|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના લુણી ચાર રસ્તા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ગુંદાલા ગામની બે મહિલાના મોત થયાં છે. ગણેશ મંદિરના દર્શન કરવા પગપાળા જઈ રહેલી ચાર મહિલાને પાછળથી બામ્બુ (વાંસ) ભરેલા ટેમ્પોનો ડ્રાઈવર ટક્કર મારી, વાહન સમેત નાસી ગયો હતો. ૬૦ વર્ષિય લક્ષ્મીબેન ખમુભાઈ દાફડા ગત બુધવારે બહેન લાલબાઈ કાયાભાઈ દાફડા, ભત્રીજી ધનબાઈ વેલજી દાફડા અને જેઠાણી માનબાઈ લીલાધર દાફડા (રહે. તમામ ગુંદાલા) સાથે ગુંદાલાથી રીક્ષામાં બેસી લુણી ગામે આવેલા ગણેશ મંદિરના દર્શન કરવા નીકળેલાં. રાત્રે આઠ વાગ્યાના અરસામાં લુણી ચાર રસ્તા ખાતે રીક્ષામાંથી ઉતરીને ચારે મહિલા પગપાળા મંદિર તરફ જતી હતી ત્યારે પાછળથી આવેલા ટેમ્પોએ તેમને ટક્કર મારી હતી. જેમાં ગંભીર ઈજાથી સ્થળ પર માનબાઈ દાફડાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે, માથા અને અન્ય અંગોમાં ગંભીર રીતે ઘવાયેલા લાલબાઈ દાફડાએ ગઈકાલે જી.કે. જનરલ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. અકસ્માતમાં ધનબાઈ અને ફરિયાદી લક્ષ્મીબેનને હળવી મધ્યમ ઈજાઓ થઈ હતી. મુંદરા મરીન પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
માતાના મઢના દર્શને જતા બાકરોલના પરિવારને અકસ્માત નડ્યો
અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના બાકરોલ ગામના બે પરિવારને માતાના મઢના દર્શને જતી વખતે નખત્રાણાના ઉગેડીથી એક કિલોમીટર દૂર ગંભીર અકસ્માત નડ્યો છે. આ પરિવારોની મારુતિ સ્વિફ્ટ કારને રોંગસાઈડમાં આવેલી ઈનોવા કારે ટક્કર મારતાં કારમાં સવાર છ લોકોને હાથ-પગે ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે.
દુર્ઘટનામાં ૯ વર્ષની બાળકીને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે.
રવિવારે સર્જાયેલાં અકસ્માત અંગે નખત્રાણા પોલીસ મથકે GJ-12 CG-1515 નંબરની ઈનોવા કારના ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે. બાકરોલનો રાહુલ વિનુભા ચૌહાણ (ઉ.વ. ૨૮) પત્ની નિમિષા, ૯ વર્ષની દીકરી જ્યાંશી, ૪ વર્ષના પુત્ર શૌર્ય તથા મિત્ર પુષ્પેન્દ્રસિંહ અને તેની પત્ની જયાબેન સાથે મિત્રની સ્વિફ્ટ કાર લઈને માતાના મઢના દર્શન કરવા જતો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં તમામ લોકોને હાથ પગે ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાહુલ અને તેનો પરિવાર હાલ મોડાસા અને પુષ્પેન્દ્રસિંહ તથા પત્ની જયાબેન લુણાવાડાની ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
Share it on
|