|
કચ્છખબરૉટકોમ, ભુજઃ વર્ષ ૨૦૨૪ના હત્યા કેસના એક આરોપીએ આજે સવારે અંગત અદાવતમાં ભુજ સેશન્સ કૉર્ટ સંકુલમાં ઝનૂની બનીને એક યુવકના પેટમાં છરી ભોંકી દેતાં ભારે ચકચાર મચી ગઈ હતી. વકીલો-અસીલોની ચહલપહલ વચ્ચે થયેલાં હુમલા બાદ ત્યાંથી નીકળેલાં ભુજના SC/ ST સેલના DySP એમ.જે. ક્રિશ્ચિયને તુરંત હરકતમાં આવીને હાથમાં છરી સાથે લોહીતરસ્યાં બનેલાં હુમલાખોરને દબોચી લઈ ઘાયલ યુવકને હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હત્યા કેસનો સહઆરોપી રાહુલ કૉર્ટની મુદ્દતે આવેલો
હુમલાખોર રાહુલ ઊર્ફે માસાડો કરસન મારવાડા (રહે. વાલારામનગર, કોડકી રોડ, ભુજ) ૨૦-૦૭-૨૦૨૪ની મધરાતે ભુજના કુકમામાં આવેલા અવધનગરમાં રહેતા રમેશ પુંજાભાઈ મારવાડાની થયેલી હત્યાના કેસનો સહઆરોપી છે. આ કેસમાં હુમલાખોર રાહુલ મારવાડા, સચિન મુળજીભાઈ મેરિયા, અરુણ ઊર્ફે લાલો રામજીભાઈ મારવાડા, કિરણ ખીમજી પાયણ નામના ચાર આરોપી જામીન પર મુક્ત છે, કિશન મુળજીભાઈ મારવાડા નામનો પાંચમો આરોપી હજુ જેલમાં છે. કેસમાં મુદ્દત હોઈ આજે સવારે રાહુલ સહિતના અન્ય આરોપીઓ કૉર્ટમાં હાજર થયેલાં. તે સમયે અરુણના કાકા હિરજી પાયણ સાથે મિત્ર મયૂરગર મહેશગર ગુંસાઈ (ઉ.વ. ૨૫, રહે. રામનગરી, આત્મરામ સર્કલ પાસે, ભુજ) કૉર્ટમાં તેમને મળવા ગયેલો.
આરોપીઓ અંદરોઅંદર ઝઘડ્યાં, રાહુલે મયૂરને છરી ભોંકી
હુમલાખોર રાહુલ અને મયૂર વચ્ચે અગાઉ ઝઘડો થયેલો. ગઈકાલે મોબાઈલ પર બેઉ વચ્ચે બબાલ થયેલી. સૌ આરોપી કૉર્ટની કેન્ટિન બહાર પાર્કિંગ નજીક ઊભાં હતા ત્યારે રાહુલ, અરુણ અને કિરણ એકમેક પર દોષારોપણ કરીને ઝઘડવા માંડેલાં.
મયૂર વચ્ચે પડતાં રાહુલે ઉશ્કેરાઈને ‘મેં એક મર્ડર કરેલું છે, બીજું તારું કરીશ’ બોલીને ભેઠમાંથી છરી કાઢી સીધી મયૂરના પેટમાં ભોંકી દીધી હતી.
આ સમયે અન્ય કેસની મુદ્દતે કૉર્ટમાં આવેલા DySP ક્રિશ્ચિયન અને અન્ય સ્ટાફે વચ્ચે પડીને રાહુલને વધુ હુમલો કરતો અટકાવી તેની પાસે રહેલી છરી ઝૂંટવી લેવડાવી હતી.
કૉર્ટ સંકુલમાં હાજર કેટલાંક લોકોએ ઘટનાને મોબાઈલમાં રેકોર્ડ કરી તેની લાઈવ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં શેર કરી દીધી હતી.
મયૂરને પેટમાં જમણા ભાગે બેથી અઢી ઈંચ જેટલો ઊંડો ઘા વાગ્યો છે. સમયસર સારવારના લીધે બચી ગયો છે. પોલીસ ગિરફ્તમાં રહેલા રાહુલ વિરુધ્ધ મયૂરે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|