કચ્છખબરડૉટકોમ, દયાપરઃ લખપતના દયાપર નજીક પૂરઝડપે જતો ટ્રેલરચાલક, બાઈકસવાર માતા પુત્રને ટક્કર મારી બેઉના મોત નીપજાવી વાહન સમેત નાસી ગયો હોવાનો બનાવ બહાર આવ્યો છે. હતભાગી માતા પુત્ર નખત્રાણાના પાનેલી ગામે આયોજીત સમાજના સમૂહ લગ્નમાં ભાગ લઈ પરત ઘરે જતાં હતાં. આજે બપોરે સવા એક વાગ્યાના અરસામાં દયાપરથી માતાના મઢ જતાં રોડ પર કમલેશ્વર મહાદેવ મંદિરના વળાંક પર દુર્ઘટના ઘટી હતી. મરણ જનાર ૨૧ વર્ષિય દેવજી ઊર્ફે અજીત અરવિંદભાઈ સોધમ તેની ૪૨ વર્ષિય માતા જ્યોતિબેન તથા બહેન નીતાને બાઈક પર બેસાડી પોતાના ઘેર ત્રંબો (અબડાસા) પરત જતો હતો.
વળાંક પર પૂરઝડપે જતાં ટ્રેલરે ટક્કર મારતાં બાઈક સમેત ત્રણે નીચે પટકાયાં હતાં. બાઈકના ટાયર નીચે માતા પુત્રના માથાં ચગદાઈ જતાં બેઉના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં હતાં. બહેન નીતાનો આબાદ બચાવ થયો હતો.
ત્રણે જણ પાનેલી ખાતે આયોજીત સમૂહ લગ્નમાં ભાગ લઈ પરત ઘરે જતાં હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. બનાવ અંગે મૃતકના કૌટુંબિક ભાઈ દેવ સોધમે દયાપર પોલીસ મથકે GJ-39 T-9912 નંબરના ટ્રેલરચાલક સામે વળાંક હોવા છતાં ટ્રેલર ધીમું ના પાડી, બેદકારીપૂર્વક પૂરઝડપે હંકારીને બે જણને અડફેટે લઈ મોત નીપજાવી વાહન સમેત નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે.
Share it on
|