કચ્છખબરડૉટકોમ, ભુજઃ રાપરના વલ્લભપરમાં ઘર પાસેથી ટ્રેક્ટર હંકારવા બાબતે બે કૌટુંબિક ભાઈઓનો પરિવાર બાખડ્યો હતો. જેમાં બેઉ પક્ષે પોતાને ધોકા અને ગડદાપાટુથી માર મારવા સાથે પીઠ પાછળ મહિલાઓએ બચકાં ભર્યાં હોવાની સામસામી ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે સાંજે સાડા પાંચના અરસામાં થયેલાં ડખ્ખા અંગે અમરશી કોલીએ રાણા રામા કોલી, ગલાલબેન રામા કોલી, દશરથ રાણા કોલી અને મીનાબેન દશરથ કોલી સામે ફરિયાદ નોંધાવી હતી. તો સામે દશરથ કોલીએ અમરશી અને તેની પત્ની ભાવના વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. વાડીમાં ફોન ચાર્જ કરવા જતાં ત્રિપુટીએ માલધારીને લમધાર્યો
અંજારના અજાપરના માલધારી યુવકને મોબાઈલ ફોન ચાર્જિંગ કરવા જતાં સતાપરના ત્રણ જણે ગડદા-પાટુ સાથે પાઈપ ફટકારીને લમધારી નાખ્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ફરિયાદી રાજેશ નાગજી રબારી શનિવારે સાંજે ઘેટાં બકરાં ચરાવતાં ચરાવતાં સતાપરના સીમાડે પહોંચ્યો હતો. અંધારું થઈ ગયું હતું અને તેના મોબાઈલ ફોનની બેટરી ‘ઉતરી’ જતાં ફોન સ્વિચઑફ્ફ થઈ ગયો હતો. ઘેટાં-બકરાં મજૂરને સાચવવાનું કહી તે નજીકમાં એક વાડીમાં ફોન ચાર્જ કરવાના હેતુથી ગયો હતો. જો કે, રાજેશને જોઈ વાડીમાં બેઠેલાં ત્રણ જણ પૈકી એક જણે તેને ધમકાવતાં કહ્યું હતું કે ‘કોને પૂછીને તું મારી વાડીમાં આવ્યો છે?’ ત્યારબાદ વાત વધી પડી હતી અને ત્રણે આરોપી રાજેશને માર મારવા માંડ્યા હતા. એક જણે તેને પાઈપથી ફટકાર્યો હતો અને બાકીના બે જણે મુક્કા-લાતો માર્યાં હતા. હુમલામાં રાજેશને હાથના પંજા અને પીઠમાં ફ્રેક્રચર થઈ ગયું હતું અને માથામાં ચાર ટાંકા આવ્યાં હતા. ઘટના અંગે રાજેશે અશોક ઊર્ફે ત્રિપુટી સામત, મુકેશ રાણા આહીર અને અશોક ઊર્ફે ગજુ શામજી આહીર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
ચાના પૈસા માંગવા મુદ્દે સ્ટોલધારકને બે જણે માર્યો
માંડવીના ભીડ ચોકમાં ચાના પૈસા માંગવા મુદ્દે ડખ્ખો થતાં બે જણે ટી સ્ટોલ ધારકને માર માર્યો હતો. ફરિયાદી મહેન્દ્ર સાધુએ જણાવ્યું કે તેમની ચાની હોટેલ પાસે આવેલી ફાસ્ટફૂડની દુકાનમાં આરોપી ફૈઝાન ભટ્ટી અને ફરહાન ભટ્ટી કામ કરે છે. ગઈકાલે તેમણે ચા પીધાં બાદ તેમનો માણસ અશોક માલમ તેમની પાસે ચાના પૈસા માંગવા ગયો ત્યારે ‘વારેવાર શું કામ ચાના પૈસા માગવા આવે છે?’ તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મહેન્દ્ર સાધુને બેઉ જણે મુઢ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
Share it on
|