click here to go to advertiser's link
Visitors :  
14-Apr-2026, Tuesday
Home -> Kutch -> Bhuj Sessions Court rejects anticipatory bail of Key accused in murder attempt case
Monday, 13-Apr-2026 - Bhuj 1127 views
હત્યાના પ્રયાસના ગુનામાં અઢી માસથી ફરાર નુંધાતડના મુખ્ય આરોપીને આગોતરાનો ઈન્કાર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના મિંયાણી ગામે બેન્ટોનાઈટની પારકી લીઝમાં માટીનો પાળો બનાવવા પ્રયાસ કરી, સાગરીતોના ટોળાં સાથે બે સગાં ભાઈ પર જીવલેણ હુમલો કરવાના ગુનાના અઢી માસથી નાસતાં ફરતાં બે આરોપીને ભુજ સેશન્સ કૉર્ટે ઝટકો આપ્યો છે. ગુનાના મુખ્ય આરોપી હનીફ જાકબ બાવા પડયાર અને તેને મદદગારી કરનાર ભુટો ઓસમાણ ગની પડયારે પોલીસ ધરપકડ સામે રક્ષણ આપવા કરેલી આગોતરા જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે રીજેક્ટ કરી દીધી છે.

૨૫ જાન્યુઆરીના રોજ હનીફ અને તેના ભત્રીજા હાફિઝ સહિતના ૨૧ લોકોએ કાવતરું ઘડીને, ગેરકાયદે મંડળી રચી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી, માટીના પાળાના લીધે પોતાનો રસ્તો અવરોધાતો હોવાના મુદ્દે વિરોધ કરનાર સગાં ભાઈઓ પર ઘાતક હુમલો કર્યો હતો.

આ મામલે અલ્તાફ મામદ હુસેન હિંગોરાએ હત્યાના પ્રયાસ, લૂંટ, ગુનાહિત કાવતરું રચીને હુમલો કરવા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. સામા પક્ષે પણ અલ્તાફ સહિત દસ લોકો વિરુધ્ધ હિટાચીમાં તોડફોડ કરી ઘાતક હુમલો કરવા સહિતની વળતી ફરિયાદ નોંધાવી હતી.

અલ્તાફની ફરિયાદના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચે અગાઉ હનીફના ભત્રીજા હાફિઝ કાસમ પડયાર સહિત આઠ આરોપીની ૩૦ જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી. પરંતુ હનીફ અને ભુટો આજ દિન સુધી નાસતાં રહ્યાં છે. આ ગુનામાં આરોપીઓ સામેની તપાસ પૂરી કરીને પોલીસે કૉર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યાં બાદ હમીદ હિંગોરા સિવાયના અન્ય સાત આરોપીએ ભુજ સેશન્સ કૉર્ટમાં નિયમિત જામીન મેળવવા જુદી જુદી બે અરજીઓ દાખલ કરી હતી.

જાણો બંને પક્ષે મુખ્ય શું દલીલો કરાયેલી

બચાવ પક્ષે રજૂઆત કરેલી કે અગાઉ ઝડપાયેલાં આરોપીઓ સામે પોલીસની તપાસ પૂરી થઈ ગઈ છે અને ચાર્જશીટ કરી દેવાઈ છે ત્યારે હવે આ ગુનામાં હનીફ અને ભુટાની હાજરી તપાસ માટે જરૂરી નથી રહી. જો કે, પ્રોસિક્યુશન તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ રજૂઆત કરેલી કે ગુનામાં હનીફની સક્રિય સંડોવણી રહેલી છે અને તે મુખ્ય આરોપી છે. બનાવ સ્થળે તેની હાજરી હતી. તપાસ માટે તેનું કસ્ટોડિયલ ઈન્ટરોગેશન જરૂરી છે.

ગુનો નોંધાયા બાદ હનીફે ફરિયાદીને સમાધાન કરી લેવા માટે ધાક ધમકી આપેલી જે અંગે અલગથી ફરિયાદ નોંધાવાયેલી છે.

એ જ રીતે, ગુનામાં ભુટાએ મુખ્ય આરોપીની મદદગારી કરેલી છે. તેથી જો તેમને જામીન પર છોડાય તો તેઓ પુરાવા સાથે ચેડાં કરી શકે છે અને તપાસમાં સહકાર નહીં આપે. છઠ્ઠા અધિક સેશન્સ જજ વિરાટ એ. બુધ્ધે ગુનામાં હનીફની સક્રિય સંડોવણી, ગુનાની ગંભીરતા, ગુનાહિત વર્તણૂક અને ગુનાહિત ભૂતકાળ, આરોપીઓ સામેની શિક્ષાત્મક જોગવાઈઓ તથા સમાજ પર પડનારી દૂરોગામી અસરોને અનુલક્ષીને બેઉની અરજી ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ પકડાયેલાં સાત આરોપીઓએ ચાર્જશીટ બાદ કરેલી રેગ્યુલર બેઈલ એપ્લિકેશન પણ ભુજ કૉર્ટ નામંજૂર કરી ચૂકેલી છે.
Share it on
   

Recent News  
મુંદરાના પત્રીની લેડી ડોન સહિત ૩ જણે મર્ડરના ફરિયાદીને મારી કારમાં અપહરણ કર્યું
 
મુંદરામાં નિર્માણાધીન વોટર ડીસેલિનેશન પ્લાન્ટનો ૧૮ લાખનો સામાન ચોરનાર ગેંગ પકડાઈ
 
રાપરના પ્રાગપર પાસે કાર બાઈક વચ્ચે ટક્કરમાં ગંભીર ઈજાથી સ્થળ પર દંપતીનું મોત