કચ્છખબરડૉટકોમ, ભુજઃ નખત્રાણા પાસે યોજાયેલા મોટા યક્ષના મેળામાં જઈ રહેલા ભુજના બાઈક ચાલકને સ્કોર્પિયો કારે ટક્કર મારતાં ગંભીર ઈજાથી સ્થળ પર તેનું મૃત્યુ નીપજ્યું છે. બીજી બાજુ, ભચાઉના બટિયા પુલ નીચે સર્વિસ રોડ પર ટ્રેલરની અડફેટે બાઈક ચાલકનું મોત નીપજ્યું છે. બંને દુર્ઘટના ગઈકાલે શનિવારે રાત્રિ દરમિયાન બની હતી. ભુજના જૂના રેલવે સ્ટેશન પાસે ખાદી બાગ નજીક રહેતો ૨૧ વર્ષિય વિશાલ શંભુભાઈ પ્રજાપતિ (મૂળ રહે. ઈટાવા, યુપી) પલ્સર બાઈક લઈને યક્ષના મેળે મહાલવા નીકળ્યો હતો. રાત્રે ૧૧.૩૦ના અરસામાં ભુજ નજીક સુખપર ગામે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સામેથી આવતી સ્કોર્પિયો કારે તેને જોરદાર ટક્કર મારતાં ગંભીર ઈજાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત બાદ તેના બાઈકમાં આગ લાગતાં સ્થળ પર બાઈક સળગીને ખાખ થઈ ગયું હતું. મરણ જનાર વિશાલ ત્રણ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો.
માનકૂવા પોલીસ મથકે મૃતકના કાકાએ લખાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આગળ જતી ટ્રકને ઓવરટેક કરવાની લ્હાયમાં GJ-12 P-4700 નંબરની સ્કોર્પિયો કારના ચાલકે સામેથી પલ્સર પર આવી રહેલા વિશાલને ટક્કર મારી દીધી હતી. મૃતક વિશાલના પિતા અને કાકા બેઉ પાણીપુરી વેચવાનો ધંધો કરે છે.
ટ્રેલરના પાછલાં જોટામાં બાઈકચાલક કપાઈ ગયો
ભચાઉના બટિયા પુલ નીચે સર્વિસ રોડ પર જઈ રહેલા બાઈકને પાછળ આવી રહેલા ટ્રેલરે ટક્કર મારતાં બાઈક ચાલકનું મોત નીપજ્યું છે. શનિવારે રાત્રે આઠેક વાગ્યા આસપાસ દુર્ઘટના ઘટી હતી. મરણ જનાર માનસંગ જગાભાઈ કોલી (રહે. જૂનાવાડા, ભચાઉ) તેના કૌટુંબિક ભત્રીજા મનસુખને બાઈક પાછળ બેસાડી કપડાં ખરીદવા માર્કેટમાં આવ્યો હતો.
કપડાં ખરીદીને કાકો ભત્રીજો બેઉ બાઈક પર ઘરે પાછાં જઈ રહ્યા હતા ત્યારે નૂરાની હોટેલ સામે અકસ્માત સર્જાયો હતો.
GJ-12 BV-1363 નંબરના ટ્રેલરના પાછલાં જોટા નીચે કચડાઈ જવાથી માનસંગના શરીરના બે ટૂકડાં થઈ ગયેલાં અને સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. ટ્રેલર ચાલક થોડેક આગળ જઈ ટ્રેલરને રેઢું મૂકી નાસી ગયો હતો. બનાવ અંગે ભચાઉ પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
Share it on
|