|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં પ્રાણઘાતક માર્ગ અકસ્માતનો સિલસિલો વધુ એક દિવસ જારી રહ્યો છે. કંડલામાં ટ્રકની ટક્કરે સ્કુટી પર જઈ રહેલાં આધેડ અને ૧૩ વર્ષિય કિશોરના મોત નીપજતાં અરેરાટી છવાઈ ગઈ છે. બીજી તરફ, રતનાલ નજીક સૈયદપર પાટિયા પાસે બાઈક સ્લીપ થતાં ૩૮ વર્ષિય યુવકનું મૃત્યુ નીપજ્યું છે. કંડલામાં ટ્રકની ટક્કરે બે જણના મોત
કંડલામાં ગત રાત્રે આઠ વાગ્યાના અરસામાં ફ્રેન્ડ્સ સૉલ્ટ કંપનીના ગેટ નજીક વળાંક પર પૂરઝડપે જઈ રહેલી સ્કુટીને પાછળથી ટક્કર મારતાં બે જણનાં ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યાં હતા. ૫૬ વર્ષિય નરસિંગ પરિહાર (રહે. રામદેવ પીર ઝૂંપડા, નવા કંડલા મૂળ રહે. પાલી, રાજસ્થાન) સ્કુટી પાછળ ૧૩ વર્ષિય રોહિત પન્નાલાલ યાદવ (રહે. બંગાળી ફળિયું, કંડલા મૂળ રહે. ઉત્તર પ્રદેશ)ને બેસાડીને જતા હતા ત્યારે GJ-12 W-7546 નંબરની ટ્રકે પાછળથી ટક્કર મારી હતી.
જોરદાર ટક્કરથી રોહિત સ્કુટી પરથી ઊછળીને નીચે પડતાં ટ્રકના ટાયર હેઠળ તેનું માથું કચડાઈ ગયું હતું. નરસિંગ પરિહાર વાહન સમેત ટ્રકની આગળ ફસાઈ ગયાં હતા અને ટ્રક ચાલક ગાડી રોકવાના બદલે તેને ફ્રેન્ડ્સ સૉલ્ટના ગેટ સુધી ઢસડીને લઈ ગયો હતો.
લોકોએ મહામહેનતે સ્કુટી અને નરસિંગભાઈને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલ્યાં હતા. તબીબોએ રોહિત યાદવ અને નરસિંગભાઈ બેઉને સારવાર પૂર્વે મૃત જાહેર કર્યાં હતા.
સૈયદપર પાસે બાઈક સ્લીપ થતાં યુવકનું મોત
બીજી તરફ, ભુજથી રતનાલ જતા માર્ગે સૈયદપર પાટિયા પાસે બાઈક સ્લીપ થતાં રતનાલ ગામના ૩૮ વર્ષિય ચાલક રાજા રામાભાઈ રબારીનું માથામાં ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું. શુક્રવારે મૃતક કોઈ કામસર ભત્રીજાની બાઈક લઈને ભુજ ગયેલો અને ભુજથી પરત ફરતી વેળા બપોરે પોણા ચાર વાગ્યે દુર્ઘટના સર્જાઈ હતી. રાજાનું માથું ડિવાઈડર સાથે ભટકાતાં માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે પધ્ધર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Share it on
|