કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના દાનેશ્વર મહાદેવ મંદિર ખાતે અદાણી પોર્ટ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહના આજે છઠ્ઠા દિવસે વિવિધ ગામોમાંથી હજારો લોકો ઉમટી પડ્યાં હતા. વ્યાસપીઠ પરથી આજે કથાવક્તા કશ્યપભાઈ જોશીએ ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું હતું અને પ્રભુભક્તિ તથા પિતૃભક્તિનું મહત્વ સમજાવીને વૃધ્ધ માતા-પિતાની સેવા એ જ સૌથી મોટું તીર્થ હોવાનો સંદેશ આપ્યો હતો.
કંપની અને લોકો વચ્ચે અનોખો જનસંપર્ક સ્થપાયો
કથામાં ઉપસ્થિત અદાણી ફાઉન્ડેશનના ડિરેક્ટર વી.એસ. ગઢવીએ ટૂંકા પ્રવચનમાં જણાવ્યું હતું કે આટલા મહાકાર્યનું આયોજન માત્ર કંપની દ્વારા જ નહીં પરંતુ આસપાસના જનસમુદાયના સહભાગીતાથી શક્ય બન્યું છે. આ આયોજનથી કંપની અને લોકો વચ્ચે અનોખો જનસંપર્ક સ્થાપિત થયો છે અને લોકો તરફથી વ્યાપક સરાહના મળી છે.
વિવિધ ગામના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને વિવિધ સંગઠનોના પ્રમુખોએ કશ્યપભાઈ જોશી, રક્ષિતભાઈ શાહ અને શ્રીમતી અમીબેન શાહનું સન્માન કર્યું હતું.
આજે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, લોકગાયક નિલેશ ગઢવી, મુંદરા મામલતદાર કે.એસ. ગોંદિયા, મુંદરાના ટીડીઓ અનિલ ત્રિવેદી, મુંદરા પીઆઈ આર. જે. ઠુમ્મર, દિલીપદાદા (મોરજર), દિનેશગીરી બાપુ (કોટેશ્વર), સુરેશદાસજી મહારાજ (વિરાણી), મુકુલદાસજી મહારાજ (બીબર) સહિતના મહાનુભાવો અને સંતો મહાત્માઓ જોડાયાં હતા.
ગોવર્ધન પૂજા નિમિત્તે અન્નકૂટ ધરાવાયો
ગુરુવારે કથાના પાંચમા દિવસે ગોવર્ધન પૂજા નિમિત્તે ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો. આ પ્રસંગે મોગલધામના બાપુ, આઈશ્રી આશામા, મૃદુલાબા (ગણેશ રતાડિયાવાળા) સહિતના સંતો હાજર રહ્યાં હતા.
મોગલ ધામના બાપુએ અદાણી કંપની કચ્છમાં લાખો લોકોને રોજગાર આપે છે, ગાયોને ઘાસચારો પૂરો પાડે છે તેમ જણાવી આશીર્વાદ આપતાં કંપની હજુ વધુ પ્રગતિ કરે અને આ રીતે કચ્છના લોકોની સેવા કરતી રહે.
આ પ્રસંગે ઝરપરાના વીર શહીદ માણશી ગઢવીના માતા સુમાબાઈ રાજદે ગઢવીનું અમીબેન રક્ષિતભાઈ શાહે વિશેષ સન્માન કર્યું હતું. કથામાં રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ બોર્ડર રેન્જના આઈ.જી. ચિરાગભાઈ કોરડીયા, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા (નલિયા), જાણીતા લોકગાયક હરિભાઈ ગઢવી (મોટા ભાડીયા), કચ્છ ચારણ સમાજના અગ્રણી વિજયભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
‘લાલો’ ટીમની હાજરીમાં લાલાનો જન્મોત્સવ ઉજવાયો
ભાગવત સપ્તાહના ચોથા દિવસે દસ હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખાસ કરીને લાલો મૂવીની ટીમની હાજરીએ સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું. લોકગાયક કીર્તિદાન ગઢવી અને ભજનિક દેવરાજભાઈ ગઢવી (નાના ડેરા)ના કંઠે કથામાં જમાવટ કરી હતી. જાણીતા હાસ્ય કલાકાર પીયૂષ મારાજે ધાર્મિક વાર્તાઓને હાસ્યના માધ્યમથી રજૂ કરીને કાર્યક્રમને મનોરંજક બનાવ્યો હતો.
Share it on
|