|
કચ્છખબરડૉટકોમ, દયાપરઃ લખપત તાલુકાના અંતરિયાળ બરંદા ગામે રહેતા ૨૬ વર્ષિય સિધિક ઊર્ફે ઈરફાન અલીમામદ પડિયારના અપમૃત્યુ અંગે નિષ્પક્ષ તપાસ કરવાની રજૂઆત બાદ પોલીસે આજે ગહન તપાસ માટે સિધિકના મૃતદેહને કબરમાંથી બહાર કઢાવ્યો છે. નખત્રાણા નાયબ પોલીસ અધીક્ષક બી.બી. ભગોરા, નારાયણ સરોવરના પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી. કુણીયા, અબડાસાના ઈન્ચાર્જ પ્રાંત અધિકારી, મામલતદાર વગેરેની હાજરીમાં સિધિકના મૃતદેહને બહાર કઢાઈ ફોરેન્સિક તપાસ માટે જામનગર મોકલી અપાયો છે. મૃતદેહને બહાર કાઢતાં અગાઉ સિધિકના ભાઈ ઈકબાલે નારાયણ સરોવર પોલીસ મથકે ભાઈના અપમૃત્યુ અંગે આપેલી જાણકારીના પગલે પોલીસે એક્સિડેન્ટલ ડેથ (આકસ્મિક મૃત્યુ)ની નોંધ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે બપોરે બે વાગ્યે સિધિક ઘરેથી નીકળ્યાં બાદ મોડી સાંજ સુધી પરત ફર્યો નહોતો.
પરિવારજનોએ સીમાડે તપાસ કરતાં રાત્રે ૧૦ વાગ્યે એક ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લટકતો તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ સિધિકે આત્મહત્યા કરી હોવાનું માનીને વહેલી સવારે પાંચ વાગ્યે તેની દફનવિધિ કરી દીધી હતી. સિધિકના મૃત્યુ અંગે સ્થાનિક પોલીસને કશી જાણ નહોતી કરાઈ.
સિધિકના થોડાંક માસ અગાઉ નિકટના સંબંધીની દીકરી જોડે નિકાહ થયાં હતા. સિધિકના મૃત્યુ અંગે સંદેહ દર્શાવતી અરજી કરીને ગામના જાગૃત નાગરિકે નિષ્પક્ષ તપાસ કરવા રજૂઆત કર્યાં બાદ બીજા દિવસે સાંજે પોલીસ એક્શનમાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક સિધિક માનસિક રોગથી પીડાતો હોવાનું અને તેની સારવાર ચાલતી હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે.
તેની સારવારના રિપોર્ટસ પણ પોલીસે તપાસ કામે મેળવ્યાં છે. સિધિકના સસરા આદમ હુસેન પડિયાર અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના હોદ્દેદાર છે. આ બનાવ મુસ્લિમ સમાજમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
Share it on
|