|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દસ દિવસ અગાઉ ૨૪ માર્ચની રાતે દહીંસરા ગામે વાછરડાંની કતલ કરવાના આરોપસર માનકૂવા પોલીસે પકડેલાં બે સગાં ભાઈ મુસ્તાક જુસબ રાયમા (૩૫) અને ઈસ્માઈલ રાયમા (૩૩)ને ભુજ સેશન્સ કૉર્ટે જામીન પર છોડી મૂક્યાં છે. બેઉ ભાઈની ધરપકડના બે દિવસ બાદ કેબલ ચોરી કરતાં પકડાયેલા ગામના દિનેશ કોલી નામના યુવકે અન્ય સાગરીતો સાથે મળીને પોતે વાછરડાંની કતલ કરી હોવાનું કબૂલેલું. નિર્દોષ માલધારી ભાઈઓને ગૌહત્યાના ખોટાં કેસમાં ફસાવાયાં હોવાની લાગણી સાથે ભુજમાં હિંદુ મુસ્લિમ સમાજે એકસૂરે વિરોધ પ્રદર્શન કરેલું.
જાણો કૉર્ટમાં બંને પક્ષે શું દલીલો થયેલી?
ભુજના સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડીઆની કૉર્ટમાં દલીલ કરતાં બચાવ પક્ષ (આરોપી)ના વકીલે રજૂઆત કરેલી કે બેઉ ભાઈઓને ખોટી રીતે ફસાવાયાં છે, પોલીસે રાત્રે ત્રણ વાગ્યે બેઉ ભાઈઓને ઘરેથી ઉઠાવીને પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી કરેલી. ષડયંત્રપૂર્વક બેઉને ખોટાં કેસમાં ફસાવાયાં છે.
સરકાર તરફે વિશેષ સરકારી વકીલ જી.બી. ગોરે ફરિયાદ પક્ષ વતી બેઉને જામીન પર છોડવા સામે વિરોધ કરી દલીલ કરેલી કે આજીવન કેદની સજાને પાત્ર ગુનો છે. આરોપીઓ પાસેથી ગૌવંશ માંસ મળી આવેલ છે અને એફએસએલ ટેસ્ટમાં પણ તે ગૌવંશ માંસ હોવાનું પુરવાર થયેલું છે.
જો બેઉને જામીન પર છોડાય તો પંચ સાક્ષીઓને લોભ-લાલચ કે ધાક ધમકી આપી પુરાવા આપતાં રોકે તેવી શક્યતા છે. કૉર્ટમાં તપાસકર્તા અમલદારે રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે મોટાભાગની તપાસ પૂરી થઈ ગઈ છે.
બેઉ ભાઈને જામીન પર છોડતાં કૉર્ટે જણાવ્યું કે કોઈપણ આરોપીને અચોક્કસ મુદ્દત સુધી કસ્ટડીમાં રાખી શકાય નહીં. માત્ર સજાની જોગવાઈના આધારે જામીનનો નિર્ણય કરી શકાય નહીં.
મોટાભાગની તપાસ પૂરી થઈ ગઈ છે.
એલસીબી શકમંદોના LVA SDS ટેસ્ટ કરાવશે
દિનેશ કોલીની કબૂલાતે આ કેસને એક નવો વળાંક આપ્યો છે. જનાક્રોશ બાદ કેસની ઝીણવટભરી તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે. ત્યારે, એલસીબીએ આ કેસમાં દિનેશ કોલી, ભરત કોલી અને રમેશ કોલી નામના ત્રણ શકમંદોનો ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબમાં LVA (લેયર્ડ વોઈસ એનાલિસીસ) અને SDS (સસ્પેક્ટ ડિટેક્શન સિસ્ટમ) ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે એપોઈન્ટમેન્ટ માગવામાં આવી છે.
જો કે, બેઉ ટેસ્ટ કરાવતા પૂર્વે આરોપીઓની સ્વૈચ્છિક સહમતિ હોવી ફરજિયાત છે.
બંધારણીય જોગવાઈ (આર્ટિકલ ૨૦ (૩) મુજબ કોઈપણ પ્રકારની બળજબરી, ધાક-ધમકી કે દુષ્પ્રભાવ હેઠળ કોઈપણ આરોપીને ગુનો કબૂલવા માટે એટલે કે તેની વિરુધ્ધનો પુરાવો આપવા માટે ફરજ પાડી શકાતી નથી (Right against self-incrimination). આરોપી ઈચ્છે તો આ પ્રકારના પરીક્ષણનો ઈન્કાર કરી શકે છે. એ જ રીતે, આ પ્રકારના વૈજ્ઞાનિક પરીક્ષણ નિજતાના અધિકાર (Right to Privacy)નો પણ ભંગ કરે છે.
આ પ્રકારના પરીક્ષણના અહેવાલ પ્રાથમિક પુરાવા તરીકે અદાલતો સમક્ષ રજૂ કરી શકાતાં નથી. આવા પરીક્ષણ કેવળ પોલીસ તપાસમાં સહાયક બની શકે છે.
પોલીસે ઉમેર્યું કે આગળ જરૂર પડ્યે મુસ્તાક અને ઈસ્માઈલ રાયમાના પણ આ પ્રકારના વૈજ્ઞાનિક પરીક્ષણ થઈ શકે છે.
ખાવડા ગૌહત્યા કેસનો આરોપી પણ જામીનમુક્ત
૨૧ માર્ચની રાત્રે ખાવડા પોલીસે મોટા દિનારા ગામની સીમમાં દરોડો પાડી ગૌહત્યાના કરેલા કેસમાં સંડોવાયેલા મુસ્તાક હાસમ સાધક સમા (૧૯, રહે. ઢંઢી પાટિયા, મોટા દિનારા)ને પણ સાતમા અધિક સેશન્સ જજે જામીનમુક્ત કર્યો છે. ખાવડા પોલીસે સ્થળ પરથી ૭૦ કિલો ગૌમાંસ, કતલ માટે વપરાયેલાં ધારદાર ઓજારો સાથે સ્થળ પરથી મામદ અલાના હારુન સમા અને અને મામુદ અલાના વેલા સમાને ઝડપી પાડેલાં. પોલીસને જોઈ મુસ્તાક અને મજીદ અલાના વેલા સમા નાસી ગયેલાં. પાછળથી મુસ્તાક ઝડપાઈ ગયેલો.
Share it on
|