|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સરહદી લખપત અબડાસાના અંતરિયાળ વિસ્તારોમાં બિન્ધાસ્ત અને બેફામ રીતે ખનિજ ચોરી થઈ રહી હોવાની વખતોવખત વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આ ફરિયાદો વચ્ચે અબડાસાના મિંયાણી ગામે ખનિજની લીઝમાં માટીનો પાળો બનાવવા મુદ્દે બે જૂથ વચ્ચે પાઈપ અને ધોકાથી હિંસક અથડામણ થયાનો બનાવ બહાર આવ્યો છે. અથડામણમાં બંને પક્ષે બબ્બે જણ મળી ચાર જણાં ઘાયલ થયાં છે. બેઉ પક્ષે સામસામી ફરિયાદો નોંધાવી છે. પોલીસે કુલ ૩૧ લોકો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી છે. એક જણને માથામાં ગંભીર ઈજા હોઈ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
માટીનો પાળો બનાવવા મામલે મામલો બિચક્યો
ખીરસરા વિંઝાણમાં રહેતા અલ્તાફ મામદ હુસેન હિંગોરા (ઉ.વ. ૨૮)એ હત્યાના પ્રયાસ, રાયોટીંગ, લૂંટ, ગુનાહિત કાવતરું રચીને હુમલો કરવા સહિતની ભારેખમ કલમો તળે હનીફ જાકબ બાવા પઢિયાર, તેના ભત્રીજા હાફિઝ કાસમ પઢિયાર, ગફૂર પઢિયાર, અઝીમ પઢિયાર, સલીમ પઢિયાર, કારા મામદ સાડ (રહે. તમામ નુંધાતડ, અબડાસા) અને અન્ય પંદરેક અજાણ્યા સાગરીતો વિરુધ્ધ કોઠારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં અલ્તાફે જણાવ્યું કે તેના પિતા મામદ હુસેનના નામની લીઝવાળી મિંયાણી ગામે સર્વે નંબર ૧૧૯વાળી જમીન પર બેન્ટોઈનાટની ખાણ આવેલી છે. ખાણની બાજુમાં અબ્દુલ કાદર જુસબ હિંગોરાની લીઝવાળી ખાણ આવેલી છે.
રવિવારે બપોરે અબ્દુલની ખાણવાળી જમીનમાં હિટાચી વડે તેનો માણસ હમીદ જાનમામદ હિંગોરા (રહે. કોટડા રોહા) ચોતરફ માટીનો પાળો બનાવતો હતો. માટીના પાળાના લીધે મામદ હુસેનની લીઝવાળી ખાણમાં આવેલી ઑફિસ અને વજનકાંટા તરફ જતો મુખ્ય રસ્તો બંધ થતો હોઈ તેણે વિરોધ કરેલો.
હમીદે આ અંગે તેના શેઠ હનીફ જાકબ બાવા પઢિયારને ફોનથી જાણ કરતાં થોડીકવારમાં હનીફ અને તેના ભત્રીજા સહિતના આરોપીઓનું ટોળું ત્રણ કાર અને જીપમાં ધોકા તથા પાઈપ જેવા હથિયારો સાથે ત્યાં આવી ચઢેલું. ‘આ રસ્તો બંધ થઈને જ રહેશે, તમારાથી થાય તે કરી લો, આજે તો તમને પતાવી જ દેવાના છે’ તેવું કહીને હનીફ અને તેના સાગરીતો ફરિયાદી અલ્તાફ અને તેના ભાઈ જાવેદ પર તૂટી પડેલાં.
જાવેદને માથામાં લોખંડના પાઈપથી ગંભીર ઈજા થતાં તે જમીન પર પડી ગયેલો. હાફિઝે જાવેદનો ફોન ઝૂંટવી લીધો હતો.
બેઉ ભાઈને પિતા અને ભાઈ રિયાઝે હુમલાથી બચાવીને ૧૦૮ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા. હુમલામાં ફરિયાદીને પગમાં ફ્રેક્ચર અને મુઢ માર સહિતની ઈજા થઈ છે. જાવેદની હાલત ગંભીર છે અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.
હિટાચી પર તોડફોડ, લૂંટ, હુમલાની વળતી ફરિયાદ
બીજી તરફ, ફરિયાદી અલ્તાફ સાથે તેના ભાઈ જાવેદ અને રિયાઝ પિતા મામદ હુસેન, નાનાડો હિંગોરા તથા અન્ય પાંચ અજાણ્યા ઈસમો વિરુધ્ધ હિટાચી ચાલક હમીદ જાનમામદ હિંગોરાએ ગેરકાયદે મંડળી બનાવી હુલ્લડ મચાવીને ઘાતક હુમલો કરી ઈજા પહોંચાડવા સહિતની કલમો તળે વળતી ફરિયાદ નોંધાવી છે.
જેમાં પાળો બનાવવા બાબતે આરોપીઓએ હિટાચીના કાચ પર પથ્થરમારો કરી, હિટાચીની ચાવી તથા ડીઝલ પૂરાવવા માટે રહેલાં દસ હજાર રૂપિયા ઝૂંટવી લઈને ધોકાથી તેના શેઠ હાફિઝ અને હાફિઝના મિત્ર ભુટો ઓસમાણ ગની પઢિયાર પર હુમલો કરી ઈજા પહોંચાડી હોવાનું લખાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હનીફ જાકબ બાવા પઢિયાર વિરુધ્ધ બે અઢી દાયકા અગાઉ નકલી ચલણી નોટો સહિતના ગંભીર ગુનાઓ દાખલ થયા હતા. હિંસક જૂથ અથડામણના આ બનાવને જાણકારો અનેક પરિમાણોથી મૂલવી રહ્યાં છે.
Share it on
|