કચ્છખબરડૉટકોમ, ભુજઃ માથાભારે અને અસામાજિક લોકોએ કરેલાં ગેરકાયદે દબાણો સામે કચ્છમાં પોલીસ અને વહીવટી તંત્રએ છેડેલી ઝુંબેશ આજે પણ યથાવત્ રહી છે. લાકડીયા પોલીસે શિવલખાના બે રીઢા બંધુએ ગેરકાયદે ચણી નાખેલી હાઈવે હોટેલને તોડી પાડી છે. બીજી તરફ, વહીવટી તંત્રએ મુંદરાના સમાઘોઘામાં સરકારી જમીન પર ખડાં કરી દેવાયેલાં ૧૧ ગેરકાયદે કૉમર્સિયલ દબાણો દૂર કરીને ૬.૫૯ લાખના મૂલ્યની ૬૪૦ ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરી છે.
લાકડીયા પોલીસે આજે સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે પર ભચાઉ તાલુકાના શિવલખા ગામની હદમાં હાઈવે પર ગેરકાયદે બનેલી તુલસી હોટેલ પર બુલડોઝર ફેરવી નાખ્યું છે. અનિલસિંહ અમરસિંહ જાડેજા અને તેના ભાઈ જયેન્દ્રસિંહ જાડેજાએ સરકારી જમીન પર ગેરકાયદે રીતે હોટેલનું નિર્માણ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે શિવલખા ગામના આ બેઉ ભાઈઓ સામે મર્ડર, મારામારી, લેન્ડગ્રેબિંગ સહિતના વિવિધ છથી વધુ ગુનાઓ નોંધાયેલાં છે.
મુંદારાના સમાઘોઘામાં ૧૧ કૉમર્સિયલ દબાણો દૂર કરાયાં
મુંદરાના સમાઘોઘામાં સર્વે નંબર ૩૬૯ પૈકીની સરકારી જમીન પર વર્ષોથી કરી દેવાયેલાં ૧૧ ગેરકાયદે કૉમર્સિયલ દબાણો દૂર કરીને વહીવટી તંત્રએ ૬.૫૯ લાખના મૂલ્યની ૬૪૦ ચોરસ મીટર જમીન ખૂલ્લી કરી છે. આ જમીન પર ચણી દેવાયેલી એક હોટેલ, એક બ્લોક ફેક્ટરી અને એક પતરાંનો શેડ, બે દુકાનો અને છ ઓરડીઓ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. મુંદરા પ્રાંત અધિકારી બી.એચ. ઝાલાના માર્ગદર્શનમાં મુંદરા મામલતદાર, સર્કલ ઑફિસર, પીજીવીસીએલ અને પોલીસ સહિતના સરકારી અધિકારીઓ વિભાગોએ સંયુક્ત સંકલન કરીને આજે આ દબાણો દૂર કર્યાં હતા.
Share it on
|