click here to go to advertiser's link
Visitors :  
24-Feb-2026, Tuesday
Home -> Kutch -> Youth Jailed for 20 Years for Kidnapping and Raping Dalit Minor
Monday, 23-Feb-2026 - Bhuj 1651 views
અનુસૂચિત જાતિની કિશોરીના અપહરણ દુષ્કર્મ કેસમાં યુવકને ૨૦ વર્ષની સખ્ત કેદ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૫.૧૧ વર્ષની અનુસૂચિત જાતિની કિશોરીને લગ્નની લાલચ આપી, બાઈક પર બેસાડી અપહરણ કરી લઈ જઈને શારીરિક સંબંધ બાંધવા બદલ ભુજની પોક્સો કૉર્ટે ૨૨ વર્ષિય યુવકને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. બનાવ અંગે ૧૨-૦૭-૨૦૨૩ના રોજ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અબડાસાના મોથાળા ગામના કરસન ખમીશા કોલી નામના યુવક વિરુધ્ધ પોક્સો, એટ્રોસિટી અને બીએનએસની વિવિધ કલમો તળે ગુનો દાખલ થયો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મધરાત્રે કિશોરીને બાઈક પર બેસાડીને કરસન નખત્રાણાના મોસુણા ગામની વાડીએ રહેતા તેના બહેન બનેવીના ઘેર લઈ ગયો હતો. જ્યાં તેણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ગુનામાં મદદગારી બદલ કરસનની બનેવી લધારામ ઈસ્માઈલ કોલી અને બહેન મંજુલાને પણ સહઆરોપી દર્શાવાયાં હતા.  

ગુનાની તપાસ કરીને પશ્ચિમ કચ્છ SC ST Cellના નાયબ પોલીસ અધીક્ષક એમ.જે. ક્રિશ્ચિયને ભુજની વિશેષ પોક્સો કૉર્ટમાં ૨૧ દસ્તાવેજી આધાર પુરાવા અને ૧૮ સાક્ષીઓ સાથે આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરી હતી.

આજે ભુજની વિશેષ પોક્સો કૉર્ટના સ્પેશિયલ જજ જે.એ. ઠક્કરે કરસનને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૭૬ (૩) હેઠળ ૨૦ વર્ષનો સખ્ત કારાવાસ અને ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત કૉર્ટે કલમ ૩૬૩ હેઠળ ૩ વર્ષની કેદ અને ૩ હજાર દંડ તથા કલમ ૩૬૬ હેઠળ પાંચ વર્ષની કેદ સાથે પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.

પોક્સો અને એટ્રોસિટી એક્ટની કલમો તળે આરોપીને કૉર્ટે દોષી ઠેરવ્યો હતો પરંતુ અલગથી કોઈ સજા કરી નથી. કરસનના બહેન બનેવીને પુરાવાના અભાવે કૉર્ટે નિર્દોષ મુક્ત કર્યાં છે.

ગુનાનો ભોગ બનનાર બાળાને દંડની રકમના ૩૩ હજાર રૂપિયા ઉપરાંત ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવા DLSAને ભલામણ કરી છે. કેસમાં જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજા અને મૂળ ફરિયાદીના વકીલ બાબુલાલ ગોરડીયાએ દલીલો કરી હતી.

Share it on
   

Recent News  
ભચાઉઃ વોંધમાંથી SMCએ નકલી નંબર અને CCTVથી સજ્જ ટ્રકમાંથી ૧ કરોડનો શરાબ ઝડપ્યો
 
ગાંધીધામની મહાદેવ હોટેલમાં પ્રેમીએ ગળું દબાવી પ્રેમિકાની હત્યા કરી નાખી
 
દળી દળીને ઢાંકણીમાં! પશ્ચિમ કચ્છ LCBમાં વિવાદાસ્પદ PSI જેઠીની એન્ટ્રી!!