click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Mandvi -> Grandson of Haji Hasan Forges Land Deeds Pulls Off 70 Lakh Scam in Mandvi
Sunday, 24-May-2026 - Mandvi 56866 views
માંડવીના સલાયામાં પિતાની જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને પુત્રએ ૭૦ લાખની ઠગાઈ કરી
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ પિતાની માલિકીની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી, પોતે જમીન માલિક હોવાનું દર્શાવીને પુત્રએ તેના વેચાણના નામે ૭૦ લાખ રૂપિયા મેળવીને છેતરપિંડી કરી હોવાની માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મોટા સલાયામાં રહેતા અને ગાડીઓ તથા જમીન લે-વેચનો વ્યવસાય કરતા ૨૭ વર્ષિય સાહિલ મામદ સિંધીએ ઠગાઈ અંગે મોહમ્મદ અશર્રફ અલીમામદ જુણેજા વિરુધ્ધ ૭૦ લાખની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી છે.
સપ્ટેમ્બર ૨૦૨૩માં ૬ પ્લોટ વેચવાની ઑફર કરેલી

સાહિલે ફરિયાદમાં જણાવ્યું કે પોતે પાંચેક વર્ષથી અશર્રફને ઓળખતો હતો. સપ્ટેમ્બર ૨૦૨૩માં અશર્રફે મોટા સલાયામાં હાજી હસન હોસ્પિટલ રોડ પર ફારુકી મસ્જિદ પાસે માંડવી સીમ સર્વે નંબર ૧૯૨ની એનએ જમીનમાં પોતાની માલિકીના આવેલા દસ પ્લોટ પૈકી છ પ્લોટ વેચવા ઈચ્છતો હોવાનું જણાવેલું. તમામ પ્લોટ અઢીસો વારથી વધુ ક્ષેત્રફળના હોવાનું જણાવીને પ્રતિ વાર સાત હજાર લેખે પ્લોટ વેચવા ઈચ્છતો હોવાનું કહેલું.

લાલબૂક અને ફારગતી નોટના અસલ દસ્તાવેજો બતાડેલાં

ફરિયાદીએ પ્લોટ ખરીદવાની તૈયારી દર્શાવતાં આરોપીએ બે ત્રણ દિવસ બાદ પ્લોટની લાલ બૂક અને તેના પિતા અલીમામદ હાજી હસન જુણેજાએ ૨૯-૦૩-૨૦૦૭ના રોજ પુત્રના નામે લખી આપેલી ફારગતી નોટનો અસલ દસ્તાવેજ આપ્યો હતો. આ ફારગતી નોટ મહારાષ્ટ્રમાં નોટરાઈઝ્ડ કરાયેલી હતી. લાલ બૂકમાં માલિક તરીકે આરોપીનું નામ લખેલું હતું અને તેમાં માંડવીના તલાટી સહ મંત્રીના સહી સિક્કા પણ હતા. ફરિયાદીએ પોતાના પરિચિત વકીલને આ અસલ દસ્તાવેજ બતાડતાં તેણે દસ્તાવેજો બરાબર જણાતાં હોવાનો અભિપ્રાય આપેલો.

૧ કરોડમાં સોદો નક્કી થયો, ૭૦ લાખ દસ્તાવેજ પહેલાં 

તમામ ૬ પ્લોટની વેચાણ કિંમત ૧ કરોડ નક્કી કરાઈ હતી. ફરિયાદીએ ટોકન પેટે આરોપીને રોકડાં ૧ લાખ ચૂકવી આપેલાં. અશર્રફે ૧ કરોડમાંથી ૭૦ લાખ દસ્તાવેજ પહેલાં અને બાકીના ૩૦ લાખ દસ્તાવેજ થયાં બાદ આપવાની શરત મૂકેલી. એટલું જ નહીં, પોતાના પર ઘણું દેવું થઈ ગયું હોઈ ૭૦ લાખ રૂપિયા તેના બેન્ક ખાતામાં નહીં પરંતુ રોકડાં આપવા જણાવેલું.

