|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની સરકારી હોસ્પિટલના પૂર્વ અધીક્ષકને ૮૩.૬૨ લાખ રૂપિયાના બાકી લ્હેણાની રકમ ચૂકવવા કૉર્ટના હુકમ છતાં સરકારે ના ચૂકવાતાં ભુજમાં સિવિલ સર્જનની કચેરીમાં રહેલી ચલ સંપત્તિની જપ્તીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જપ્તી વૉરન્ટના આધારે આજે સિવિલ સર્જનની કચેરીના ટેબલો, ખુરશીઓ, રેફ્રિજરેટર, કબાટ વગેરે સામાન જપ્ત કરાયો છે. ભુજના સિવિલ જજના વૉરન્ટ મુજબ કચેરીમાં રહેલી તમામ મૂવેબલ (જંગમ) મિલકત જપ્ત કરવામાં આવશે, કાર્યવાહી આવતીકાલે પણ જારી રહેશે. જાણો શો છો સમગ્ર વિવાદ
માધાપરના વતની અને હાલે ભુજ રાવલવાડીમાં રહેતા ડૉ. હિરજી હરજી પટેલ ૧૯૮૧માં ભુજની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે જોડાયેલાં. નોકરીના પાંચ વર્ષ બાદ હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે તેમને બઢતી મળેલી. તે સમયના સરકારી નીતિ નિયમો મુજબ તેમને દર વર્ષે ત્રીસ જેટલી રજાઓ મળતી હતી, જે જમા થતી હતી.
નિયમ મુજબ છ માસથી વધુ રજાઓ જમા થઈ શકે નહીં. જેથી ડૉ. પટેલ છ માસની રજા પર ઉતરેલાં અને ફરવા નીકળી ગયેલાં.
રજા દરમિયાન તેમણે વધુ અભ્યાસ અર્થે સરકાર પાસે સળંગ ત્રણ વર્ષની રજાની માંગણી મૂકેલી. પરંતુ, તેમની માંગણી અંગે વાંધો લઈને સરકારે તેમની જામનગરમાં શિક્ષાત્મક બદલી કરી દીધી હતી.
૨૦૧૧માં વયનિવૃત્તિ બાદ ૨૦૧૭માં કૉર્ટનો ચુકાદો આવ્યો
પોતાની સાથે થયેલાં અન્યાય સામે ડૉ. પટેલે ભુજની દિવાની અદાલતમાં ખટલો માંડેલો. આ ખટલો વર્ષો સુધી ચાલ્યો. ૨૦૧૧માં ૫૮ વર્ષની વયમર્યાદા પૂર્ણ થઈ જતાં ડૉ. પટેલ સરકારી સેવા નિવૃત્તિના નિયમો મુજબ નિવૃત્ત પણ થઈ ગયેલાં. પરંતુ, સરકારે તેમની નિવૃત્તિ અંગે કોઈ સત્તાવાર હુકમ જ કર્યો નહોતો. કૉર્ટ કેસ અન્વયે સરકારે પોતાના બચાવમાં દલીલ કરેલી કે ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં હોસ્પિટલનું રેકર્ડ નાશ પામ્યું હોઈ ડૉ. પટેલના રજા રીપોર્ટ સહિતના દસ્તાવેજો પણ નાશ પામ્યાં છે.
૨૦૧૭માં ભુજ કૉર્ટે ડૉક્ટર પટેલને સેવા નિવૃત્ત ગણી સરકારી વીમા રકમ, પ્રોવિડન્ટ ફંડની રકમ, ગ્રેચ્યુઈટી, રજા પગારની રકમ વગેરેની ગણતરી કરીને ૮૩.૬૨ લાખની રકમ કૉર્ટમાં જમા કરાવવા સરકારને હુકમ કરેલો.
કૉર્ટના આ હુકમની પણ છેલ્લાં આઠ વર્ષથી સરકાર દ્વારા સતત અવગણના થતી હોઈ ભુજ કૉર્ટે લ્હેણીની વસૂલાત માટે સિવિલ સર્જનની કચેરીની મૂવેબલ સંપત્તિ જપ્ત કરવા હુકમ કર્યો છે. દરમિયાન, કૉર્ટના હુકમના પગલે મિલકત જપ્તીની કાર્યવાહી શરૂ થતાં વર્તમાન સિવિલ સર્જને ગાંધીનગરમાં બીરાજતાં આરોગ્ય અને તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ વિભાગના ચીફ પર્સોનલ ઑફિસરને લેખીત પત્ર પાઠવી કૉર્ટ કાર્યવાહી અંગે જાણ કરી તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે.
Share it on
|