click here to go to advertiser's link
Visitors :  
18-Apr-2026, Saturday
Home -> Mandvi -> Retd Revenue Circle Officer and woman convicted in land scam after 16 years
Saturday, 18-Apr-2026 - Mandvi 1301 views
દેર હૈ પર અંધેર નહીં હૈ! ૧૬ વર્ષ બાદ સર્કલ ઑફિસર અને મહિલાને ૩-૩ વર્ષનો કારાવાસ
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીના રાજડા ગામે આચરાયેલા જમીન કૌભાંડમાં ૧૬ વર્ષે કૉર્ટે ચુકાદો જાહેર કરીને ગેરરીતિ આચરનારા તત્કાલિન સર્કલ ઑફિસર અને પોતાના નામે ખોટી રીતે જમીન કરાવનાર મહિલાને ત્રણ ત્રણ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. માંડવી તાલુકાના રાજડા ગામના સીમ સર્વે નંબર ૧૧૬વાળું ૭ એકર ૩૦ ગુંઠા ખેતર ડોણ ગામના હુરબાઈ અલીમામદ ચાકીએ વેચાણથી ખરીદેલું. હુરબાઈ ખેડૂત ખાતેદાર ના હોઈ મહેસુલી નિયમોને આધીન વેચાણ દસ્તાવેજની નોંધ રદ્દ કરવામાં આવી હતી.

એટલું જ નહીં, ૧૯૯૩માં આ જમીન બોજારહિત સ્થિતિમાં સરકારશ્રી કરવામાં આવી હતી.

આ રીતે ખોટાં દસ્તાવેજોથી સરકારી ચોપડે ખેલ પાડેલો

સમગ્ર હકીકતની જાણ હોવા છતાં ૧૨ વર્ષ બાદ અનુકૂળ સંજોગો ઊભાં થતાં હુરબાઈએ પતિની મદદથી તત્કાલિન તલાટી મંત્રી અમૃતલાલ શંકરલાલ નાયી અને તત્કાલિન સર્કલ ઑફિસર સુંદરજી લખમશી સોસીને ‘ફોડી’ને કૌભાંડ આચરેલું.

પોતાના દૂરના કૌટુંબિક કાકા કે જે ખેડૂત ખાતેદાર હતા તેમને ચોપડા પર પિતા તરીકે દર્શાવીને હુરબાઈએ પોતે ખેડૂત ખાતેદાર હોવાની ખોટી વિગતો અને ખોટાં દસ્તાવેજો તલાટી સમક્ષ રજૂ કરેલાં.

તલાટીએ અંગત ફાયદા હેતુ ખોટાં દસ્તાવેજો હોવાનું જાણવા છતાં, હુરબાઈએ રજૂ કરેલાં દસ્તાવેજોની ચોકસાઈપૂર્વક ખરાઈ ના કરીને, રેકર્ડ પર જમીન સરકારશ્રી થયેલી હોવાનું જાણવા છતાં જરૂરી કાયદેસર પ્રક્રિયાને અનુસર્યાં વગર સરકારી જમીન ખાનગી જમીન તરીકે હોવાની  રેકર્ડમાં નોંધ પાડી હતી. કાવતરામાં સામેલ તત્કાલિન સર્કલ ઑફિસર સુંદરશી સોસીએ નોંધને પ્રમાણિત કરી દીધેલી.

મામલતદારની તપાસમાં ગોલમાલનો ઘટસ્ફોટ થયેલો

૨૦૦૫ના વર્ષમાં આ કૌભાંડ આચરવામાં આવેલું. ત્યારબાદ તલાટી મંત્રી અને સર્કલ ઑફિસર વયોનિવૃત્ત થઈ ગયેલાં. ૨૦૧૦માં તત્કાલિન મામલતદાર તખતસંગ કે. ડોડીયાએ રૂટિન દફ્તર ચકાસણી હાથ ધરતાં આ ગોલમાલ નજરે ચઢેલી. અસલ રજિસ્ટરમાંથી એક પાનું પણ ગાયબ હતું.

