click here to go to advertiser's link
Visitors :  
24-Feb-2026, Tuesday
Home -> Kutch -> SMC seizes 1 crore worth of liquor from truck equipped with fake plates and CCTV
Monday, 23-Feb-2026 - Bhachau 1512 views
ભચાઉઃ વોંધમાંથી SMCએ નકલી નંબર અને CCTVથી સજ્જ ટ્રકમાંથી ૧ કરોડનો શરાબ ઝડપ્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાતમાં ગમે ત્યાં ચાલતી દારૂ જુગારની બદી પર સીધી રેઈડ કરવાની સત્તા ધરાવતા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ભચાઉના વોંધની સીમમાંથી વધુ એકવાર ૧ કરોડનો ઈંગ્લિશ શરાબ ઝડપાતાં કચ્છ પોલીસમાં સન્નાટો વ્યાપી ગયો છે. ૧૫ ફેબ્રુઆરીએ અંજારના વરસાણામાંથી બે કરોડનો અને ૨૦ ફેબ્રુઆરીએ પધ્ધર નજીક વડવાળા ગામેથી ૪ કરોડનો ઈંગ્લિશ શરાબ જપ્ત કરનાર SMCએ નવ દિવસની અંદર ત્રીજી ક્વૉલિટી રેઈડ કરી છે. જેથી પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસના અધિકારી કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયાં છે.
બે કિ.મી. સુધી પગપાળા ચાલી રેઈડ કરી

ગત મધરાત્રે ભચાઉના વોંધ ગામની સીમમાં આવેલા તળાવ નજીક પડતર જગ્યામાં કન્ટેઈનર ટ્રકમાંથી ઈંગ્લિશનું કટીંગ થતું હતું તે ટાંકણે મધરાત્રે SMC ત્રાટકી હતી. રણવિસ્તારમાં પોલીસ  વાહન જઈ શકે તેમ ના હોઈ SMCની ટીમ બે કિલોમીટર સુધી પગપાળા ચાલીને સ્થળ પર પહોંચી હતી. પોલીસને આવતી જોઈ માલનું કટીંગ કરી રહેલા મજૂરો અને બૂટલેગરો અંધારમાં છુમંતર થઈ ગયાં હતા.

કચ્છ પાસિંગની નકલી નંબર પ્લેટ લગાડાયેલી

કન્ટેઈનર ટ્રકમાં લાગેલી નંબર પ્લેટ પર GJ-12 BV-8573 નંબર લખેલાં હતા. ડ્રાઈવર કેબિનની તપાસ કરતા તેમાંથી MP-09 HH-4298 નંબરની બીજી બે નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસે ટ્રકના એન્જિન નંબર અને ચેસિસ નંબરના આધારે ખરાઈ કરતાં આ ટ્રકના અસલી નંબર MP-09 HH-4298 હોવાનું સ્પષ્ટ થયેલું. અર્થાત્, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કચ્છ પાસિંગની ખોટી નંબર પ્લેટ લગાડાઈ હતી.

કેબિનમાંથી વાઈ ફાઈ રાઉટર અને ડીવીઆર મળ્યું

ટ્રકની કેબિનમાંથી SMCને એક વાઈ ફાઈ રાઉટર અને સીસીટીવી કેમેરાના ફૂટેજ રેકોર્ડ કરતું ડીવીઆર મળી આવ્યું હતું. સીસીટીવી કેમેરા ડ્રાઈવર કેબિનના દરવાજાની ઉપર ફીટ કરાયેલો હતો.

ટ્રક માટીમાં ખૂંપી જતાં લોડરથી બહાર કઢાઈ

કન્ટેઈનર ટ્રકમાં ૪.૫૦ લાખની કિંમતની સોયાબીનની ૨૫૦ ગુણીઓની આડમાં ભારતીય બનાવટની જુદી જુદી ત્રણ બ્રાન્ડની વ્હિસ્કીની ૭ હજાર ૮૦ બોટલ ભરેલી પેટીઓ મળી આવી હતી. આ વ્હિસ્કી પંજાબના મોહાલી અને ભટિંડાની ડિસ્ટલરીઝની છે. ટ્રકને ભચાઉ પોલીસ સ્ટેશન લઈ આવતી વખતે તે માટીમાં ખૂંપી જતા લોડરની મદદથી બહાર કઢાઈ હતી.

લિસ્ટેડ બૂટલેગર અશોક ઊર્ફે મામાએ માલ મગાવેલો

દારૂનો જથ્થો ભચાઉના રીઢા બૂટલેગર અશોકસિંહ ઊર્ફે મામા બાલુભા જાડેજા, અર્જુનસિંહ અશોકસિંહ જાડેજા, અશોકના ભત્રીજા ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા અને શિવમસિંહ જાડેજાએ મગાવ્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. ટ્રકના ચાલક, માલિક અને શરાબ મોકલનાર અજાણ્યા શખ્સોને પણ આરોપી તરીકે દર્શાવાયાં છે. અશોક ઊર્ફે મામા અને તેના બેઉ ભત્રીજા પૂર્વ કચ્છના લિસ્ટેડ બૂટલેગરો છે.

ગંભીર બીમારીનું કારણ આપી અશોક જામીન મેળવી લે છે

અશોક ઊર્ફે મામા દર વખતે એક ખાસ ગંભીર બીમારીનું કારણ રજૂ કરીને કૉર્ટોમાંથી જામીન મેળવી લે છે. જામીન પર છૂટ્યાં બાદ ફરી ફરીને કરોડોનો શરાબ કચ્છમાં મગાવે છે.

