કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ફાટી નીકળવાના ભણકારાં વચ્ચે આજે વહેલી પરોઢે છ વાગ્યાના અરસામાં ખાવડા નજીક કોટડા ગામ પાસે એક ભેદી ડ્રોન હાઈટેન્શન વીજ લાઈન સાથે ટકરાઈને તૂટી પડ્યું છે. વીજ પ્રવાહના સંપર્કમાં આવતાં જ આ ડ્રોન ભારે ધડાકા સાથે આગનો ગોળો બનીને તૂટી પડ્યું હતું અને તેના મેટલ પાર્ટસ પણ પીગળી (મેલ્ટ) ગયાં હતાં. કોટડા પાસે રીન્યુએબલ એનર્જી પાર્ક પાસે આ બનાવ બન્યો હતો.
ઘટના અંગે જાણકારી મળતાં બોર્ડર સિક્યોરીટી ફોર્સ, ઈન્ડિયન એરફોર્સ, પોલીસ સહિતની એજન્સીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને એરફોર્સે તૂટી પડેલાં પાર્ટસનો કબજો મેળવીને તપાસ શરૂ કરી છે.
આ ડ્રોન ભારતનું છે કે પાકિસ્તાનનું? વીજ લાઈન સાથે અકસ્માતે ટકરાઈને તૂટી પડ્યું કે તેને તોડી પડાયું? સહિતના મુદ્દે જવાબદાર સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઈ જ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી.
જે સ્થળેથી આ ડ્રોન મળ્યું તે આંતરરાષ્ટ્રીય સીમાથી દૂર છે. હાલ બોર્ડર પર સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ભારતીય હવાઈ સીમાની અંદર પાકિસ્તાનનું ચકલું પણ ફરકે તો એજન્સીઓની નજરે તુરંત ચઢી જાય છે અને એજન્સીઓ હરકતમાં આવી જાય છે.
આવા માહોલમાં વ્યૂહાત્મક કારણોસર ઘણીવાર એજન્સીઓ સત્તાવાર માહિતી જાહેર કરવાનું ટાળતી હોય છે.
ઉલ્લેખનીય છે કે ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કર્યાની પરોઢે અબડાસાના નુંધાતડ નજીક આ જ રીતે એક સંદિગ્ધ ડ્રોન તૂટી પડ્યું હતું. આ ડ્રોન કોનું હતું અને કેવી રીતે તૂટી પડેલું તે અંગે આજ દિન સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી.
Share it on
|