|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં જીવલેણ માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર દરમિયાન ગત મધરાતે એક વાગ્યાથી પરોઢે પોણા છના અરસામાં ભચાઉ અને મુંદરામાં સર્જાયેલાં બે અકસ્માતમાં બે યુવાનોના અકાળે મૃત્યુ નીપજ્યાં છે. ગાંધીધામ ભચાઉ હાઈવે પર ભચાઉ નજીક આવેલી હોટેલ સતલુજ સામેના રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે પ્રકાશ પરબતભાઈ એવારીયા (કોલી) નામના અંદાજે ૨૫ વર્ષિય યુવકનું મૃત્યુ નીપજ્યું છે. મરણ જનાર પ્રકાશ છૂટક ડ્રાઈવીંગ કામ કરતો હતો. મધરાત્રે એક વાગ્યાના અરસામાં અજાણ્યા વાહને ટક્કરે મારતાં માથા અને બંને પગમાં ગંભીર ઈજાના પગલે પ્રકાશનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક મૂળ ભચાઉના કલ્યાણપર ગામનો વતની હતો અને મોટાભાઈ સાથે અંજારના વર્ષામેડીના શાંતિધામ ખાતે રહેતો હતો. સાત વર્ષના પુત્ર અને ચાર વર્ષની દીકરીના પિતા એવા પ્રકાશને અડફેટે લઈ અજાણ્યો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ભચાઉ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મુંદરામાં ટ્રેલર તળે ૨૬ વર્ષિય યુવકનું મોત
મુંદરાના બોરાણા સર્કલ નજીક ટ્રેલરે આગળ જતાં બાઈકને ટક્કર મારતાં બાઈક પાછળ સવાર ૨૬ વર્ષિય યુવકનું પેટ પર ટાયરો ફરી વળતાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું છે. આજે સવારે પોણા છના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી. મરણ જનાર મનીષ કુશ્વાહ મૂળ યુપીના બલિયાનો વતની હતો અને પૂર્વી પાર્કમાં રહીને એક્ટિવ કાર્ગો નામની કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. નાઈટ ડ્યુટી પૂરી કરીને પરોઢે સહકર્મી અતુલ તુલસીદાસ સોલંકી (રહે. મૂળ કોઠારા, અબડાસા હાલ રહે. હિંગળાજનગર, બારોઈ, મુંદરા)ની બાઈક પાછળ બેસીને ઘર તરફ જતો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. એક્સિડેન્ટમાં અતુલ પણ ટ્રેલર નીચે આવી ગયો હતો પરંતુ તેનો આબાદ બચાવ થયો હતો. મુંદરા પોલીસે GJ-12 BW-0211 નંબરના ટ્રેલર ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Share it on
|