કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છમાં ઠેર ઠેર ઈંગ્લિશ શરાબના બિન્ધાસ્ત થઈ રહેલા વેચાણનો વઢવાણમાં SMCની રેઈડમાં પર્દાફાશ થયા બાદ હવે SMCની જ અન્ય એક ટીમે માંડવીના ત્રગડીમાં દરોડો પાડી ૮૩.૭૮ લાખનો શરાબ પકડ્યો છે. SMCની ટીમ આજે સવારે કટિંગ ટાણે જ ત્રાટકતાં વિવિધ કારમાં માલ ભરી આપનારાં, ભરવા આવનારાં બૂટલેગરો દારૂ ભરેલી મોંઘેરી ગાડીઓ, મોબાઈલ વગેરે સ્થળ પર મૂકીને નાસી ગયાં હતાં.
પોલીસે સ્થળ પરથી કીયા, બલેનો, બોલેરો સહિતની છ કાર અને એક એક્સેસ મોપેડ કબજે કરી કુલ ૧ કરોડ ૨૧ લાખ ૫૪ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ૧૬ લોકો સામે માંડવી મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
રીઢો બૂટલેગર યુવરાજ મુખ્ય સૂત્રધાર
માંડવીના ત્રગડીમાં રહેતો રીઢો લિસ્ટેડ બૂટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા તેના સાગરીત દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા, રોહિતસિંહ કેશુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા વગેરે સાથે મળી અન્ય રાજ્યોમાંથી મોટાં વાહનોમાં દારૂનો જથ્થો મગાવી, સ્થાનિકે છૂટક બૂટલેગરોને તેનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. પટેલ તેમની ટીમ સાથે ત્રગડીમાં બરાબર દારૂના કટિંગ ટાણે દરોડો પાડ્યો હતો.
SMCને જોઈ ગાડીઓમાં માલ ભરી રહેલાં બૂટલેગરો નાસી છૂટ્યાં હતાં.
SMCએ રોહિતસિંહ જાડેજા અને મેહુલસિંહ ચંદુભા ઝાલાના રહેણાંક મકાનો, મકાનો સામે આવેલી સોસાયટી તેમજ વાહનોમાંથી ૮૩.૭૮ લાખના શરાબ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે.
૧ કરોડ ૨૧ લાખનો મુદ્દામાલ જપ્તઃ ૧૬ પર FIR
SMCએ સ્થળ પરથી દારૂ ભરેલી કીયા કાર (GJ-13 CA-4761), બલેનો કાર (GJ-12 FE-3743), અશોક લેલેન્ડ ગાડી (GJ-39 T-6295), બે મહિન્દ્ર બોલેરો કાર (GJ-07 TU-0133 અને GJ-12 BX-8792), મહિન્દ્રા પીક અપ (GJ-12 BW-7841), એક્સેસ મોપેડ (GJ-12 HD-3002) મળી ૩૭.૫૦ લાખના મૂલ્યના વાહનો, સ્થળ પરથી મળી આવેલા ૨૫ હજાર ૫૦૦ની કિંમતના ચાર મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૧ કરોડ ૨૧ લાખ ૫૪ હજાર ૨૨૯ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. SMCએ યુવરાજ અને તેના સાગરીતો સાથે જપ્ત થયેલાં મળી વાહનોના માલિકો યા ડ્રાઈવરો, દારૂનો જથ્થો મોકલનાર વગેરે મળી નાસી ગયેલાં ૧૬ લોકો સામે માંડવી મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
કોઈના તપેલાં ચઢશે કે પછી કુલડીમાં ગોળ ભંગાઈ જશે?
SMCએ ગણતરીના કલાકોમાં વઢવાણ અને ત્રગડીમાં દરોડા પાડી લાખ્ખો કરોડોનો શરાબ ઝડપી સાબિત કર્યું છે કે પશ્ચિમ કચ્છમાં બેફામ રીતે ઈંગ્લિશનો કારોબાર ધમધમી રહ્યો છે. દર થોડાં દિવસે સોશિયલ મીડિયા પર દારૂના વેચાણની વીડિયો ક્લિપ વાયરલ થાય છે અથવા સમાચાર માધ્યોમાં જનતા રેઈડના કે પોલીસને દારૂના ધંધા બંધ કરાવવાના લોકો આવેદન પત્ર આપતાં હોય તેવા સમાચારો છાશવારે પ્રગટ થાય છે.
સ્થાનિકે રહેલા જવાબદાર અધિકારીઓ કે જેનું કામ આવી બદી રોકવાનું છે તે જ જાણે આંખો મીંચીને બેઠાં હોય તેવો ઘાટ છે. જો કે, હવે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તર સુધી પશ્ચિમ કચ્છમાં ચાલતાં ગોરખધંધાની વિગતો પહોંચતા SMC એક્ટિવ થઈ ગઈ છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અગાઉ પણ ભુજમાંથી સટ્ટાખોરી સહિતની બદીઓનો પર્દાફાશ થયેલો છે. પરંતુ, ત્યારબાદ જેની જવાબદારી બનતી હોય તેવા સંબંધિત પોલીસ મથકના થાણાં ઈન્ચાર્જ સામે જાણે કોઈ એક્શન લેવાતાં નથી. તમામ સ્તરેથી ‘મીઠી નજર’ હોય તો જ આ રીતે દારૂની બેફામ રેલમછેલ થતી રહે. હવે આ ગંભીર કિસ્સાઓમાં જવાબદાર બ્રાન્ચો અને થાણાં ઈન્ચાર્જ સામે કોઈ કડક એક્શન લેવાય છે કે કેમ તે જોવું રહ્યું.
Share it on
|