કચ્છખબરડૉટકોમ, ભુજઃ તળાવને ઊંડુ કરવાના કામ માટે પંદર હજાર રૂપિયાની લાંચ માગનારા પંચાયત સિંચાઈ વિભાગના રાપરના તત્કાલિન નાયબ કાર્યપાલક ઇજનેર ચંદ્રકાન્ત શંકરદાન ગઢવી સામે ગાંધીધામ એસીબી પોલીસ મથકે લાંચની માંગણીનો ગુનો દાખલ થયો છે. ચંદ્રકાન્ત ગઢવીએ ૨૦૨૧માં લાંચની માંગણી કરેલી. ફરિયાદીએ તે સમયે તેનું રેકોર્ડીંગ કરીને એસીબીમાં રજૂઆત કરતાં એસીબીએ ગઢવીને રંગેહાથ પકડવા છટકું ગોઠવ્યું હતું. જો કે, ગઢવીને ગંધ આવી જતાં છટકા દરમિયાન નાણાં ના સ્વિકારતાં છટકું નિષ્ફળ ગયેલું. નિષ્ફળ ટ્રેપ અંગે ગાંધીનગર એસીબીએ પ્રાથમિક તપાસ કરવાના કરેલા હુકમ બાદ ગાંધીધામ એસીબીએ તપાસ શરૂ કરેલી.
ગઢવીએ લાંચની માગણી અંગે કરેલી હેતુલક્ષી વાતચીતના દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પૂરાવા તથા સાંયોગિક પૂરાવા મળ્યાં હતા.
જેના પગલે એસીબીના નિયામક પીયૂષ પટેલે ગઢવી સામે લાંચની માંગણીનો ગુનો દાખલ કરવા હુકમ કરતાં ગાંધીધામ એસીબી પોલીસ ઈન્સ્પેક્ટર એલ.એસ. ચૌધરીએ આજે ગાંધીધામ એસીબી પોલીસ મથકે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭ હેઠળ ચંદ્રકાન્ત ગઢવી વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. એસીબી બોર્ડર એકમ, ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શનમાં પ્રાથમિક તપાસ કરાઈ આજે આ ગુનો દાખલ કરાયો છે. ગઢવી હાલ પાલનપુર ખાતે કાર્યપાલક ઇજનેર (ક્લાસ વન) તરીકે ફરજ બજાવે છે.
ગઢવીએ કચ્છમાં ઘણાં વર્ષો સુધી ફરજ બજાવેલી છે અને તેમની સામે અનેક વખત ભ્રષ્ટાચારના ગંભીર આરોપ થયેલાં છે.
છેલ્લે કચ્છ જિલ્લા પંચાયતમાં કાર્યપાલક ઇજનેર તરીકેની ભારે વિવાદાસ્પદ કામગીરી બાદ પાલનપુર ખાતે બદલી થઈ હતી.
Share it on
|