માર્ચ ૨૦૨૫ સુધી ટુકડે ટુકડે ૪૦ લાખ ચૂકવી આપ્યા

ફરિયાદીએ ઓક્ટોબર ૨૦૨૩થી માર્ચ ૨૦૨૫ સુધી આરોપીને ટુકડે ટુકડે ૪૦ લાખ રૂપિયા ચૂકવી આપેલાં. મોટાભાગના રૂપિયા રોકડાં આપેલાં. ૪૦ લાખ રૂપિયા ચૂકવી આપ્યાં બાદ ફરિયાદીએ પ્લોટનો દસ્તાવેજ લખી આપવાનું જણાવેલું. ૨૧-૦૮-૨૦૨૪ના રોજ ફરિયાદી તેના પરિચિત વકીલ અલ્તાફ માંજોઠી (રહે. મુંદરા) તથા દસ્તાવેજમાં સાક્ષી તરીકે હાજર રહેવા મોટા ભાઈ અને કાકાને લઈ માંડવી સબ રજિસ્ટ્રાર કચેરીએ ગયેલો.

પ્લોટની નોંધ પડી ના હોઈ સબ રજિસ્ટ્રારે પરત મોકલ્યાં

સબ રજિસ્ટ્રારે પ્લોટની નોંધ પડેલી ના હોઈ નોંધ પડે પછી દસ્તાવેજ બનશે તેમ જણાવતાં આરોપીએ બે દિવસમાં નોંધ પડાવી દેવાનો વાયદો કરેલો. ૨૩ ઑગસ્ટના રોજ ફરી સૌ સબ રજિસ્ટ્રાર કચેરીએ ગયેલાં. આ સમયે અશર્રફે ફરિયાદીને કહેલું કે ‘મારે બધુ સેટિંગ થઈ ગયું છે. નોંધની જરૂર નહીં પડે. પ્લોટ બાબતે મારે એક સોગંદનામું રજૂ કરવાનું છે અને તે તૈયાર કરી નાખ્યું છે’ તેમ કહીને પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર બનાવેલું સોગંદનામું બતાડીને તેની એક નકલ ફરિયાદીને પણ આપી હતી.

જો કે, સબ રજિસ્ટ્રારે ફરી વખત સ્પષ્ટ જણાવેલું કે પ્લોટની નોંધ પડી ના હોઈ દસ્તાવેજ નહીં બને. જેથી સૌ પરત ફર્યાં હતા.

આરોપીએ ગોળ ગોળ વાતો કરેલી કે ‘જેની જોડે સેટિંગ થયેલું તે સાહેબ મુંદરાથી આવવાના હતા, તે નથી આવ્યા એટલે ના થયું. હવે સેટિંગ થાય એટલે તમને દસ્તાવેજ માટે બોલાવીશ’

સાટા કરાર લખી આપી વધુ ૩૦ લાખ મેળવ્યાં

ત્યારબાદ ફરિયાદીએ આરોપીને વારંવાર ફોન કરેલા પરંતુ દસ્તાવેજ બનાવવા મુદ્દે ગોળ ગોળ વાતો કરતો રહ્યો હતો. ૧૯-૧૧-૨૦૨૪ના રોજ આરોપીએ ફરિયાદીને મુંદરા ખાતે વકીલ અલ્તાફ માંજોઠીની ઑફિસે બોલાવેલો. બધાની હાજરીમાં એક નોટરાઈઝ્ડ સાટા કરાર લખી આપેલો જેમાં પ્લોટના વેચાણ માટે પોતે ૪૦ લાખ રૂપિયા મેળવ્યાં હોવાનું લખી આપેલું. ત્યારબાદ ફરિયાદીએ ત્રીસ લાખ રૂપિયા આપીને નક્કી થયા મુજબ ૭૦ લાખ ચૂક્તે કરી આપેલાં. પરંતુ, આરોપીએ આજ દિન સુધી ફરિયાદીની તરફેણમાં વેચાણ દસ્તાવેજ લખી આપ્યો નથી.

આરોપી નહીં પિતા પ્લોટના માલિક હોવાનો ઘટસ્ફોટ

ફરિયાદીએ પોતાની રીતે પ્લોટની માલિકી અંગે તપાસ કરતાં બહાર આવ્યું કે અશર્રફે જે છ પ્લોટ વેચવાના નામે ૭૦ લાખ રૂપિયા મેળવ્યાં છે તે તમામ પ્લોટ તેની માલિકીના છે જ નહીં. આ પ્લોટ તેના પિતાની માલિકીના છે. પોતે જમીન માલિક ના હોવા છતાં અશર્રફે બોગસ ફારગતી નોટ અને લાલ બૂક બનાવી, પોતાને માલિક દર્શાવી તથા ખોટું સોગંદનામું બનાવી આપીને ૭૦ લાખ મેળવી પોતાની સાથે ઠગાઈ કરી હોવાનું સાહિલે ફરિયાદમાં જણાવ્યું છે. માંડવી પોલીસે વિવિધ ધારાઓ તળે ગુનો રજિસ્ટર કરીને તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?