કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના અરિહંતનગરમાં રહેતો ભેજાબાજ યુવક સારું વળતર મળવાના નામે ભુજના દસ લોકો પાસેથી ઈન્વેસ્ટમેન્ટ પેટે રૂપિયા મેળવીને ૧ કરોડ ૪૫ લાખ રૂપિયાનું ફુલેકું ફેરવીને સપરિવાર ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. છેતરપિંડીનો ભોગ બનનારાં મોટાભાગના લોકો અડોશ પડોશના અને પરિચિતો વિશ્વાસુ લોકો છે. ભુજ એ ડિવિઝન પોલીસે BNS કલમ ૩૧૬ (૨) અને ૩૧૮ (૪) હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. જયનગરના કોન્ટ્રાક્ટરે નોંધાવી ફરિયાદ
ભુજના જયનગરમાં રહેતા કન્સ્ટ્રક્શન અને લેબર કોન્ટ્રાક્ટ શૈલેષ આર. વ્યાસે અરિહંતનગરમાં રહેતા કરણ અનિલ ઉપાધ્યાય સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે કરણ અગાઉ ૨૦૨૨માં બજાજ ફાઈનાન્સમાં નોકરી કરતો હતો ત્યારથી તે ઈન્વેસ્ટમેન્ટ માટે ફોન કૉલ અને મેસેજ કરતો હતો. જેથી તેનો પરિચયત થયેલો.
ચંદન કેપિટલ નામની પેઢી શરૂ કરી ગોરખધંધો ચાલુ કરેલો
ફેબ્રુઆરી ૨૦૨૪માં કરણે શૈલેષને ચંદન કેપિટલ નામની ઈન્સ્ટાગ્રામ આઈડી મોકલીને પોતે પોતાની નવી ફર્મ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. પોતે ગોલ્ડ લૉન ઑક્શન અને પાક ધીરાણ લોનના રીન્યુઅલ, શેર માર્કેટ વગેરેમાં કાયદેસર રીતે ફંડિગ કરીને સારું રિટર્ન અપાવતો હોવાના આંબા આંબલીઓ બતાવીને ફરિયાદીને ઈન્વેસ્ટ કરવા લાલચ આપેલી. તેની વાતોમાં આવી જઈને શૈલેષ વ્યાસે ટુકડે ટુકડે ચેક, UPI, NEFT IMPSથી તેના ત્રણ બેન્ક ખાતામાં ૪૧.૧૮ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં હતા.
રોકાણકારો રિટર્ન માગે તો વાયદા શરૂ કરેલા
શૈલેષે રોકાણ સામે વળતર માગવાનું શરૂ કરતાં કરણે ‘પોતાના બધા રુપિયા કોઈ કારણોસર અટકી ગયાં છે, તેનું સોલ્યુશન જલદી આવી જશે અને બધા રૂપિયા પાછાં આપી દઈશ’ કહીને વાયદાબાજી શરૂ કરેલી. શૈલેષ સહિતના રોકાણકારોએ રૂપિયાની કડકાઈથી ઉઘરાણી શરૂ કરતાં ૦૩-૦૫-૨૦૨૫ના રોજ કરણે ભુજની ભાગોળે મિરજાપર રોડ પર ભગવતી હોટેલ પાસે આવેલી પ્રવિણ પટેલની ઑફિસે સૌને બોલાવ્યાં હતા. પ્રવિણ પટેલની ઑફિસમાં કરણના પિતાએ વર્ષો સુધી નોકરી કરી હોઈ તે તેને ઓળખતાં હતા.
વાયદાબાજી બાદ ભુજમાંથી સપરિવાર ફરાર
રોકાણકારોને તેણે ‘હાલ મારા રૂપિયા ઈન્વેસ્ટમેન્ટમાં ફસાઈ ગયાં છે, હું ધંધામાં અટકી ગયો છું, તમારા બધાના રૂપિયા હું ટૂંક સમયમાં પાછાં આપી દઈશ’ તેવો વાયદો કર્યો હતો. જો કે, ચોથી જૂલાઈના રોજ તે ઘરને તાળાં મારીને સપરિવાર ફરાર થઈ ગયો છે. તેનો અને પરિવારના અન્ય સદસ્યોના મોબાઈલ ફોન બંધ આવે છે.
જાણો, કોની કોની સાથે કેટલાં રૂપિયાની થઈ ઠગાઈ
આરોપી કરણ અનિલભાઈ ઉપાધ્યાય (૧) ફરિયાદી શૈલેષ વ્યાસના ૪૧.૧૮ લાખ (૨) પિતાના શેઠ પ્રવિણભાઈ બાબુભાઈ પટેલ (રહે. સનસીટી, ભુજ) અને (૩) પ્રવિણભાઈના પુત્ર મિહિર પાસેથી ઉછીના ૪૧ લાખ લઈ ટોપી ફેરવી ગયો છે. (૪) મહિપતભાઈ મોહનભાઈ સુથાર (રહે. અરિહંતનગર, મુંદરા રીલોકેશન સાઈટ, ભુજ) પાસેથી ૧૦ લાખ (૫) યોગેશ ચંપકલાલ શેઠ (રહે. આઈયા એપાર્ટમેન્ટ) અને (૬) તેમની પુત્રી રિયા શેઠના દોઢ લાખ મળી ૧૩.૯૦ લાખ રૂપિયા (૭) હિરેન કિરણકાંત શર્મા (રહે. અરિહંતનગર, ભુજ)ના ૧૫.૯૦ લાખ (૮) યુવરાજસિંહ જગતસિંહ જાડેજા (રહે. અરિહંતનગર)ના ૨૦ લાખ (૯) યુવરાજસિંહ ઈન્દ્રજીતસિંહ જાડેજાના ૨.૫૦ લાખ (૧૦) હર્ષ શ્રીરંગ ભાગવતના ૬૦ હજાર વગેરે મળીને કુલ ૧ કરોડ ૪૫ લાખ ૮ હજાર રૂપિયાનું ફુલેકું ફેરવીને ગાયબ થઈ ગયો છે.
પાડોશીઓને પણ ના છોડ્યાં
૧૫.૯૦ લાખ ગુમાવનારા હિરેન શર્મા આરોપી કરણની પડોશમાં રહે છે. કરણે રૂપિયા માગતા તેની સગવડ ના હોઈ કરણે તેમની પાસેથી દાગીના મેળવીને ૮.૯૦ લાખ રૂપિયાની ગોલ્ડ લોન મેળવેલી. એ જ રીતે, પાછળથી પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ પરથી વધુ ૭ લાખ રૂપિયા મેળવ્યાં હતા. જો કે, તે ગોલ્ડ લોનના હપ્તા ભરતો નહોતો. ઘરેણાં બચાવવા માટે હિરેને પોતાના નામે લોન ટ્રાન્સફર કરાવીને હપ્તા ભરવાનું શરૂ કરેલું.
Share it on
|