|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છની પ્રતિબંધિત ખાવડા રણ સરહદની અંદર બોલેરોમાં ખુલ્લેઆમ વેચાઈ રહેલા દેશી વિદેશી દારૂના અડ્ડા પર જનતા રેઈડ કરનાર કોટડા ગામના આગેવાન ઈશાક નુરમામદ સમાને ભુજ કૉર્ટે જામીન પર છોડી મુક્યો છે. ઈશાકે ૧૩ ડિસેમ્બરની રાત્રે જનતા રેઈડ કર્યાના છઠ્ઠા દિવસે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ હિતેશ જેઠીએ તેના પર ખંડણીની કલમો તળે ખાવડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવી ધરપકડ કરી હતી. ફરિયાદમાં ઈશાક પર આરોપ લગાડાયો હતો કે ૧૨-૧૦-૨૦૨૫ના રોજ તેણે રીન્યુએબલ એનર્જી પાર્કમાં કાર્યરત KEC કંપનીમાં સ્કોર્પિયો અને ટ્રક સાથે ગેરકાયદે રીતે પ્રવેશી, ધાક-ધમકી કરી કંપનીએ મુંબઈની N N Steel કંપનીને ટેન્ડરથી વેચેલો લાકડાનો સ્ક્રેપ કોઈપણ ઑથોરીટી લેટર બતાવ્યા વગર કે નાણાંની ચૂકવણી કર્યા વગર, ધોકા અને પાઈપો સાથે આવેલા સાગરીતોના જોરે ધાક-ધમકી કરી બળજબરીથી લઈ ગયો હતો.
દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યા બાદ ફીટ કરાયેલો
આરોપી વતી બચાવ કરતા એડવોકેટ બાબુલાલ ગોરડીયાએ કૉર્ટમાં જણાવ્યું હતું કે આરોપીએ દારૂના અડ્ડા પર જનતા રેઈડ કરેલી તેનું મનદુઃખ રાખીને ખોટી ફરિયાદમાં ફીટ કરી દેવાયો છે. ગોરડીયાએ આખો મામલો દિવાની પ્રકારનો હોવાનું જણાવી ઈશાકે N N Steel કંપની પાસેથી ખરીદેલા સ્ક્રેપ અને ટેક્સ ઈન્વોઈસ સહિતના દસ્તાવેજો પુરાવારૂપે કૉર્ટમાં રજૂ કર્યાં હતા.
બોલો, અરજીમાં શું લખાયેલું અને FIRમાં શું લખાયું!
કૉર્ટમાં દલીલ કરાઈ હતી કે જે-તે સમયે કથિત બનાવ અંગે કંપનીના પ્રોજેક્ટ મેનેજરે ખાવડા પોલીસ મથકે જે અરજી કરેલી તેની વિગતો અને એલસીબી પીએસઆઈ જેઠીએ કરેલી તપાસ બાદ દાખલ કરેલી ફરિયાદમાં લગાડેલા આરોપ મુજબના તેમાં કોઈ આક્ષેપ જ નથી!
ભુજ કૉર્ટે આ અવલોકન સાથે જામીન મંજૂર કર્યાં
સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડીઆએ રજૂ થયેલાં દસ્તાવેજી આધારો, તપાસકર્તાની એફિડેવિટ વગેરે જોઈને ઠેરવ્યું કે પ્રથમદર્શનીય રીતે આ ગુનો દિવાની પ્રકારનો જણાય છે.
બનાવ ૧૨-૧૦-૨૦૨૫ના રોજ બનેલો અને ગુનો બે માસના વિલંબ બાદ ૧૯-૧૨-૨૦૨૫ના રોજ દાખલ થયો છે. ગુનાની મહત્વની તપાસ પૂરી થઈ ગઈ છે અને હજુ આરોપીની કસ્ટડીની શું જરૂર રહેલી છે તે અંગે આઈઓએ સોગંદનામામાં કશું જણાવ્યું નથી.
કોઈ વ્યક્તિ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે તેટલા કારણ માત્રથી જામીન રદ્દ કરી શકાય નહીં. કૉર્ટે બેઈલ ઈઝ ધ રૂલનો પ્રસ્થાપિત સિધ્ધાંત જણાવીને પ્રી-ટ્રાયલ પનિશમેન્ટ નીવારવાના હેતુથી ઈશાક સમાને શરતી જામીન પર છોડવા હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ઈશાકને ફોજદારી ફરિયાદમાં ફીટ કરાયા બાદ તેના સ્વજનોએ પોલીસની કાર્યવાહીને બદલાની કાર્યવાહી ગણાવી હતી.
કૉર્ટના ચુકાદાના પગલે એલસીબી દ્વારા ચોક્કસ કેસોમાં કરાતી કાર્યવાહી વધુ એકવાર ચર્ચાના એરણે ચઢી છે.
મનફાવે તેમ લોકોને ગમે તે ફરિયાદમાં ફીટ કરી દેતી પોલીસની કામગીરી સામે કૉર્ટનો આ હુકમ નિર્દોષ લોકો અને પોલીસના અત્યાચારો સામે અવાજ ઉઠાવતાં લોકો માટે મહત્વપૂર્ણ છે.
Share it on
|