કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની ભાગોળે રતિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં જર્જરિત છતના પોપડાં તૂટીને નીચે ઊભેલાં ત્રણ બાળકો પર પડતાં ત્રણે બાળકો ઘાયલ થયાં છે. આજે સવારે ૧૧.૩૦ના અરસામાં બનાવ બન્યો હતો. ત્રણે બાળકોને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવનારા શાળાના શિક્ષક નીતિન પટેલે જણાવ્યું કે રીસેસ પડતાં બાળકો નાસ્તો કરવા માટે વર્ગખંડની બહાર નીકળ્યાં હતા, તે સમયે એકાએક લૉબીની જર્જરિત છતના પોપડાં તૂટી પડ્યાં હતા.
બનાવમાં ૭ વર્ષની સનાયા લિયાકત ભોરિયા અને કરણ શામજી કોલીને માથામાં તથા ૬ વર્ષના અશ્ફાક હમીદ ઓઢેજાને પગમાં ઈજાઓ થઈ છે. ત્રણે ભૂલકાંનો સામાન્ય ઈજાઓ સાથે આબાદ બચાવ થયો છે. ગુજરાતમાં પ્રાથમિક શાળાઓની કેવી દુર્દશા છે તેનો ચિતાર આ ઘટના આપી રહી છે.
Share it on
|