|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છ અને પશ્ચિમ ભારતના છેવાડે આવેલા ઐતિહાસિક લખપતની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને ફિલ્મ નિર્માતાઓ પાસે ફોટોગ્રાફી તથા શૂટિંગ વીડિયોગ્રાફી કરવા બદલ ગેરકાયદે રીતે રૂપિયાના ઉઘરાણાં થતાં હોવાની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. ગામના વિકાસ માટે ફંડના બહાને ગ્રામ પંચાયતનો સરપંચ, ઉપ સરપંચ, કહેવાતા ટુરિસ્ટ ગાઈડ સહિત ચાર જણે ગેરકાયદે ઉઘરાણાં કરીને ધાક ધમકી કરી માર માર્યો હોવાની દયાપરમાં ફિલ્મ નિર્માતાએ ફોજદારી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ધનરાજ સાવંત મુંબઈમાં જીબુમ (Jiboom Studios Mumbai) સ્ટુડિઓમાં પ્રોડ્યુસર તરીકે કામ કરે છે. સ્ટુડિઓના માલિક અને ફિલ્મ નિર્માતા કંચનબેન કાલરા છે. કંચન કાલરા કલ્કિ, તુમ્બાડ, શિવા વગેરે જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહી ચૂકેલાં છે. એક ફિલ્મ માટે તેમણે લોકેશન તરીકે ઐતિહાસિક લખપત ગામમાં શૂટિંગ કરવાનું નક્કી કરેલું.
આ માટે તેમણે ૨૦-૧૧-૨૦૨૫થી ૦૩-૧૨-૨૦૨૫ દરમિયાન શૂટિંગ કરવા માટે જિલ્લા કલેક્ટરની લેખીત મંજૂરી લીધેલી. ૨૦મીના રોજ ગામમાં ફિલ્મનો સેટ ઊભો કરીને શૂટિંગ માટે તૈયારી શરૂ કરેલી.
ગામમાં ફિલ્મના શૂટિંગ માટે મુંબઈથી નિર્માતાઓ આવ્યા હોવાનું જાણીને ગામનો સરપંચ સાલેમામદ અને કહેવાતો આગેવાન લિયાકત અલી નોતિયાર તેમને મળવા પહોંચી ગયેલાં. ધનરાજે તેમને કલેક્ટરની પરવાનગી લઈને શૂટિંગ કરવા આવ્યાં હોવાનું જણાવતાં બેઉ જણે તેને કહેલું કે ‘કલેક્ટરનો હુકમ ભલે લઈ આવ્યા હો પરંતુ શૂટિંગ કરવું હોય તો તમારે અમારી પંચાયતનું પણ કંઈક સમજવું પડશે’
ફરિયાદીએ તેમને ૪૫ હજાર રૂપિયા આપવાની તૈયારી દર્શાવેલી
પંચાયતની કમિટીના સભ્યોને પૂછીને કહીશું તેમ કહી બેઉ જતાં રહેલાં. રાત્રે તેમણે ફોન કરીને ઉપ સરપંચ હિતેશ ઊર્ફે બાદલ ઠક્કરના ઘેર મિટીંગ માટે મળવા બોલાવતા ફરિયાદી ધનરાજ અને કંચન કાલરા ત્યાં મળવા ગયેલાં. હિતેશે ગામના વિકાસ માટે તમારે કંઈક કરવું પડશે કહીને રૂપિયાનું ઉઘરાણું કરેલું.
રૂપિયા નહીં આપો તો સેટ તોડી નાખશું
બેઉ જણે પંચાયતને ૪૫ હજાર રૂપિયા આપવાની ઑફર દોહરાવતાં હિતેશ ઉશ્કેરાઈ ગયેલો અને ‘તેમાં અમારા ગામનો કાંઈ વિકાસ નહીં થાય’ કહીને ‘તમારો સામાન-સેટ ભરીને ગામમાંથી જતા રહેજો, શૂટિંગ નહીં કરવા દઈએ’ ધમકી આપેલી. સાલેમામદ અને લિયાકતે પણ અમારી મંજૂરી વગર શૂટિંગ કર્યું તો સેટ તોડી નાખશું અને જોવા જેવી થશે તેવી ધમકી આપેલી. લિયાકતે કંચન કાલરા જોડે ગમે તેવી ભાષામાં બોલાચાલી કરેલી.
ત્રણ દિવસ સુધી કરાઈ ધાક-ધમકી, તમાચો માર્યો
ફિલ્મ નિર્માતાઓએ ધમકીને અવગણીને શૂટિંગ શરૂ કરતાં બીજા દિવસે અબ્દ્રેમાન નામના શખ્સે શૂટિંગ સ્પોટ પર આવીને ધાક-ધમકી કરેલી. ગઈકાલે ત્રીજા દિવસે લિયાકત સાથે સરપંચ અને ઉપ સરપંચે સ્થળ પર આવીને તેમની જોડે ગાળાગાળી કરીને બિસ્તરાં પોટલાં સમેટીને ચાલ્યા જવા ધમકી આપેલી. લિયાકતે ધનરાજને લાફો મારી દીધો હતો. સતત ત્રણ દિવસથી ગેરકાયદે થતા ઉઘરાણાંથી કંટાળીને આખરે ફિલ્મ નિર્માતાએ દયાપર પોલીસ મથકે ચારે સામે ફરિયાદ નોંધાવી છે.
તાજેતરમાં એક ફોરેન ટુરિસ્ટ પાસે પણ રૂપિયા માગેલા
આરોપી લિયાકત નોતિયાર ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરે છે. દયાપરના પીઆઈ સંદિપસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ત્રણ ચાર દિવસ અગાઉ આ લોકોએ એક વિદેશી ટુરિસ્ટ પાસે પણ ગેરકાયદે રૂપિયાના ઉઘરાણાં કરતાં હોવાની રજૂઆત અમારી પાસે આવેલી. કચ્છમાં લાખો પ્રવાસીઓ આવે છે ત્યારે આવા ગેરકાયદે ઉઘરાણાં કરી ખાતાં લોકો સામે કડક પગલાં લેવાય તે જરૂરી છે.
Share it on
|