|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ સામખિયાળી અને ગાંધીધામમાં આંગડિયા પેઢીના સંચાલકને સગાં કાકાનો દીકરો ૬૯.૭૯ લાખનો ચૂનો ચોપડી ગયો હોવાનો બનાવ બન્યો છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગાંધીનગર રહેતા યુવક વિરુધ્ધ હિસાબોમાં ગરબડ કરીને, ખોટી ખાતા બૂક બનાવવી નાણાંની ઠગાઈ કરવા સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી જીગર જયંતીલાલ ઠક્કર (ઉ.વ. ૪૩, રહે. ગુરુકુળ ઓનેસ્ટ વ્યૂ, સેક્ટર-૭, ગાંધીધામ મૂળ રહે. સામખિયાળી)એ પોલીસને જણાવ્યું કે તે સામખિયાળી અને ગાંધીધામમાં ગાંધી માર્કેટ સામે પાર્વતી ચેમ્બરમાં પ્રાઈમ એન્ટરપ્રાઈઝ નામથી આંગડિયા પેઢી ચલાવે છે.
વર્ષ ૨૦૨૨માં ગાંધીનગર રહેતા ફરિયાદીના સગાં કાકા જીતેન્દ્ર નારણદાસ ઠક્કર અને કાકી નયનાબેનના કહેવાથી ફરિયાદીએ તેમના પુત્ર હર્ષ ઠક્કરને માસિક ૧૫ હજારના વેતન પર ગાંધીધામની ઑફિસમાં નોકરી પર રાખેલો.
પેઢીનો બધો જ હિસાબ કિતાબ અને વહીવટ હર્ષ સંભાળતો હતો. એપ્રિલ ૨૦૨૪માં ફરિયાદીએ ગાંધીધામ ઑફિસનો હિસાબ ચેક કરતા મોટી કૅશ શોર્ટેજ માલૂમ પડેલી. આ અંગે પૂછતાં હર્ષે માર્કેટમાં હિસાબની ઉઘરાણી બાકી હોવાનું કહીને ઉઘરાણીનું લિસ્ટ બતાવેલું. ફરિયાદીને તેની વાત પર ભરોસો આવી જતાં વધુ કાંઈ તપાસ કે પૂછપરછ કરી નહોતી.
એક વર્ષ બાદ ફરિયાદીએ ફોન કરીને હર્ષને હિસાબ કરવા જણાવતાં હર્ષ ઑફિસ છોડીને ગાંધીનગર જતો રહેલો.
ફરિયાદીએ ગાંધીનગર રૂબરૂ જઈ હિસાબ માંગતા હર્ષે ૭ એપ્રિલના રોજ તેને ઉઘરાણી બાકી હોય તે લોકોના નામની યાદી સાથેની ખાતા બૂકની પીડીએફ નકલ વોટસએપ પર મોકલી આપેલી.
ખાતાં બૂક ચેક કરતાં ઠગાઈ બહાર આવી
ફરિયાદીએ ખાતા બૂકનો હિસાબ કરતા ૭૯.૬૪ લાખની ઘટ હોવાનું ધ્યાને આવેલું. ફરિયાદીએ જેમના નાણાં બાકી હતા તે લોકોનો ઉઘરાણી માટે સંપર્ક કરવાનું શરૂ કરતાં તેમણે કોઈ જ નાણાં બાકી ના હોવાનું જણાવ્યું હતું.
ખાતા બૂકમાં અમુક તો એવી પાર્ટીના નામ હતા કે જેમની સાથે કોઈ લેવડદેવડ જ થઈ નહોતી. અમુક ખાતાંધારકોના નામ પણ ખોટાં હતા.
ફરિયાદીએ કાકા-કાકીને વાત કરી રૂપિયાની ઉઘરાણી શરૂ કરતાં હર્ષે જૂન અને ઑગસ્ટ માસમાં આંગડિયાથી ૯.૮૫ લાખ મોકલી આપ્યાં હતા. જો કે, બાકીના ૬૯.૭૯ લાખ રૂપિયા આજ દિન સુધી પરત મળ્યાં નથી અને હર્ષ કેવળ બહાના કર્યાં કરે છે.
Share it on
|