કચ્છખબરડૉટકોમ, ભુજઃ જેલમાં કેદ કેદીઓને યેનકેન પ્રકારે મોબાઈલ ફોન, પાન મસાલા, બીડી, તમાકુ પહોંચાડાતાં હોય છે. હાઈ પ્રોફાઈલ પૈસાદાર કેદીઓ જેલ તંત્રના ભ્રષ્ટ સ્ટાફની મદદથી અંદર બેઠાં બેઠાં જ તમામ પ્રકારની સુખ સગવડો ભોગવતાં હોવાના બનાવો ભૂતકાળમાં કચ્છ સહિત રાજ્યની વિવિધ જેલોમાં બહાર આવેલાં છે. ઘણાં કેદીઓ કૉર્ટની મુદ્દતે આવે ત્યારે સગાં-વહાલાં કે સાગરીતોની મદદથી જાપ્તાના પોલીસ કર્મચારીઓની નજર ચૂકવીને ખિસ્સામાં પ્રતિબંધિત ચીજવસ્તુ સેરવી લેતાં હોય છે. માંડવીમાં આવા જ એક ચોંકાવનારા ઘટનાક્રમમાં પાલારા જેલથી કૉર્ટ મુદ્દતે લવાયેલાં એક કેદીને કૉર્ટ રૂમમાં જ ગાંજાની પડીકીની ડિલિવરી થઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે.
કોન્સ્ટેબલની ચકોર નજરે ગઝનીની હરકત ચઢી ગઈ
માંડવીમાં નાની-મોટી ચોરીઓ, ચીલઝડપ અને છરીની અણીએ લૂંટ સહિતના ૨૫ જેટલાં ગુનાઓ આચરીને લાંબા સમયથી પાલારા જેલની હવા ખાઈ રહેલા રીઢા હિસ્ટ્રીશીટર અસગરઅલી ઓસમાણગની મિંયાણા ઊર્ફે ‘ગઝની’ને જ્યુ. મેજિસ્ટ્રેટ કૉર્ટમાં મુદ્દત હોઈ પોલીસ જાપ્તા તળે અન્ય ત્રણ કેદીઓ સાથે સોમવારે પાલારા જેલથી માંડવી કૉર્ટ લવાયો હતો.
સવારે ૧૧ના અરસામાં કૉર્ટ રૂમમાં પોલીસ જવાનો સાથે ગઝની બેઠો હતો ત્યારે અચાનક કંઈક ચીજ પેન્ટના પાછલાં ખિસ્સામાં છૂપાવવા પ્રયાસ કરતાં જાપ્તામાં રહેલાં પધ્ધરના પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશ રબારીની નજરે ચઢી ગયો હતો. મહેશ રબારીએ તુરંત તેના હાથ પકડી લેતાં તેણે હાથમાં રહેલું પ્લાસ્ટિકનું ઝીપ લૉકવાળું પારદર્શક પાઉચ નીચે ફેંકી દીધું હતું. પડીકીમાં ૨૫ ગ્રામ ગાંજો ભરેલો હતો.
માંડવીના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. શિમ્પીએ જણાવ્યું કે કૉર્ટ રૂમમાં કોઈ અજાણ્યો માણસ ગઝનીને ગાંજાની પડીકી આપી ગયેલો. પોલીસે ગઝની તથા તેને ગાંજો આપનાર અજ્ઞાત શખ્સ વિરુધ્ધ નાર્કોટીક્સની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શિમ્પીએ જણાવ્યું કે બનાવ સમયે કૉર્ટ રૂમમાં અનેક લોકો હાજર હતાં.
ઉલ્લેખનીય છે કે ૧૬ ફેબ્રઆરીએ ભુજ કૉર્ટમાં કેસની મુદ્દતે લવાયેલા મુંદરા કસ્ટોડિયલ ડેથકેસના આરોપી પૂર્વ પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ અજીતસિંહ ઝાલાને સાંજે જેલ પર પરત લઈ જવાયો ત્યારે નશામાં ચકચૂર જોવા મળતાં તેની વિરુધ્ધ જેલ પ્રશાસને કડક કાર્યવાહી કરી હતી.
Share it on
|