશન્સ જજ શિલ્પાબેન કાનાબારે અરજી ફગાવી દીધી છે.
ચલણી નોટના રંગ આકારના કાગળોના બંડલો જપ્ત
ભુજમાં બી ડિવિઝન પોલીસ મથકની હદમાં હાથ ધરાયેલાં કોમ્બિંગ ઓપરેશન દરમિયાન એક રીઢા આરોપીના ઘરમાંથી પહેલી નજરે ચલણી નોટના રંગ-રૂપ અને કદ આકારના બંડલો દેખાય તેવા કોરાં કાગળના ૯૦ બંડલો પોલીસે જપ્ત કર્યાં છે. પોલીસે આલાવારા કબ્રસ્તાન પાછળ રહેતા રમજાનશા કાસમશા શેખ નામના શખ્સના ઘરમાંથી આવા ૯૦ બંડલો જપ્ત કર્યાં છે. જો કે, આરોપી મળ્યો નથી. રમજાનશા સામે અગાઉ ભુજ અને માધાપરમાં ઠગાઈના બે ગુના સહિત ચાર ગુના નોંધાયેલાં છે. આવા કોરાં કાગળોના બંડલોનો ઉપયોગ લોકોની ઠગાઈ કરવામાં થતો હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકેલી છે.
Share it on
|