કચ્છખબરડૉટકોમ, માંડવીઃ ભાઈ બીજના સપરમા પર્વે માંડવીનો મહેરામણ પિતા પુત્રના મોતનું નિમિત્ત બન્યો છે. તહેવારો ટાણે બીચ પર નહાવા ફરવા માટે આવેલા અંજારના પિતા પુત્રના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં છે. માંડવી પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ મરણ જનાર કિશન ગાંગજીભાઈ મહેશ્વરી (ઉ.વ. ૩૭, રહે. વિજયનગર, અંજાર) તેમના ૧૩ વર્ષના પુત્ર ડેનિસ અને અન્ય ત્રણ પરિવારજનો સાથે માંડવી બીચ પર ફરવા આવ્યાં હતાં. બપોરે પોણા ચારના અરસામાં સૌ વિન્ડફાર્મ નજીક સ્વામિનારાયણ હોલી બીચ સામે સમુદ્રમાં નહાતાં હતાં તે સમયે એકાએક ડેનિસ ડૂબવા માંડ્યો હતો. પુત્રને ડૂબતો જોઈને પિતા કિશનભાઈ તેને બચાવવા ગયાં હતાં. વિધાતાને જીવન નહીં મૃત્યુ જોઈતું હતું. પુત્રની સાથે કિશનનું પણ ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. મૃતક કિશનભાઈ અંજારમાં ઑટો રીક્ષા હંકારીને પરિવારનું પેટિયું રળતાં હતાં. મોટાં દિવસોમાં સર્જાયેલી આ દુર્ઘટનાથી સર્વત્ર ઘેરો શોક છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે માંડવી બીચ પર અવારનવાર આવી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. ત્યારે, નગરપાલિકા, પોલીસ અને વહીવટી તંત્ર સૌ સાથે મળીને આ દુર્ઘટનાઓ ટાળવા ઉચિત પગલાં ભરે તે આવશ્યક છે.
Share it on
|