કચ્છખબરડૉટકોમ, દયાપરઃ લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં આવેલા સાંનિધ્ય મેટરનિટી હોમમાં રહેલું અલ્ટ્રા સોનોગ્રાફી મશિન તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સીલ કરવામાં આવ્યું છે. PC PNDT Actના નિયમોનો ભંગ કરવા બદલ જિલ્લા આરોગ્ય અધિકારી અને સંબંધિત ઑથોરીટીના માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરાઈ છે.
લખપતના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કુલભૂષણ પટેલે જણાવ્યું કે ગર્ભસ્થ શિશુના વિકાસ અને સ્વાસ્થ્યની નિગરાની માટે સોનોગ્રાફી કરાતી હોય છે.
નિયમ મુજબ આવી સોનોગ્રાફી કેવળ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ (એમડી) જ કરી શકે છે.
પરંતુ, આ હોસ્પિટલમાં જ્યારે જ્યારે તપાસ કરી ત્યારે ત્યારે એમબીબીએસ તબીબ ડૉ. કુણાલ પટેલ જ હાજર જોવા મળતાં હતા. એમબીબીએસ ડૉક્ટર સોનોગ્રાફી કરી શકે નહીં. તેમને વારંવાર સૂચના આપી છતાં તેઓ તેનો સરેઆમ ભંગ કરી રહ્યાં હતા. જેથી, આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ભુજના ગાયનેકના નામે સેન્ટરની મંજૂરી લેવાયેલી
ભારતમાં ગર્ભમાં જ બાળકીઓની થતી હત્યાને રોકવા માટે ૧૯૯૪માં ખાસ PC PNDT Act (Pre Conception and Pre natal Diagnostic Techniques Act) અમલી બનાવાયો હતો. આ કાયદા હેઠળ દરેક જિલ્લામાં ખાસ PC PNDT સમિતિ બનાવાયેલી છે જેમાં નિષ્ણાત તબીબો અને સરકારી તબીબોનો સમાવેશ થાય છે. ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ અટકાવવા માટે વિવિધ કડક નિયમો બનાવાયેલાં છે. કોઈ જગ્યાએ ગાયનેકોલોજીસ્ટ નવી હોસ્પિટલ ખોલે અને સોનોગ્રાફી કરવા ઈચ્છતો હોય તો આ સમિતિની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે.
દયાપરના આ નર્સિંગ હોમમાં સોનોગ્રાફી માટે ભુજમાં નર્સિંગ હોમ ધરાવતા ડૉ. નિકુંજ પોકાર નામના ગાયનેકોલોજીસ્ટના નામે મંજૂરી લેવાઈ હતી.
જો કે, જ્યારે જ્યારે આરોગ્ય તંત્રની ટીમ તપાસ કરતી ત્યારે નિકુંજ પોકાર હાજર જોવા મળતા નહોતા. હોસ્પિટલમાં હાજર ડૉ. કુણાલ પટેલ નિકુંજ પોકાર કન્સલ્ટન્ટ હોવાનો જવાબ આપી દઈ તેમના વગર કોઈ સોનોગ્રાફી કરતું નથી તેવો જવાબ આપતો હતો. પરંતુ, હકીકતમાં કુણાલ પટેલ સોનોગ્રાફી કરતો હતો તેવી આરોગ્ય વિભાગને દ્રઢ આશંકા હતી.
આ નિયમોના ભંગ બદલ મશિન સીલ કરાયું
આરોગ્ય તંત્રએ PC PNDT Actના નિયમ ૯ (૧), ૧૩ અને ૧૭ (૨)નો ભંગ કર્યો હોવાના આરોપ તળે સોનોગ્રાફી મશિન સીલ કર્યું છે. આ નિયમ મુજબ હોસ્પિટલે પ્રત્યેક દર્દી અને તેના સગાંનું પૂરું નામ સરનામું, પહેલીવાર ક્યારે હોસ્પિટલમાં આવ્યાં, ક્યારે ક્યારે સોનોગ્રાફી થઈ તે સહિતની વિગતો સાથેનું છેલ્લાં બે વર્ષનું રેકર્ડ નીભાવવું ફરજિયાત છે. કાયદા મુજબ આ નિયમનો ભંગ સૌથી ગંભીર ગુનો ગણાય છે.
PC PNDT કમિટી શોભાના ગાંઠિયા સમાન
કચ્છમાં PC PNDT કમિટીની સમયાંતરે બેઠકો યોજાય છે પરંતુ આ બેઠકો કેવળ નાસ્તો કરવા અને ફોટા પડાવવા પૂરતી હોય તેમ ફીફાં ખાંડીને બધાં છૂટી પડી જાય છે. ભાગ્યે જ આવી નક્કર કાર્યવાહી થાય છે. ભૂતકાળમાં તો ખાવડા પંથકની સ્ત્રીઓ અને સગીરાઓના ગેરકાયદે ગર્ભપાત કરતો, દર્દીને ક્રિટીકલ કંડિશનમાં મૂક્યા પછી જી.કે. જનરલમાં રીફર કરી દેવાના આરોપોમાં બદનામ એક ગાયનેકોલોજીસ્ટ પણ સમિતિના મેમ્બર તરીકે સેવા આપતો હતો!
સિંઘમ્ THOની કડક કામગીરીથી ફફડાટ
અમદાવાદના વતની એવા ડૉ. કુલભૂષણ પટેલ જાણે આરોગ્ય વિભાગના સિંઘમ સાબિત થઈ રહ્યાં છે. છેવાડાના તાલુકામાં આરોગ્ય વિભાગમાં ચાલતી લોલમલોલ અને માલ/ કટ પ્રેક્ટિસ બંધ કરાવી દીધી છે. માર્ચ માસમાં તેમણે દયાપરમાં ગાયનેક નર્સિંગ હોમ ખોલીને સ્ત્રીઓની પ્રસૂતિ કરાવતી બિહારની બૉગસ મહિલા તબીબની ત્રણ વર્ષથી ચાલતી હાટડી બંધ કરાવી દીધી હતી.
Share it on
|