click here to go to advertiser's link
Visitors :  
05-Jun-2026, Friday
Home -> Mandvi -> Illegal Arms Seized in Mandvi Residence Raid Two Brothers Arrested by LCB
Friday, 05-Jun-2026 - Mandvi 2445 views
માંડવીઃ રહેણાક મકાનમાં દરોડો પાડી LCBએ દેશી તમંચો, એરગન સાથે હથિયારો જપ્ત કર્યાં
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે માંડવીની ભૂકંપનગરીના રહેણાક મકાનમાં દરોડો પાડીને દેશી તમંચા (કટ્ટો) અને એરગન સહિત છરી, ધારિયા, કૂહાડી, ધોકા વગેરે હથિયારોનો જથ્થો જપ્ત કરીને બે સગાં ભાઈની ધરપકડ કરી છે. એલસીબીની ટીમ ગત રાત્રે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે ભૂકંપનગરીમાં રહેતા અહેઝાઝ અહેમદ રઝાકમિયાં બુખારી (ઉ.વ. ૨૯) અને તેના નાના ભાઈ મુશર્રફ (ઉ.વ. ૨૪)ના રહેણાકમાં દારૂ હોવાની બાતમી મળી હતી.

જેના પગલે એલસીબીની ટીમે ગેબનશાપીરની દરગાહ સામે આવેલા તેમના રહેણાકમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.

દેશી કટ્ટા, એરગન સહિતના હથિયારો મળ્યાં

તપાસમાં દારૂ તો ના મળ્યો પરંતુ કબાટમાંથી એક દેશી તમંચો (કટ્ટો), ઈન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરી સ્પેશિયલ લખેલો જીવતો કારતૂસ મળી આવ્યો હતો. બીજા કબાટમાં તપાસ કરતા તેમાંથી લાકડાના હાથાવાળી એરગન (પિસ્ટલ) મળી આવી હતી. સમગ્ર રહેણાકની સઘન તલાશી લેવાતા પોલીસને ૩ ધારદાર છરીઓ, ૨ ધારિયા, એક કરવત, લોખંડના અલગ અલગ સાઈઝના ૯ નંગ પાઈપ, બે ધોકા વગેરે અન્ય હથિયારો મળી આવ્યાં હતા.

પ્રાથમિક પૂછપરછમાં અહેઝાઝે કબૂલ્યું કે દેશી તમંચો તેના પિતાએ આપ્યો હતો અને હાલ પિતા ક્યાં છે તેની તેને ખબર નથી.

બેઉ ભાઈના કબજામાંથી મળેલા હથિયારો જપ્ત કરીને બેઉ વિરુધ્ધ એલસીબીએ માંડવી પોલીસ મથકે આર્મ્સ એક્ટ અને હથિયારબંધીના જાહેરનામાના ભંગની કલમો તળે સરકાર તરફે બેઉ ભાઈ અને સ્થળ પર હાજર ના મળેલા તેમના પિતા રઝાકમિયાં સામે ફરિયાદ નોંધાવી બેઉની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે મુશર્રફ સામે અગાઉ ૨૦૧૮માં માંડવી મરીન પોલીસ મથકે અને ૨૦૨૪માં માંડવી પોલીસ મથકે મારામારી, હુમલા સહિતની કલમો તળે ગુના નોંધાયેલાં છે. ૨૦૨૪માં નોંધાયેલા ગુનામાં તેનો ભાઈ અહેઝાઝ પણ સહઆરોપી હતો.

આ સફળ કામગીરીમાં એલસીબીના પીએસઆઈ એમ.એચ. શિણોલ, એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, સૂરજ વેગડા, હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ, રાજેશ ગઢવી વગેરે જોડાયાં હતા.

Share it on
   

Recent News  
ગાંધીધામઃ વાહનોના ફિટનેસ ટેસ્ટ અને રી-પાસિંગ બદલ લાંચ લેતો કર્મચારી ઝડપાયો
 
બોગસ દસ્તાવેજોથી મુંદરાના લુણીમાં કરોડોની જમીન પચાવવાના ગુનામાં આગોતરા નામંજૂર
 
સુખી સંસારમાં પલીતો ચાંપનાર પત્નીના પ્રેમીના ત્રાસથી કોટડામાં યુવકે કર્યો આપઘાત