કચ્છખબરડૉટકોમ, ભુજઃ જખૌમાં મચ્છીનો ધંધો કરતા વેપારીને ભરોસો રાખી બીજાને પોતાનો મોબાઈલ ફોન આપવાની ભૂલ ભારે પડી ગઈ છે. ફોન કરનારે સીમકાર્ડ પોર્ટ કરાવીને તે મોબાઈલ નંબર સાથે લિન્ક બેન્ક ખાતામાંથી બારોબાર ૧.૩૭ લાખ રૂપિયા ઉપાડી લીધા છે. જખૌમાં મચ્છીનો વેપાર કરતાં હુસેન ઉમર સુયાએ ભુજ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે જામનગરના જામ અકબર સત્તાર સામે વિશ્વાસઘાત અને આઈટી એક્ટની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. ગત બીજી જૂનના રોજ આરોપી ગાડી લઈને ફરિયાદીના દંગા પર મચ્છી ભરવા આવ્યો હતો.
પોતાના ફોનમાં નેટ ચાલતું ના હોવાનું બહાનું કરીને અકબરે ફરિયાદીનો મોબાઈલ ફોન માગ્યો હતો. ફરિયાદી તેને પોતાનો ફોન આપીને ગાડી ભરવાની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયો હતો.
એક દોઢ કલાકે ગાડી ભર્યાં બાદ ફરિયાદીએ આરોપી પાસેથી પોતાનો ફોન પરત મેળવ્યો હતો. આ સમય દરમિયાન ફરિયાદીની જાણ બહાર અકબરે ફરિયાદીનું સીમકાર્ડ અન્ય કંપનીમાં તબદીલ (પોર્ટ) કરાવી લેતાં રાત્રે ફરિયાદીનું સીમ બંધ થઈ ગયેલું.
નંબર પોર્ટ થતાં પૂર્વે મોબાઈલ કંપનીમાંથી વારંવાર ફોન અને મેસેજ આવેલાં પરંતુ ફરિયાદીએ તેને અવગણ્યાં હતાં. બંધ થઈ ગયેલો ફોન નંબર ફરિયાદીના બેન્ક ખાતાં સાથે લિન્ક થયેલો હતો.
અઠવાડિયા બાદ ફરિયાદી નવો મોબાઈલ નંબર એક્ટિવેટ કરાવીને બેન્ક ખાતામાં લિન્ક કરાવવા ગયો ત્યારે તેને ખબર પડી હતી કે તારીખ ૬, ૭ અને ૮ જૂનના રોજ તેના બેન્ક ખાતામાંથી કુલ ૨૬ UPI ટ્રાન્ઝેક્શન મારફતે ટૂકડે ટૂકડે ૧.૩૭ લાખ રૂપિયા ઉપડી ગયા હતા અને આ નાણાં અકબર સત્તારના બેન્ક ખાતામાં જમા થયા હતા.
યુવતીની સગાઈ તોડાવવા યુવકે આવું કર્યું
મુંદરામાં રહેતી યુવતી સાથે પોતાની સગાઈ તૂટી ગયાં બાદ, યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતાં ઉશ્કેરાયેલાં યુવકે પોતાના ફેસબૂક એકાઉન્ટ અને ઈન્સ્ટાગ્રામ પર યુવતીનું નકલી એકાઉન્ટ બનાવી તેના પરથી યુવતીના ભાવિ પતિને સગાઈ તોડી નાખવા માટે મેસેજ મોકલ્યાં હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ છે. યુવતીના પિતાએ જે આઈડી પરથી મેસેજ આવેલા તેના સ્ક્રીન શોટ સાથે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|