કચ્છખબરડૉટકોમ, ભુજઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી લોકો ગઠિયાઓની જાળમાં કેવી રીતે ફસાઈ જાય છે તેનો વધુ એક બનાવ બહાર આવ્યો છે. લખપતના પાનધ્રોના રઘુભા સોઢા પોતાને ગુજરાત હાઈકૉર્ટનો એડવોકેટ ગણાવતાં એક કથિત વકીલ રોહિતકુમાર જેઠાભાઈ પરમાર (રહે. ઈડર, સાબરકાંઠા)ના વોટસએપમાં ગૃપમાં જોઈન થયેલાં. આ શખ્સથી પ્રભાવિત થઈને ફરિયાદીએ અકસ્માતમાં પુત્રના મૃત્યુ સંદર્ભે કંપની પર કેસ કરવા સબબ તેનો સંપર્ક કરેલો. આરોપીએ પોતાની ફી દોઢ લાખ રૂપિયા થશે તેમ જણાવતાં ફરિયાદીએ માર્ચ માસમાં ફોન પેથી એક લાખ રૂપિયા અને બાકીના પચાસ હજાર રૂપિયા રૂબરૂ મળીને આપ્યાં હતાં.
નારાયણ સરોવરના પીએસઆઈ એમ.એચ. પટેલે જણાવ્યું કે ફી મળ્યાં બાદ આરોપીએ દયાપર કૉર્ટમાં કેસ દાખલ કરાવેલો પરંતુ પાછળથી તારીખો પડતાં ઉપસ્થિત રહ્યો નહોતો.
એટલું જ નહીં, આરોપીએ એક વખત વાયા વાયા પરોક્ષ સંપર્ક કરીને ભુજના કોઈ વકીલને કેસ લડવા દયાપર મોકલેલો. પરંતુ, ભુજના વકીલે કેસ લડવા પોતાની અલગથી ફી થશે તેમ જણાવેલું. જેથી નાણાં મેળવીને પોતાનો કેસ ના લડીને આરોપીએ ઠગાઈ કરી હોવાની કલમો તળે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદીએ દાવો કર્યો કે બાર કાઉન્સિલમાં આરટીઆઈ કરતાં પ્રાથમિક રીતે હાઈકૉર્ટમાં આવો કોઈ વકીલ કામ કરતો ના હોવાનો જવાબ મળ્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ અને તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આરોપી ખરેખર વકીલ છે કે કેમ?
આ શખ્સે ફેસબૂક પર સીબીઆઈ ઈન્સપેક્ટર, અમદાવાદ તરીકે ઓળખ આપતું એકાઉન્ટ બનાવી તેમાં તેના ફોટો પોસ્ટ કરેલાં છે.
એ જ રીતે, તેના એડવોકેટ તરીકેના વિઝીટીંગ કાર્ડમાં રૂહિ ફિલ્મસ નામની કોઈ કંપનીનું પણ નામ લખેલું છે. આ શખ્સ અલગ અલગ રીતે ખોટી ઓળખ ધારણ કરીને ઠગાઈના પ્રપંચ પેંતરા રચતો હોવાની પોલીસને આશંકા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીને રાઉન્ડ અપ કરી લેવાયો છે.
Share it on
|