click here to go to advertiser's link
Visitors :  
24-Aug-2026, Monday
Home -> Bhuj -> Chandipura Virus Claims First Death in Kutch Be Alert From Outbreak
Monday, 24-Aug-2026 - Bhuj 2826 views
કચ્છમાં ચાંદીપુરા વાયરસનો પહેલો કેસઃ ૬ વર્ષના બાળકના મોત બાદ રિપોર્ટ આવ્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ બાળકો માટે અત્યંત ઘાતક ગણાતાં ચાંદીપુરા વાયરસથી કચ્છમાં આ વર્ષે પ્રથમ મોત નોંધાયું છે. ઘટનાના પગલે આરોગ્ય તંત્રએ દોડધામ કરીને વાયરસના ફેલાવા સામે અટકાયતી પગલાં લેવા સાથે સર્વેલન્સ વધારી દીધું છે. જિલ્લા આરોગ્ય અધિકારી મીતેશ ભંડેરીએ જણાવ્યું કે ગત અઠવાડિયે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સખત તાવ સાથે ગંભીર હાલતમાં અંજાર નજીક વાડીવિસ્તારમાં રહેતા ૬ વર્ષના બાળકને સારવાર માટે દાખલ કરાયો હતો.

ગોધરાના શ્રમિક આદિવાસી યુગલનો આ બાળક પરિવાર સાથે વાડીમાં બનેલી ઝૂંપડીમાં રહેતો હતો. હોસ્પિટલમાંથી સેમ્પલ લઈને અમદાવાદ મોકલાયું હતું. જો કે, સેમ્પલનો રિપોર્ટ આવે તે પહેલાં બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. શુક્રવારે સવારે આ સેમ્પલનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

શું છે ચાંદીપુરા વાયરસ? કેવી રીતે ફેલાય છે?

૧૯૬૫માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં પહેલી વખત બે વયસ્ક લોકોમાં આ વાયરસની અસર જોવા મળેલી. જેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડી ગયું છે. આ વાયરસની કોઈ સચોટ વેક્સિન નથી શોધાઈ. ગામડાંઓમાં અને અસ્વચ્છ વિસ્તારોમાં લીંપણના પોપડાંઓ અથવા કાચાં મકાનોની માટીની તીરાડોમાં ઈંડા મૂકતી સેન્ડફ્લાય નામની માખીથી આ રોગ થાય છે. ખાસ કરીને, ચોમાસાં અને ચોમાસાં બાદ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં ચાંદીપુરાનો આઉટબ્રેક સવિશેષ જોવા મળે છે.

સખત તાવ સાથે માથાનો દુઃખાવો, ખેંચ જોવા મળે

મોટાભાગે નાનાં બાળકોથી લઈ ૧૫ વર્ષ સુધીના બાળકો આ રોગનો શિકાર ઝડપથી થાય છે. અસરગ્રસ્ત બાળકોમાં હાઈગ્રેડ ફિવર સાથે માથાનો સખત દુઃખાવો, ઊલટી થવા સાથે મગજમાં સોજો (બ્રેઈન એન્સેફેલાઈટીસ) ચડવા માંડે છે. જેના લીધે બાળકને ખેંચ પણ આવે છે. તબીબી પરિભાષામાં આ પરિસ્થિતિને એક્યુટ એન્સેફેલાઈટીસ સિન્ડ્રોમ એઈએસ કહે છે.

કચ્છમાં ૯ સેમ્પલમાંથી ૭ના રિપોર્ટ નેગેટિવ

કચ્છમાં વર્તમાન વર્ષે અત્યારસુધીમાં કુલ ૯ બાળકોના સેમ્પલ લેવાયાં છે જેમાંથી ૭ બાળકના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે, ૧ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને ૧ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. જિલ્લા આરોગ્ય તંત્રએ તપાસ હાથ ધરતાં મૃત બાળકનો પરિવાર ગોધરા પરત જતો રહ્યો હોઈ ત્યાંના આરોગ્ય તંત્રને પણ જરૂરી પગલાં લેવા જાણ કરાઈ છે.

Share it on
   

Recent News  
મહેમાન બનીને આવેલા સગાં ભાઈએ જ બહેનની સાસરીમાંથી ૫.૬૪ લાખના ઘરેણાંની ચોરી કરેલી!
 
પાકિસ્તાની ખજૂર આયાત કરનાર મારવાડી યુવા મંચના ઉપ પ્રમુખની જામીન અરજી રીજેક્ટ
 
નિયત સમયમાં ચાર્જશીટ દાખલ ના થતાં કૉર્ટે ૪ આરોપીને ડિફોલ્ટ બેઈલ પર છોડી મૂક્યાં!