|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીના ચાલતી ટ્રેને થયેલા હત્યાકાંડના સાત વર્ષે ચોંકાવનારો વળાંક આવ્યો છે. અબડાસાની રાતા તળાવ પાંજરાપોળના સ્થાપક મનજી ખેતશી ભાનુશાલી ઊર્ફે મનજી બાપુને કૉર્ટે આરોપી બનાવ્યા છે. મનજી બાપુને આરોપી બનાવવા થયેલી અરજીને આજે ભચાઉ સેશન્સ કૉર્ટે મંજૂર કરી તેમની સામે સમન્સ કાઢીને ટ્રાયલ ફેસ કરવા હુકમ કર્યો છે. હત્યા કેસમાં સાત વર્ષે આવેલા નવા વળાંકના પગલે કચ્છ અને મુંબઈના ભાનુશાલી સમાજમાં ભારે ચકચાર સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે જયંતી ભાનુશાલીની હત્યાના બરાબર એક વર્ષ બાદ ગુનાની તપાસ કરતી રેલવેઝ અને સીઆઈડી ક્રાઈમની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે સમન્સ પાઠવીને અમદાવાદસ્થિત કચેરીએ મનજી ભાનુશાલીની મેરેથોન પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ એસઆઈટીએ તેમને જવા દીધા હતા.
લાંબા સમય બાદ ફરિયાદી સુનીલ ભાનુશાલીએ ભચાઉ સેશન્સ કૉર્ટમાં મનજી ભાનુશાલીને કેસમાં આરોપી તરીકે જોડવા અરજી કરી હતી.
મનજી બાપુ પહેલાંથી જ કાવતરામાં સામેલ હોવાનો આરોપ
ફરિયાદીના વકીલ એડવોકેટ હર્ષદભાઈ ભટ્ટે અરજીની મહત્વની વિગતો વિશે વાત કરતા જણાવ્યું કે ‘અમારો આરોપ છે કે મનજી ભાનુશાલી શરૂઆતથી હત્યાના ષડયંત્રમાં સામેલ હતા. મૃતક જયંતીભાઈ હત્યાના આગલા જ દિવસે અમદાવાદ જવા રવાના થવાના હતા પરંતુ મનજી ભાનુશાલીએ તેમને મહિલા આરોપી સાથે ચાલતાં વિવાદના સમાધાન માટે બેઠકના નામે રોક્યા હતા. એટલું જ નહીં, જયંતીભાઈ કઈ ટ્રેનમાં કેટલાં વાગે નીકળવાના છે તે માહિતી અંગે પણ મનજી ભાનુશાલી સારી રીતે વાકેફ હતા. અમારા અસીલે કૉર્ટમાં સોગંદપૂર્વક જુબાની આપ્યા બાદ કૉર્ટે મનજી ભાનુશાલીને આરોપી તરીકે જોડવા નિર્ણય કર્યો છે’
મનજી ભાનુશાલીને સમન્સ ઈસ્યૂ કરી આગામી ૧૯ જાન્યુઆરી કૉર્ટમાં હાજર થઈ ટ્રાયલનો સામનો કરવા ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલીપ તિવારીએ હુકમ કર્યો છે.
આ કેસમાં નિયુક્ત ખાસ સરકારી વકીલ એડવોકેટ ઉત્પલ દવેએ જણાવ્યું કે કેસના મૂળ ફરિયાદીએ ભચાઉ કૉર્ટમાં અરજી કરેલી. રેકર્ડ પરના પુરાવાના આધારે કૉર્ટે મનજીભાઈને આરોપી તરીકે જોડવા હુકમ કર્યો છે.
અગાઉ પકડાયેલાં તમામ આરોપી જામીન પર છે
૮ અને ૯ જાન્યુઆરી ૨૦૧૯ની મધરાતે સામખિયાળી નજીક જયંતી ભાનુશાલીની સયાજીનગરી એક્સપ્રેસમાં ચાલતી ટ્રેનમાં ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાનુશાલીના રાજકીય હરીફ છબીલ પટેલ, તેમના પુત્ર સિધ્ધાર્થ પટેલ, જેન્તી ઠક્કર, સુરજીત પરદેશી (ભાઉ) અને મહારાષ્ટ્રના શાર્પશૂટરો સહિત ૧૨ જણની આરોપી તરીકે તબક્કાવાર ધરપકડ કરવામાં આવેલી. ગુનાના સાત વર્ષના ગાળામાં પકડાયેલાં તમામ આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયાં છે. મહારાષ્ટ્રના એક આરોપી શાર્પ શૂટરનું તાજેતરમાં અન્ય હત્યા કેસમાં જેલવાસ દરમિયાન મહારાષ્ટ્રની જેલમાં મર્ડર થઈ ગયું હતું. મનજી બાપુ તેરમા આરોપી બન્યા છે.
શા માટે મનજી બાપુને મૃતકથી હતું મનદુઃખ?
સુનીલ ભાનુશાલીએ કૉર્ટમાં કરેલી અરજીની સોશિયલ મીડિયા પર ફરતી નકલ મુજબ ફરિયાદી સુનીલ ભાનુશાલીએ મનજી બાપુ પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે સરકાર દ્વારા પાંજરાપોળના પશુઓને આપવામાં આવતી સબસીડીનો દુરુપયોગ મનજી બાપુ કરતા હોવાની તેના કાકા જયંતી ભાનુશાલીએ ૨૪-૦૩-૨૦૧૫ના રોજ કલેક્ટરને અરજી કરેલી. આ અગાઉ ૨૦૧૩ ૨૦૧૪માં મનજી બાપુએ ગેરકાયદે રીતે રસ્તા પર કરેલું દબાણ જયંતીભાઈએ હટાવેલું. તે બાબતે તેમને મનદુઃખ હતું. હત્યા કેસના સહઆરોપી જેન્તી ઠક્કર સાથે મનજી બાપુને પહેલાંથી જ ખૂબ નિકટના સંબંધો હતા તો મહિલા આરોપી પણ તેમના આશ્રમ પર અવારનવાર જતી આવતી હતી.
હત્યાના ત્રણેક દિવસ અગાઉ મનજી બાપુએ રાતા તળાવ ખાતે ગૌ બચાવ કાર્યક્રમનું આયોજન કરેલું અને તેમાં જયંતી ભાનુશાલીને આમંત્રણ આપી બોલાવેલાં.
સુનીલે અરજીમાં જણાવ્યું હતું કે જેન્તી ઠક્કર અને મનજી બાપુએ મારા કાકાને આયોજનપૂર્વક કચ્છમાં બોલાવ્યાં હોય તેવું લાગેલું. આવું માનવાનું કારણ એટલે થયેલું કે મનીષા અને જેન્તી ઠક્કર મુંબઈથી ભુજ ફ્લાઈટમાં સાથે આવેલા અને તેઓ સારી રીતે જાણતાં હતા કે બીજી જાન્યુઆરીથી છબીલ પટેલ વિદેશ ગયા છે. કાર્યક્રમ બાદ મનજી બાપુએ સમાધાન મુદ્દે રોકાવા માટે જયંતીભાઈને કહ્યું હતું.
Share it on
|