કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આજથી ૨૬ વર્ષ અગાઉ વર્ષ ૨૦૦૦માં ‘રાજુ ચાચા’ નામની એક કોમેડી એક્શન હિન્દી ફિલ્મ આવેલી. જેમાં હિરો તરીકે અજય દેવગણ હતો. આ ફિલ્મનો એક કોમેડી સીન આજે પણ ઈન્સ્ટાગ્રામની રીલ્સ કે યુ-ટ્યુબના શોર્ટમાં ખૂબ જ લોકપ્રિય છે. જૂઓ.
Video :
હિરો અજય દેવગન ફરસાણવાળાને ૫૦ ‘આલુ સમોસા’નો ઓર્ડર આપી, એક જ્વેલરી શૉરૂમમાં જઈ બાવન હજારની અંગુઠી ખરીદીને બે હજાર રૂપિયા ચૂકવી બાકીના ૫૦ હજાર રૂપિયા લેવા માટે દુકાનના માણસને પોતાની સાથે મોકલવા કહે છે.
શોરૂમના માણસને પોતાની ગાડીમાં બેસાડીને, સમોસાવાળાને ત્યાં ઉતારી ‘ઓ બાઉજી, મેરા પચાસ કા પેકેટ રેડી હૈ?’ કહી માણસને સમોસાવાળા જોડેથી પેકેટ લઈ લેવાનું કહી ગાડીમાં આગળ નીકળી જાય છે! આ જ પધ્ધતિથી આદિપુરના એક મની ટ્રાન્સફરવાળા જોડે ૨.૩૦ લાખ રૂપિયાની ઠગાઈ થઈ છે!
આદિપુરમાં નગરપાલિકા કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોપ, ફોટો ફ્રેમ સાથે મની ટ્રાન્સફરની દુકાન ચલાવતો ૩૬ વર્ષિય મનદીપસિંગ લાલવાની ગત શનિવારે બપોરે પોણા ચાર વાગ્યે ઘરેથી નીકળી દુકાને જવા તૈયાર થતો હતો ત્યાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવેલો.
ફોન કરનારે પોતે ‘રાજ પાંઉભાજી’વાળો હિતેશ બોલતો હોવાનું જણાવી મોબાઈલથી ૨.૩૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવેલું. મનદીપે તેને દુકાને રૂબરૂ આવવા જણાવતાં ફોન કરનારે ‘છોકરાને મોકલું છું’ તેવો જવાબ આપેલો.
સાંજે સાડા પાંચ વાગ્યે ‘રાજ પાંઉભાજી’માંથી દેવ ધનવાણી નામનો એક યુવક દુકાને આવેલો. દેવે મનદીપને ફોન આપીને વાત કરવા કહેલું.
સામે રહેલા માણસે મનદીપને ગુજરાતીમાં કહેલું કે ‘મારે ૨.૩૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવું છે’ મનદીપે તેને પૂછેલું કે ‘બપોરે તમે જ ફોન કરેલો ને?’ ત્યારે તે વ્યક્તિએ ‘હા હું એ જ છું અને પેમેન્ટ આ છોકરો આપી દેશે’ તેમ જણાવેલું.
મનદીપે બપોરે જે નંબર પરથી ફોન આવેલો તે નંબર અને દેવ ધનવાણીએ જે નંબર પર વાત કરાવેલી તે નંબર ચેક કરતાં બેઉ નંબર એક જ હતાં. ફોન કરનારની વાત પર વિશ્વાસ કરીને મનદીપે તેણે જણાવેલાં બે બેન્ક ખાતાંમાં ટુકડે ટુકડે ૨.૩૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધેલાં. ફોન પર મહત્તમ એક લાખ રૂપિયા જ ટ્રાન્સફર થઈ શકે તેમ હોઈ ચાલુ ફોને મનદીપે અજાણ્યા વ્યક્તિ પાસેથી બીજા બેન્ક ખાતાંનો નંબર અને ઓટીપી મેળવેલો. મની ટ્રાન્સફરની સમગ્ર પ્રક્રિયા પંદરથી વીસ મિનિટ સુધી ચાલેલી અને તે દરમિયાન પાંઉભાજીની દુકાનેથી આવેલો દેવ ધનવાણી તેની સામે ઊભો હતો.
મની ટ્રાન્સફર થઈ ગયાં બાદ મનદીપે દેવ ધનવાણી પાસે પેમેન્ટની માંગણી કરતાં દેવ ધનવાણીએ આશ્ચર્ય અને આઘાતથી જવાબ આપેલો કે ‘હું શેનું પેમેન્ટ આપું? હું તો તમારી પાસે પેમેન્ટ લેવા આવ્યો છું!’
દેવે જેના જોડે ફોન પર વાત કરાવેલી તે વ્યક્તિએ ‘રાજ પાંઉભાજી’માં દોઢસો પ્લેટ પાંઉભાજી અને દોઢસો પ્લેટ પુલાવનો ઓર્ડર આપેલો અને તેના પેમેન્ટના વીસ હજાર રૂપિયા લેવા માટે તેને મનદીપ પાસે મોકલેલો! મનદીપે તરત જે નંબર પરથી ફોન આવેલો તે નંબર પર કૉલ કરતાં ફોન સ્વિચ ઑફ્ફ થઈ ગયો હતો.
મનદીપ સાથે થયેલી ઠગાઈ અંગે આદિપુર પોલીસે આઈટી એક્ટ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે.
આદિપુરના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.સી. વાળાએ જણાવ્યું કે આદિપુર ગાંધીધામમાં આ રીતે ઠગાઈનો ત્રીજો ચોથો બનાવ અમારે ધ્યાને આવ્યો છે. આ ઠગો સાયબર ચીટરો છે. આ ચીટરો ગુગલ મેપ્સ પર જાણીતી ફાસ્ટફૂડ દુકાનો કે રેસ્ટોરન્ટ અને મની ટ્રાન્સફર કરતાં લોકોને નિશાન બનાવીને ‘રાજુ ચાચા’ ફિલ્મના ‘સમોસા પ્લોટ’ પર ઠગાઈ કરી રહ્યાં છે.