કચ્છખબરડૉટકોમ, ભુજઃ બોર્ડર રેન્જ RR Cellએ ગત મોડી રાત્રે માંડવી તાલુકાના શેરડી ગામથી વાંઢ તરફ જતાં રસ્તા વચ્ચે સરકારી જમીનમાં સુવ્યવસ્થિત ઢબે ચાલતી બેન્ટોનાઈટની ખનીજચોરીના ષડયંત્રનો પર્દાફાશ કરી 6 આરોપી સાથે પંચાવન લાખની કિંમતના છ જેટલાં નાનાં-મોટાં વાહનો જપ્ત કરી ખનીજચોરો પર સપાટો બોલાવ્યો છે. માંડવી તાલુકાના ગઢશીશા પંથકમાં ભુસ્તરશાસ્ત્રીની કચેરીના અધિકારીઓની મિલિભગતથી છેલ્લાં ઘણાં સમયથી ખનીજચોરીનું દૂષણ વ્યાપક બન્યું હોવાની ફરિયાદો વચ્ચે રેન્જ સ્તરેથી પડેલો આ દરોડો સૂચક ગણાય છે. RR Cellએ ઝડપેલાં આરોપીઓમાં અલુભા નેતશી ગોહીલ (કુરીયાણી, લખપત), આરત રમજુ કોલી (લાખોંદ, ભુજ), શંકર બીજલ રબારી (હરૂડી, લખપત), રઘુવીરસિંહ સતુભા જાડેજા (પુનડી, માંડવી), બાબુ મંગલ સંઘાર (વાંઢ, માંડવી) અને વિક્રમસિંહ ભીમજી રાઠોડ (વાલ્કા, નખત્રાણા)નો સમાવેશ થાય છે. સેલના પીએસઆઈ એ.એસ.રબારી અને એએસઆઈ અબ્દુલ સત્તાર સમેજા, હેડ કોન્સ્ટેબલ દિનેશ ભટ્ટી, નરેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ મજીદભાઈ સમા વગેરે દરોડાની કાર્યવાહીમાં જોડાયાં હતા.
55 લાખની કિંમતના છ નાનાં-મોટાં વાહનો જપ્ત કરાયાં
સ્થળ પરથી પોલીસે 30 લાખની કિંમતનું ટાટા હિટાચી મશીન, ખનીજ ભરેલી ટાટા કંપનીની 10 લાખની બે ટ્રક (નંબર જીજે 12 એવી 8050 અને જીજે 12 એઝેડ 3966), 5 લાખની કિંમતની એક ખાલી ટ્રક (નંબર જીજે 10 એક્સ 6818), સ્થળ પર પડેલી 20 હજારની કિંમતની બે મોટર સાયકલ( નંબર જીજે 12 ડીબી 7212 અને જીજે 12 એએફ 6712) મળી કુલ 55 લાખ 20 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પર પોલીસે બસ્સો-બસ્સો લીટર ડિઝલ ભરેલાં બે બેરલ પણ જપ્ત કર્યાં છે. આરોપીઓ સામે ગઢશીશા પોલીસ મથકે કાયદેસર કાર્યવાહી હાથ ધરાવાઈ આગળની કાર્યવાહી અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરાઈ છે. ખનીજ તંત્ર દ્વારા ખોદાયેલાં ખનીજનો ક્યાસ કાઢવામાં આવશે. સૂત્રોના મતે આંકડો કરોડોમાં પહોંચે તેવો અંદાજ છે.
Share it on
|