કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવી તાલુકાના વિઢ ગામની પંચાયતી પ્રાથમિક શાળાનો ઈન્ચાર્જ શિક્ષક માસૂમ બાળ વિદ્યાર્થીઓને મોબાઈલ ફોનમાં અશ્લીલ ફોટોગ્રાફ બતાડતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. બનાવ અંગે જાણ થતાં આજે વાલીઓ એકઠાં થઈ શાળામાં હલ્લાબોલ કરવા પહોંચ્યાં હતા પરંતુ શિક્ષકને આગોતરી ગંધ આવી જતાં શાળાના તાળાં મારીને તે નાસી છૂટ્યો હતો. બનાવ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ગઢશીશા પોલીસ મથકે રજૂઆત કરાઈ છે. ગામના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે થોડાંક દિવસોથી શાળાના મુખ્ય શિક્ષક રજા પર હોઈ નજીકના બાંભડાઈની પ્રાથમિક શાળાનો શિક્ષક ભણાવવા માટે આવે છે.
વિકૃત માનસના આ શિક્ષકે કેટલાંક છાત્રોને મોબાઈલ ફોનમાં રહેલાં બિભત્સ ફોટોગ્રાફ બતાડ્યાં હતાં. મામલો વાલીઓના કાને પહોંચતા આજે બપોરે વાલીઓ રોષભેર શાળાએ દોડી ગયાં હતાં. જો કે, શિક્ષક શાળાને તાળાં મારીને ગાયબ થઈ ગયો હતો.
બનાવ અંગે વાલીઓએ સરપંચને જાણ કરી હતી. સરપંચે જણાવ્યું કે બાંભડાઈમાં પણ અમે તપાસ કરાવી પરંતુ આ શિક્ષક ત્યાં પણ જોવા મળ્યો નથી, તેનો મોબાઈલ પણ બંધ થઈ ગયો છે. આ શિક્ષક અગાઉ બાંભડાઈમાં પણ તેના ‘લખ્ખણ’ ઝળકાવી ચૂક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઘટના અંગે તાલુકા શિક્ષણાધિકારી કમલેશ ખટારિયાને જાણ કરાઈ ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ અરજી અપાઈ છે. કાલે ગુરુવારે વાલીઓ ભુજ આવીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આ મુદ્દે રજૂઆત કરવાના છે.
Share it on
|