કચ્છખબરડૉટકોમ, ભુજઃ પહેલગામ આતંકી હુમલાને પખવાડિયું થવા આવ્યું પરંતુ હુમલો કરનારાં આતંકવાદીઓ હજુ પકડાયાં નથી. આ હુમલાના પગલે ભારત પાકિસ્તાન વચ્ચે વધુ એકવાર યુધ્ધ થવાની શક્યતાઓ ઘેરી બની છે. બંને દેશો વચ્ચે અત્યંત તણાવપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દેશના વિવિધ સીમાવર્તી રાજ્યોના ૨૪૪ જિલ્લાની જનતામાં યુધ્ધ સંદર્ભેની સલામતીની સજ્જતા કેળવવાને હેતુસર મૉક ડ્રીલનું આયોજન કર્યું છે. પાકિસ્તાનને અડીને આવેલા કચ્છ સહિત ગુજરાતના વિવિધ જિલ્લામાં આવતીકાલ બુધવારે મૉક ડ્રીલનું આયોજન કરાયું છે.
કચ્છમાં ત્રણ સ્થળે યોજાશે મૉક ડ્રીલ
કચ્છમાં પણ આવતીકાલે સાંજે ચારથી રાત્રિના આઠના ચાર કલાક દરમિયાન ભુજ, ગાંધીધામ અને નલિયા એમ ત્રણ સ્થળે મૉક ડ્રીલ યોજાશે. ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ગાંધીધામમાં કંડલા પોર્ટ અને નલિયામાં રાજપૂત સમાજવાડીએ મૉક ડ્રીલ યોજાશે.
યુધ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મૉક ડ્રીલ એક મહત્વપૂર્ણ રીત છે. જેથી લોકોને યુધ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે તે બાબતે માહિતી માર્ગદર્શન મળી રહે.
ગૃહ વિભાગના નિર્દેશ મુજબ મૉક ડ્રીલમાં વિવિધ સરકારી વિભાગોના કર્મચારી અધિકારીઓ, સિવિલ ડિફેન્સ વૉર્ડન્સ અને વોલન્ટિયર્સ, હોમ ગાર્ડઝ, એનસીસી, એનએસએસ અને એનવાયકેએસના સ્વંયસેવકો, શાળા કૉલેજના છાત્રો જોડાશે.
રાત્રે અડધો કલાક અંધારપટ રાખવા તંત્રનો અનુરોધ
મૉક ડ્રીલ અંતર્ગત કાલે સાંજે ૭.૩૦થી ૮ વાગ્યા દરમિયાન ક્રેશ બ્લેકઆઉટ (અંધારપટ) કરવામાં આવશે. આ અડધો કલાક દરમિયાન જનતાને પણ પોતાના ઘરની તમામ લાઈટો બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રએ લોકોને સહયોગ આપવા સાથે ખોટી અફવાઓથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે.
મૉક ડ્રીલ અંતર્ગત હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડાતાં હોય છે, નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવા માટે તાલીમ અપાય છે,
શહેરો ગામડાંમાં અંધારપટ કરાવાય છે અને હુમલા સમયે લોકોને પોતાની સલામતી રાખવા માટેની માહિતી માર્ગદર્શન અપાય છે. દુશ્મન દેશોના હવાઈ હુમલાથી બચાવવા માટે મહત્વના સંવેદનશીલ સ્થળોને યુક્તિપૂર્વક છૂપાવાય (કૅમોફ્લેજીંગ) છે.
Share it on
|