ડોડીયાએ કલેક્ટરને  જાણ કરતાં કલેક્ટરે હુરબાઈ, પતિ અલીમામદ ચાકી તથા તત્કાલિન તલાટી મંત્રી અમૃત નાયી અને સર્કલ ઑફિસર સુંદરશી સોસા સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા હુકમ કરેલો.

જેને અનુસરીને ડોડીયાએ ચારે જણ સામે માંડવી પોલીસ મથકે ૮મી ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ ઈપીકો કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮ અને ૧૨૦-બી હેઠળ કાવતરું રચીને, અંગત ફાયદા હેતુ, ખોટાં દસ્તાવેજો રજૂ કરી, તેને માન્ય રાખીને સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરી સરકાર સાથે ઠગાઈ કરવા સબબ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં હુરબાઈને આગોતરા જામીન મળેલા અને અન્ય ત્રણ આરોપીઓની અટક બાદ તેઓ જામીન પર મુક્ત થયેલાં.

૨૦૧૭ સુધી કેસ માંડવી ભુજ વચ્ચે ‘ફરતો’ રહ્યો

આ કેસ ચાર્જફ્રેમના તબક્કે હતો ત્યારે ૨૦૧૦માં ભુજની કૉર્ટમાં ટ્રાન્સફર થયેલો. ત્યારબાદ ૨૦૧૭માં ભુજ કૉર્ટે કેસને ફરી માંડવી કૉર્ટમાં ટ્રાન્સફર કરેલો. કેસના ચાર સાહેદો ફરી ગયાં હોવા છતાં સરકારી રેકર્ડ પરનો પુરાવો અને સરકારી સાક્ષીઓની જુબાની માન્ય રહી. ૧૬ વર્ષ લાંબી ટ્રાયલ દરમિયાન તલાટી અમૃતલાલ નાયી અને અલીમામદ ચાકીનું નિધન થતાં તેમની સામેનો કેસ પડતો મૂકાયો હતો.

માંડવી કૉર્ટે તમામ કલમો હેઠળ સજા ફટકારી

માંડવી મુંદરાના પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ અને એડિ. ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ હિતેશ જે. તન્નાએ ૧૬ વર્ષ બાદ આ ગુનામાં સર્કલ ઑફિસર સુંદરજી લખમશી સોસી (રહે. હાલ જ્યોતેશ્વર પાર્ક, માંડવી) અને હુરબાઈ ચાકીને દોષી ઠેરવી ઈપીકો કલમ ૪૬૫ હેઠળ ૧ વર્ષની સાદી કેદ સાથે પાંચ પાંચ હજાર રૂપિયા દંડ, ૪૬૭ હેઠળ ૩ વર્ષની સાદી કેદ સાથે ૧૦-૧૦ હજારનો દંડ તથા ૪૬૮ હેઠળ  ૨ વર્ષની સાદી કેદ સાથે ૭-૭ હજારનો દંડ ફટકાર્યો છે.

ગુનો નોંધાયો ત્યારે સુંદરશીની ઊંમર ૬૫ વર્ષ હતી અને હુરબાઈની ઊંમર ૫૨ વર્ષ હતી.

ગુનામાં ફરિયાદ પક્ષ તરફે સરકારી વકીલ ડી.સી. ઠાકોરે દલીલો કરી હતી. ગુનાની તપાસ માંડવીના જે-તે સમયના પીઆઈ એચ.આર. દેસાઈએ કરેલી, જે DySP તરીકે પ્રમોશન મેળવીને નિવૃત્ત થઈ ગયાં છે. અપરાધીઓને જતી જિંદગીએ જેલમાં જવાનો વારો આવ્યો છે.

Share it on
   

Recent News  
શોખીન પુરુષોને ફસાવી પોલીસ પત્રકારના નામે તોડ કરતી મહિલા ગેંગે મોટી ચોરી કરેલી!
 
૪ કરોડના દારૂના કેસમાં વોન્ટેડ બૂટલેગરના માધાપરમાં ઈંગ્લિશના પોઈન્ટ શરૂ!
 
કચ્છ જિ. પંચાયતના પૂર્વ પ્રમુખ જીવા શેઠનું ટ્રેનની ટક્કરે મૃત્યુ નીપજતાં આઘાત