પૂર્વ કચ્છમાં અશોકના દારૂનું અત્યંત સંગઠિત નેટવર્ક ચાલતું હોવાનું ભૂતકાળના દરોડાઓથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અશોક પર કરોડોના શરાબના સંખ્યાબંધ ગુના નોંધાયેલાં છે.

અશોક અને તેના ભત્રીજાઓના શરાબ નેટવર્કના લીધે ભૂતકાળમાં અનેક વખત ભચાઉ અને ક્યારેક લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ, પીએસઆઈઓને સસ્પેન્શન કે સાઈડ પોસ્ટિંગમાં ટ્રાન્સફર થવાનો વારો આવેલો છે. આજે પણ અશોકનો માલ ઝડપાયાં બાદ પૂર્વ કચ્છ એસપીએ ભચાઉના પીઆઈ, પીએસઆઈ તથા એલસીબીના પીઆઈ સહિત ૧૫ પોલીસ ઈન્સપેક્ટર અને ૪ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની જિલ્લામાં આંતરિક ફેરબદલ કરી છે.

તરત શિક્ષાત્મક પગલાંથી પોલીસ બેડાના મોરલ પર અસર

પધ્ધર પોલીસ સ્ટેશનની હદમાંથી ચાર કરોડનો વિક્રમી દારૂનો જથ્થો ઝડપાવાના તેમજ તેના પગલે પધ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિતના મહત્વના સ્ટાફ સામે સસ્પેન્સન અને બદલીની કરાયેલી કડક કાર્યવાહીના પ્રત્યાઘાતો હજુ શમ્યાં નથી ત્યાં ત્રણ દિવસની અંદર SMCએ ભચાઉમાં કરેલી રેઈડથી કચ્છના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય રીતે, સ્ટેટ મોનિટરીંગ સેલની રેઈડ પડે એટલે સંબંધિત પોલીસ સ્ટેશનની બૂટલેગરો સાથેની મિલિભગત અથવા બેદરકારી સામે અંગુલિનિર્દેશ થતો હોય છે.

છેલ્લાં ઘણાં સમયથી જે રીતે કચ્છમાં SMCના દરોડા પડી રહ્યાં છે તેમાં જાણકારોને ટાર્ગેટેડ રેઈડની પણ ગંધ આવી રહી છે. પોલીસ ખાતાંના જ અમુક જાણકારો અનુમાન અને આશંકા વ્યક્ત કરે છે કે જો SMC જેવી એજન્સીને ટ્રકના નંબર, ટાઈમ અને કટીંગના સ્થળ સહિતની બાતમી મળતી હોય તો આ ટ્રકો કચ્છ પહોંચે તે પહેલાં ગુજરાતની બોર્ડર પર જ કેમ પકડાઈ જતી નથી?

પંજાબ હરિયાણાની કેટલીક ડિસ્ટલરીઝવાળા પણ ‘સામ દામ દંડ ભેદ’ના કારણે માલ લઈને ગુજરાત જતી ટ્રકોની વિગતો લીક કરી દેતાં હોય છે.

દારૂ પકડાવતાં બાતમીદારો પણ લાખોમાં બક્ષિસ મેળવાવા માટે મજૂરો મારફતે ટ્રકમાં યુક્તિપૂર્વક જીપીએસ ટ્રેકર ફીટ કરીને તેના ટ્રેકિંગની માહિતી એજન્સીઓને મોકલી દેતાં હોય છે.

પોલીસ ખાતાંના જ અમુક અનુભવીઓનું કથન છે કે પોલીસ કાંઈ ભગવાન નથી. કચ્છ પોલીસે પણ વિવિધ દરોડાઓમાં ૮૦ કરોડનો શરાબ ઝડપેલો છે. 

ઓછાં સ્ટાફ અને કામગીરીના અત્યંત ભારણ વચ્ચે આવા દરોડાના પગલે તત્કાળ અસરથી શિક્ષાત્મક પગલાં લેવાતાં હોય ત્યારે નિષ્ઠાવાન અને પ્રામાણિક પોલીસ અધિકારી અને કર્મચારીઓના મોરલ ડાઉન થતાં હોય છે.

SMCના દરોડા બાદ સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સામે તરત કડક એક્શન લેવાના બદલે સ્થાનિક સ્તરે પુરતી તપાસ કરાયાં બાદ જેની બેદરકારી અથવા મિલિભગત સ્પષ્ટ થાય તેમની સામે કડક એક્શન લેવાય તો તે વધુ ન્યાયોચિત ગણાય તેવી લાગણી પણ કેટલાંક નિષ્ઠાવાન પોલીસકર્મીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

SMCના અનેક દરોડાઓ બાદ પણ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના વિવાદાસ્પદ પીએસઆઈ હિતેશ જેઠીનો વાળ વાંક થયો નથી જ્યારે જેઠી પછી આવેલા અન્ય નિષ્ઠાવાન અધિકારીઓના જે રીતે તપેલાં ચઢી ગયાં છે તે બાબત પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેધારી નીતિ દર્શાવી રહી છે. 
Share it on
   

Recent News  
અનુસૂચિત જાતિની કિશોરીના અપહરણ દુષ્કર્મ કેસમાં યુવકને ૨૦ વર્ષની સખ્ત કેદ
 
ગાંધીધામની મહાદેવ હોટેલમાં પ્રેમીએ ગળું દબાવી પ્રેમિકાની હત્યા કરી નાખી
 
દળી દળીને ઢાંકણીમાં! પશ્ચિમ કચ્છ LCBમાં વિવાદાસ્પદ PSI જેઠીની એન્ટ્રી!!