|
કચ્છખબરડૉટકોમ, ગઢશીશાઃ માંડવી તાલુકાના મમાયમોરા (દરશડી) ગામે રહેતી મુસ્લિમ પરિવારની દીકરી ઘરમાંથી અંદાજે ૪ લાખ રોકડાં અને ૮થી ૧૦ લાખના ઘરેણાં ચોરીને પ્રેમી સાથે નાસી ગઈ છે. ગઢશીશા પોલીસે ચોરીની FIR દાખલ ના કરતાં મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો સહિતના લોકો આજે સાંજથી ગઢશીશા પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેસી ગયાં છે. તેમની એક જ માંગણી છે કે પોલીસ ચોરીની FIR દાખલ કરે. ૩૦મી ઑગસ્ટના રોજ ૨૨ વર્ષની યુવતી ગઢવી યુવક સાથે નાસી ગઈ હતી. પરિવારનો આરોપ છે કે પ્રેમી જ યુવતીને લલચાવી ફોસલાવીને ઘરમાં ચોરી કરવા માટે પ્રેરિત કરીને તેને ભગાડી ગયો છે.
ધરણાં પર બેસેલાં આગેવાનોએ આરોપ કર્યો કે પોલીસ એક જ રટણ કર્યાં કરે છે કે આગળ ઉપર પૂછીને અમે FIR દાખલ કરશું. ઘરમાં ચોરી થયા અંગેની FIR દાખલ કરવામાં પોલીસ કેમ બહાના કર્યાં કરે છે તે સમજાતું નથી.
આ અંગે કચ્છખબરે ગઢશીશાના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.જે. રાણાને પૂછ્યું તો તેમણે ગોળ ગોળ ઉત્તર આપતાં જણાવ્યું કે ‘હા... હા.. એ ચાલુ છે’ જ્યાં સુધી પોલીસ ફરિયાદ ના નોંધે ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે તેમ મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું છે. પોલીસે કાયદેસર રીતે ચોરી અંગેની ફોજદારી ફરિયાદ નોંધી, નિષ્પક્ષ તપાસ કરીને જે કોઈ વ્યક્તિ જવાબદાર હોય તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ. પોલીસની નીતિ રીતિથી પોલીસની ભૂમિકા સામે સહજપણે સવાલો સર્જાય છે.
ધરણાં પર ઉતરેલાં આગેવાનોમાં હાજી આદમ બી. ચાકી, હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા, હાજી રમજાન ચાકી, મોહસીન હિંગોરજા, ઇકબાલ જત, અબ્દુલ રાયમા, અલીશાં બાવા સૈયદ, યાસીન ચાકી, રિયાઝ ચાકી વગેરેનો સમાવેશ થાય છે.
Share it on
|