કચ્છખરડૉટકોમ, ભુજઃ રાપર તાલુકાના ભુટકીયા (ભીમાસર) ગામ નજીક છોટા હાથી (મીની લોડિંગ ટેમ્પો)એ રોંગસાઈડમાં ધસી જઈને સામેથી આવતી બાઈકને ટક્કર મારતાં યુવાન કાકા અને ભત્રીજાના મોત નીપજ્યાં છે. બનાવ અંગે આડેસર પોલીસે ઈજાગ્રસ્ત વાહન ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ભુટકીયામાં રહેતા માલધારી નાગજી વેલાભાઈ રબારીએ ફરિયાદમાં જણાવ્યું કે બનાવ ૧૮ નવેમ્બરના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં બન્યો હતો. તેમનો નાનો ભાઈ મનજી વેલા રબારી નાની બહેન જીવતી તથા ફરિયાદીની સાત વર્ષની દીકરી સતીને મોટર સાયકલ પાછળ બેસાડીને પ્રાગપર જવા નીકળ્યો હતો. સતી જીવતીના ખોળામાં બેસી હતી.
રોંગસાઈડમાં આવતા વાહને ટક્કર મારતાં જીવતીના ખોળામાં બેસેલી સતી અને મનજી બેઉ વાહનની નીચે દબાઈ ગયાં હતાં. દુર્ઘટનાના થોડાંક કલાકો બાદ પાટણની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતી વખતે સતીનું રસ્તામાં મૃત્યુ નીપજ્યું હતું.
ગંભીર રીતે ઘાયલ નાના ભાઈ મનજીને પ્રથમ સામખિયાળી, બાદમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલો. ગઈકાલે મંગળવારે સાંજે મનજીએ પણ સારવાર દરમિયાન કાયમ માટે આંખો મીંચી લીધી હતી. અકસ્માતમાં વાહનચાલક ભીખા અમરાભાઈ સોલંકી (રાજપૂત)ને પણ માથામાં ઈજાઓ થઈ હતી. પોલીસે ભીખાભાઈ સોલંકી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
થ્રેસરનું બકેટ વાયરને અડકતાં ૪ મહિલા દાઝી, એકનું મોત
નખત્રાણા તાલુકાના રસલિયા ગામે થ્રેસરમાં મગફળી (ભૂતડી) નાખતી વખતે થ્રેસરચાલકે મગફળી ખાલી કરવા ઊંચુ કરેલું બકેટ વીજ લાઈનને સ્પર્શી જતાં ચાર ખેતમજૂર મહિલાઓને જોરદાર કરંટ લાગ્યો હતો, જેમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક હાજરાબાઈના પતિ અબ્દુલ સાલેમામદ કુંભારે નોંધાવેલી ફરિયાદના આધારે નખત્રાણા પોલીસે થ્રેસરના ચાલક વિરુધ્ધ સાપરાધ માનવવધ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે. અબ્દુલે જણાવ્યું કે દુર્ઘટના ૧૬ નવેમ્બરે રસલિયામાં કિરણભાઈ ભાવાણીની વાડીએ ઘટી હતી.
Share it on
|