કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ ભુજના ધાણેટી ગામના બે યુવકો સામે સગીરા પર વારંવાર બળાત્કાર અને અપહરણ કરવાની કલમો તળે મુંદરા તાલુકાના પ્રાગપર પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. મુંદરાના એક ગામની ૧૮ વર્ષની યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારથી આરોપીઓ આ ગુનો આચરતાં હોવાનું લખાવાયું છે. પ્રાગપર પોલીસે મૂળ ભુજ તાલુકાના જવાહરનગર ગામના વતની અને હાલ ધાણેટી રહેતા હરી કાનજી કેરાસીયા (આહીર) અને ધાણેટીના પીયૂષ છાંગા નામના બે યુવકો સામે પોક્સો, બળાત્કાર, અપહરણની ભારેખમ કલમો તળે ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદી યુવતીએ પોલીસને જણાવ્યું કે હરી પરણેલો હતો. છતાં તેણે પોતે કુંવારો હોવાનું કહીને તેને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી.
હરી તેને વારંવાર જુદી જુદી જગ્યાએ અપહરણ કરીને લઈ ગયેલો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધેલાં. યુવતીએ લગ્ન કરવાનો આગ્રહ કરવાનું શરૂ કરતાં હરીએ તેને તરછોડી દીધી હતી. ઘટના બાદ એવા સામાજિક સંજોગો સર્જાયાં કે યુવતીએ હરી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ગુના સમયે હરીને તેના મિત્ર પીયૂષ છાંગાએ પણ મદદ કરી હોઈ પોલીસે બેઉ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે.
Share it on
|