|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ નવજાત બાળકી ગુમ થવાના બનાવમાં, ગુનો કબૂલાવવા બાળકીની દાદી અને દાદીના નાના ભાઈને LCB ઑફિસમાં ગોંધીને ઢોર માર માર મારવાના ગુનામાં ગાંધીધામ કૉર્ટે PI સહિત ૪ પોલીસ કર્મચારી સામે ફોજદારી ગુનો નોંધવા હુકમ કર્યો છે. પોલીસ ઈન્વેસ્ટિગેશનની ઘોર નિષ્ફળતાના ઉદાહરણ સમાન ૨૦૧૯ના આ બનાવે કચ્છમાં ભારે ચકચાર સર્જી હતી. જાણો, કેવી રીતે બન્યો હતો બનાવ
૨૪-૦૮-૨૦૧૯ની મધરાત્રે આખું કચ્છ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યું હતું. તે રાત્રે બેથી ત્રણના અરસામાં આદિપુરના વંદના ચોકમાં આવેલી વાત્સલ્ય હોસ્પિટલમાં કાચની પેટીમાં સારવાર હેઠળ રહેલી ૧૩ દિવસની નવજાત બાળકી ભેદી સંજોગોમાં ચોરાઈ ગઈ હતી. બાળકી અધૂરાં મહિને જન્મેલી. મૂળ રાપરના કિડીયાનગરના વતની અને મોરબીની સિરામિક ફેક્ટરીમાં મજૂરીકામ કરતા અનુસૂચિત જાતિના યુગલે દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલી.
મધરાત્રે ત્રણ વાગ્યે બાળકીની દાદી લક્ષ્મીબેન સોલંકીએ કાચની પેટીમાં પૌત્રીને ના જોતાં હોબાળો મચાવેલો.
બનાવ અંગે ૨૫ ઑગસ્ટે બાળકીની માતા ગીતાબેન અરવિંદભાઈ સોલંકીએ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
LCBએ બાળકીની દાદી ભાઈ પર જુલમ ગુજારેલો
બનાવની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સંભાળી હતી. ત્રણ દિવસ સુધી પોલીસને કોઈ ઠોસ કડી મળી નહોતી. ગુનો ઉકેલવા ઘાંઘી બનેલી LCBએ ૨૭ ઑગસ્ટના રોજ બાળકીની દાદી લક્ષ્મીબેન અને લક્ષ્મીબેનના નાના ભાઈ વેરસી રાઠોડને પૂછપરછના બહાને LCB ઑફિસ બોલાવેલાં.
અહીં પૂછપરછના બહાને પોલીસ કર્મચારીઓએ બેઉને કલાકો સુધી ગોંધી રાખી, ગુનો કબૂલ કરાવવા માટે થર્ડ ડિગ્રી ટોર્ચર કરી ઢોર માર માર્યો હતો.
આ અંગે જાણ થતાં સમાજના લોકોએ LCB કચેરીએ દોડી જઈને હોબાળો મચાવ્યો હતો. ઘાયલ લક્ષ્મીબેનને પ્રથમ ૨૪ કલાક માટે આદિપુર રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલાં અને ત્યારબાદ હોસ્પિટલના મેડિકલ ઑફિસર ડૉ. સિંહાએ વધુ સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ મોકલી આપેલાં. બનાવ અંગે વેરસી રાઠોડે ગાંધીધામ જ્યુ. મેજિસ્ટ્રેટ કૉર્ટમાં પોલીસ વિરુધ્ધ ફરિયાદ આપી હતી.
PI સહિત ચાર સામે ફોજદારી નોંધવા હુકમ
ગાંધીધામ કૉર્ટમાં પાંચ વર્ષ અને નવ માસ દરમિયાન આ મામલે બંને પક્ષે થયેલી દલીલો, પુરાવા વગેરેને અનુલક્ષીને ગાંધીધામના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.બી. પરમારે LCBના તત્કાલિન પોલીસ ઈન્સપેક્ટર ડી.વી. રાણા, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પ્રહ્લાદસિંહ મેંદુભા ચુડાસમા, મહિલા કોન્સ્ટેબલ વિમળાબેન ડાભડીયા વિરુધ્ધ ઈપીકો કલમ ૩૨૩, ૧૧૪, ૩૪૨, ૩૪૭, ૩૪૮, ૫૦૬ હેઠળ ગુનો નોંધી તેમને કૉર્ટ સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે ગાંધીધામના એડવોકેટ અજમલ જી. સોલંકીએ હાજર રહી ધારદાર દલીલો કરી હતી. પોલીસ કર્મચારીઓને બચાવવા જે-તે સમયે રામબાગના ડૉક્ટર સિંહાએ પણ ખેલ કરેલો જે બદલ આરોગ્ય વિભાગે તેની સામે કડક કાર્યવાહી કરેલી.
સૌથી દુઃખદ બાબત એ છે કે એ બાળકીનો આજ દિન સુધી કોઈ પત્તો મળ્યો નથી.
Share it on
|