Jio હવે ટૂંક સમયમાં શરૂ કરશે બેંક, ડિસેમ્બરમાં પ્રારંભ
SBI સાથે પાર્ટનરશીપઃ ટેલીકોમ બાદ કંપની બેન્કીંગ ક્ષેત્રે
રિલાયન્સ જિઓએ સિમ અને મોબાઇલથી માર્કેટમાં આવ્યા બાદ હવે જિઓ કંપની તૈયાર કરી રહી છે પેમેન્ટ બેંકની. રિપોર્ટ્સનાં જણાવ્યા અનુસાર રિલાયન્સ જિઓ આ વર્ષનાં અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર સુધીમાં પોતાની પેમેન્ટ બેંક લોન્ચ કરવા જઇ રહી છે. આ પેમેન્ટ બેંક RIL એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સાથે પાર્ટનરશિપ કરીને ખોલવામાં આવશે. લાઇવ મિન્ટનાં રિપોર્ટ અનુસાર આની શરૂઆત ડિસેમ્બરમાં જ કરવામાં આવશે.
જો કે રિપોર્ટમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન મુકેશ અંબાણી પેમેન્ટ બેંકને જિઓ ફોન સાથે જ લોન્ચ કરવા માગતા હતાં. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ જિઓને પોતાની ક્ષમતા ડેમોસ્ટ્રેટ કરવા માટે કહ્યું હતું અને એવું સાબિત કરવા માટે પણ કહ્યું હતું કે લોન્ચિંગ પહેલાં દરેક રેગ્યુલેશનને કંપની ફુલફિલ કરે છે. રિપોર્ટમાં પણ આ જ બાબતને પેમેન્ટ બેંક મોડી લોન્ચ થવા પાછળનું કારણ દર્શાવાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જિઓ એક એવી પહેલી કંપની છે કે જે પેમેન્ટ બેંક લાવવાની તૈયારીમાં છે. આ પહેલા દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે પેમેન્ટ બેંક લોન્ચ કરી હતી. જિઓની પેમેન્ટ બેંકથી સ્ટેટ બેંકને પણ ફાયદો થશે. કેમ કે રિલાયન્સ જિઓનાં ગ્રાહકો ગામમાં પણ છે અને કંપની હવે દિવસે ને દિવસે પોતાનું નેટવર્ક પણ વધારી રહી છે. રિલાયન્સ જિઓ ફોનને પણ કંપનીએ સૌથી પહેલાં ગ્રામીણ વિસ્તારમાં વેચાણ કરવાનો ટાર્ગેટ કર્યો છે.
રિઝર્વ બેંકનાં માર્ગદર્શન અનુસાર પેમેન્ટ બેંક દ્વારા કોઇ પણ ગ્રાહકનું સેવિંગ એકાઉન્ટ ખોલી શકાશે. ગ્રાહક રૂ.૧ લાખ સુધી જમા કરાવી શકશે. પેમેન્ટ બેંક ડેબિટ કાર્ડ પણ રજૂ કરી શકે છે. આની સિવાય યૂટિલિટી બિલ પેમેન્ટ્સ માટે ઓફર્સ પણ આપવામાં આવશે. તેમજ મ્યચુઅલ ફંડ અને ઇન્શ્યોરન્સ આપવાની સુવિધા પણ ઉપલબ્ધ હશે.
Share it on
|